Abtak Media Google News

વીડિયો સર્વેલન્સ, ફ્લાઇંગ સ્કવોડ,  ચેકપોસ્ટ, પોલીસ ટીમ વગેરેનું  માર્ગદર્શન-નિર્દેશ અપાયું

ભારતીય ચૂંટણી પંચ દ્વારા સુરેન્દ્રનગર ખાતે નિમાયેલા ખર્ચ નિરીક્ષકો  શિવપ્રતાપ સિંઘ અને  પિજુષ મુખર્જીએ આજે કલેક્ટર કચેરી સભાખંડ, સુરેન્દ્રનગર ખાતે ચૂંટણી ખર્ચ નિરીક્ષણની વ્યવસ્થાને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. નિરીક્ષકોએ બેઠકમાં જિલ્લાનાં વિધાનસભા મતવિસ્તારોમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી- 2022ને ધ્યાને લઈ ગોઠવાયેલી ખર્ચ મોનિટરિંગની વ્યવસ્થા અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવતા જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.

Advertisement

બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી કેયુર સંપટ તથા ખર્ચ નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી પ્રકાશ મકવાણા દ્વારા  જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તાર વાર હાથ ધરવામાં આવેલ ખર્ચ નિરીક્ષણને લગતી કામગીરીની વિગતો રજૂ કરાઈ હતી. ખર્ચ નિરીક્ષકઓએ તમામ વિધાનસભા મતવિસ્તારનાં અલગ-અલગ પ્રકારના ખર્ચ નિરીક્ષક અંતર્ગત કામ કરતા વી.એચ.સી., વી.વી.સી., વિડીયો સર્વેલન્સ, ફ્લાઇંગ સ્કવોડ, જિલ્લામાં કાર્યરત ચેકપોસ્ટ, પોલીસ ટીમ વગેરેની ઝીણવટભરી માહિતી મેળવી હતી. એકાઉન્ટિંગ ટીમનાં સભ્યોની તાલીમ, શિફ્ટ, જપ્તીની પ્રક્રિયા અને મર્યાદા સહિતની બાબતો અંગે નિરીક્ષકઓએ નિમાયેલા અધિકારીઓ-કર્મચારીઓને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ચોટિલા અને ધ્રાંગધ્રા વિધાનસભા મતવિસ્તારનાં ચૂંટણી ખર્ચ નિરીક્ષક મુખર્જીએ જણાવ્યું હતું કે ન્યાયી અને મુક્ત વાતાવરણમાં ચૂંટણીઓ યોજાય તે માટે ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલ મર્યાદામાં ખર્ચ થાય અને  ધનનો દુરૂપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવું અતિ આવશ્યક છે.

આ બેઠકમાં જિલ્લાનાં પોલિસ વડા  હરેશ દૂધાત, નિવાસી અધિક કલેક્ટર દર્શના ભગલાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી. કે. મજેતર તથા જિલ્લાના વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારીઓ તથા એક્સપેન્ડીચર મોનિટરીંગ સેલના  વિવિધ વિધાનસભા મત વિસ્તારના નિમાયેલ નોડલ ઓફિસરઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.