Abtak Media Google News

ચૂંટણી ખર્ચ નિરીક્ષકોની કામગીરી અહેવાલની સમીક્ષા કરીને તલસ્પર્શી માર્ગદર્શન અપાયું

કેન્દ્રીય અને રાજ્ય ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી – 2022 સંપૂર્ણ ન્યાયી વાતાવરણમાં યોજાય તેની પુરી તકેદારી સાથે દરેક જિલ્લા ચૂંટણી તંત્રને માર્ગદર્શન પૂરું પાડીને કામગીરી કરી રહ્યું છે. જેને અનુલક્ષીને   કલેકટર કચેરી ખાતે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત થયેલ સ્પેશિયલ ખર્ચ નિરીક્ષક બી.મુરલીકુમારના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લાં ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુએ પ્રેઝન્ટેશન મારફત ચૂંટણી ખર્ચ સંબંધિત કરેલી કામગીરીનો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો. ઉપરાંત શંકાસ્પદ રોકડ, જપ્ત થયેલ ડ્રગ્સ, દારૂ અને ગોલ્ડ ઉપર કરવામાં આવેલી કાર્યવાહી વિશે વિગતવાર જાણકારી આપી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, બેંકો દ્વારા 10 લાખથી વધુની રકમના વ્યવહારોના ડેઈલી રિપોર્ટ પણ મંગાવવામાં આવે છે અને શંકાસ્પદ આર્થિક વ્યવહારો ઉપર કાર્યવાહી પણ કરવામાં આવે છે.

તલસ્પર્શી માર્ગદર્શન સાથે સ્પેશિયલ ખર્ચ નિરીક્ષકએ બી.મુરલીકુમારે સર્વે ખર્ચ નિરીક્ષકઓ સાથે તેમના દ્વારા થયેલી કામગીરી અંગે ચર્ચાઓ કરી હતી. નાકાઓ ઉપર એસએસટી અને  એફએસટી ની કામગીરી અંગે માહિતી મેળવીને શંકાસ્પદ કેસનું ત્વરિત નિવારણ કરવાનું સૂચન આપ્યું હતું. સાથો સાથ બુથ મેનેજમેન્ટ, ઇન્કમટેક્સ અને જી.એસ.ટી. વિભાગની કામગીરી અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી.

આ બેઠકમાં ખર્ચ નિરીક્ષક  જનાર્દન એસ.,  બાલા ક્રિષ્ના એસ.,  શૈલેન સમદર,   અમિતકુમાર સોની, ચૂંટણી ખર્ચ નોડલ અધિકારી  દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટર  કેતન ઠક્કર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી  એસ.જે.ખાચર અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.