Abtak Media Google News

કોઠારિયા સોલવન્ટ પાસે રહેતા પ્રૌઢને કાંતા સ્ત્રી વિકાસ ગૃહ પાસે આંતરી પોલીસના સ્વાંગમાં આવેલા નિવૃત પોલીસમેનના પુત્રએ રુા.8 હજારની લૂંટ ચલાવ્યાનું જાહેર થતા ભક્તિનગર પોલીસે ગણતરીની કલાકોમાં નકલી પોલીસને સીસીટીવી ફુટેજની મદદથી ઝડપી લીધો છે. દુધ સાગર રોડ પર હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા યુવકે પ્રૌઢને મહિલાઓ સાથે કેમ વાતો કરે છે તેમ કહી એક્ટિવા પર બેસાડી ક્રાઇમ બ્રાન્ચે લઇ જઇ કેસ કરવાનો ભય બતાવી ખિસ્સામાંથી બળજબરીથી રુા.8 હજાર પડાવી લીધાની નકલી પોલીસે કબુલાત  આપી છે.

Advertisement

હાઉસીંગ બોર્ડ કવાર્ટરના નકલી પોલીસને અસલી પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો

વિકાસ ગૃહ નજીક  ધોળે દિવસે રિક્ષામાં જતાં પ્રૌઢને અટકાવી ક્રાઈમ બ્રાંચના પોલીસમેન તરીકે ઓળખ આપી એક શખ્સે રૂ. 8,000ની લૂંટ ચલાવી હતી. જેને કારણે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તત્કાળ ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કરી આરોપી ઓસમાણ ઇશાક ખેબર (ઉ.વ. 37, રહે. હાઉસીંગ બોર્ડના કવાર્ટર, દૂધ સાગર રોડ)ને ઝડપી લઇ તપાસ આગળ ધપાવી છે. પ્રાપ્ત માહિતી મુજબ કોઠારીયા સોલવન્ટ પાસેના હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા રાજેશભાઈ ચમનભાઈ ગોસ્વામી (ઉ.વ. 54) ગોંડલ રોડ પર આવેલા કારખાનામાં મજુરી કામ કરે છે.

આજે સવારે કારખાનામાં રજા હોવાથી ઘરના કામો પતાવવાનું નકકી કરી બપોરે બારેક વાગ્યે કોઠારીયા રોડ પર આંબેડકર ભવનના ગેટ પાસે ગેસની ઓફિસે બીલ ભરવા ગયા હતા. જયાંથી કવાર્ટરના કામ માટે વકિલને મળવાનું હોવાથી મોચી બજાર કોર્ટે ગયા હતા. જયાં વકિલને મળ્યા બાદ પગપાળા પરાબજાર સુધી આવ્યા હતા. જયાંથી ભૂતખાના ચોક જતી રિક્ષામાં બેઠા હતા.પોલીસને રાજેશભાઈએ વધુમાં જણાવ્યું કે બપોરે પોણા ત્રણ વાગ્યે કોઠારીયા સોલવન્ટ તરફ જતી રિક્ષાની રાહ જોઈ ઉભા હતા ત્યારે શાપર જતી રિક્ષા મળી હતી. જે કોઠારીયા સોલવન્ટ થઈ જવાની હોવાથી તેમાં પેસેન્જર તરીકે બેસી ગયા હતા. રિક્ષા ઢેબર રોડ પર કાન્તા સ્ત્રી વિકાસ ગૃહથી થોડે આગળ પહોંચતા જ એકટીવા ઉપર ઘસી આવેલા એક શખ્સે રિક્ષાની આગળ એકટીવા નાખી રિક્ષા ઉભી રખાવી હતી.

તે સાથે જ રિક્ષા પાસે જઈ તેને બેફામ ગાળો ભાંડી, રિક્ષામાંથી બહાર કાઢી, પોતાના એકટીવામાં બેસાડી દીધા હતા. સાથોસાથ કહ્યું કે હું ક્રાઈમ બ્રાંચમાં પોલીસવાળો છું, તને પુરી દઈશ. આ પછી ફરીથી બેફામ ગાળો ભાંડી ગેરવર્તન કર્યું હતું. ત્યારબાદ પોતાનું એકટીવા નાગરિક બેન્કની પાછળની શેરીમાં લઈ જઈ ત્યાં કહ્યું કે તારી પાસે છે તે બધા રૂપિયા આપી દે, નહીં તો તને પુરી દઈશ, આ કેસમાં જામીન પણ નહીં મળે.

આ વાત સાંભળી તે ખુબ જ ડરી ગયા હતા. તે સાથે જ ક્રાઈમ બ્રાંચના પોલીસમેન તરીકે ઓળખ આપનાર શખ્સે તેનો કાંઠલો પકડી હાથ ઉગામ્યો હતો. જેને કારણે ગભરાઈને ખિસ્સામાંથી રૂપિયા કાઢયા હતા. જે રૂપિયા લુંટી લઈ કહ્યું કે જો ભૂતખાના ચોકમાં કયારેય દેખાયો તો તને પાડી દઈશ, હું પોલીસની ગાડીમાં નીકળ્યો ત્યારે તું લેડીઝ સાથે વાત કરતો હતો. આ પછી એકટીવા લઈ જતો રહ્યો હતો.

તપાસ કરતા રૂ. 8,000ની લુંટ થઈ હતી. તત્કાળ પોતાના વકિલને જાણ કર્યા બાદ પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચ્યા હતા. જયાંથી ભક્તિનગર પોલીસ મથકમાં જઈ ફરિયાદ નોંધાવી હતી. તે સાથે જ પોલીસ સક્રિય થઈ ગઈ હતી. સીસીટીવી કેમેરા વગેરેના આધારે પોલીસે આરોપીની ઓળખ મેળવી તેને ઝડપી લઈ આ પ્રકારના બીજા કોઈ ગુના આચર્યા છે કે કેમ તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હાલ રાજયભરમાં નકલીની બોલબાલા વચ્ચે નકલી ક્રાઇમ બ્રાંચના પોલીસમેને ચલાવેલી લૂંટથી ચર્ચા જાગી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.