Abtak Media Google News

અડધા ભાવમાં સોનાનો ચેન આપવાનું કહી રૂ.18,000નો મોબાઈલ લઈ લીધો: તપાસ કરતા ચેન નકલી નીકળ્યો

શહેરમાં રિક્ષા ગેંગ ફરી સક્રિય થઈ છે.આ ગેંગ દ્વારા પરપ્રાંતિય મંજૂરોને ટાર્ગેટ કરી છેતરપિંડી આચરવામાં આવી રહી છે.જેમાં રિક્ષા ગેંગે એક દિવસ પૂર્વે ખોડિયારનગરમાં રહેતા મૂળ બિહારી શખ્સને મુસાફરનો પડી ગયેલો સોનાનો ચેન ઓછી કિમતમાં આપવાની લાલચ આપી રૂ.18,000નો મોબાઈલ પડાવી લીધો હતો. જ્યારે મૂળ બિહારી યુવાને સોનાનો ચેન તપાસ કરાવતા બગસરાનો હોવાનું ખૂલતાં એ ડિવિઝન પોલીસ ખાતે ફરિયાદ નોંધાવા દોડી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ પુનિતનગર પાણીના ટાંકા પાસે ખોડિયારનગરમાં રહેતો મૂળ બિહારનો અખિલેશ પાસવાન ભત્રીજીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખબર અંતર પૂછવા આવ્યો હતો. જ્યાંથી એક રિક્ષા કરી બસ સ્ટેન્ડ સુધી ગયો હતો. બસ સ્ટેન્ડથી બીજી રિક્ષા ખોડિયારનગરમાં જવા માટે કરી હતી. ત્યારે એક મુસાફર પ્લાન મુજબ સોનાનો ચેન પડી ગયાની ખોટી સ્ટોરી ઘડી કાઢીને ઉતરી ગયો હતો. જ્યારે ચાલકે રિક્ષામાંથી ચેન શોધી કાઢીને મૂળ બિહારના શખ્સને લાલચ આપીને અડધો ભાગ આપવાનું કહ્યું હતું.

રિક્ષા ચાલકને પૈસાની જરૂરિયાત હોવાનું કહી રૂ.10 હજારમાં આપવાનું નક્કી કર્યું હતું. લાલચમાં આવેલા બિહારી યુવાને મોબાઈલના બદલામાં ચેન લઈ લીધો હતો. પોતે સોની વેપારી પાસે તપાસ કરાવતા સોનાનો ચેન બગસરાનો હોવાનું ખૂલતાં પોતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રિક્ષા ગેંગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા તજવીજ આદરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.