Abtak Media Google News

1960ના દશકાના સૌથી સફળ અભિનેતા રાજેન્દ્ર કુમાર હતા. તેમની ચાર દાયકાની કારકિર્દીમાં 80થી વધુ ફિલ્મો કરી હતી. તેઓ અભિનેતા બનવા આવ્યા ન હતા તેથી જ જાણીતા દિગ્દર્શક એચ.એસ.રવૈલના સહાયક તરીકે પાંચ વર્ષ કામ કર્યુ જેમાં પતંગ, સગાઇ અને પોકેટમાર જેવી ફિલ્મો નિર્માણ કરી. આ ગાળામાં દિલિપ કુમાર અભિનત ‘જોગન’ ફિલ્મમાં નાનકડી ભૂમિકા કર્યા બાદ ફિલ્મ ‘વચન’માં ગીતા બાલીના ભાઇનો રોલ કર્યો હતો. આ ફિલ્મે સિલ્વર જ્યુબિલી ઉજવી જેથી તેના અભિનયની ચોમેર પ્રશંસા થવા લાગી પછી ‘મધર ઇન્ડિયા’માં નરગીશના પુત્ર તરીકે સુનિલ દત્ત સાથે શ્રેષ્ઠ અભિનય કરતાં તેની કિસ્મત ચમકી ગઇ હતી. તે એક સફળ અભિનેતા અને બોલીવુડનાં ‘જ્યુબિલી કુમાર’ તરીકે જાણીતા બન્યા હતા. કારણ કે તેની મોટા ભાગની ફિલ્મો સિનેમા ઘરોમાં સિલ્વર જ્યુબિલી ઉજવી હીટ થઇ હતી.

પતંગ-સગાઇ અને પોકેટમાર જેવી ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે પાંચ વર્ષ જાણીતા દિગ્દર્શક એચ.અસ.રવૈલ સાથે કામ કર્યા બાદ ‘જોગન’ ફિલ્મમાં નાનકડી ભૂમિકા ભજવી હતી

‘વચન’ ફિલ્મમાં ગીતા બાલીના ભાઇના રોલ બાદ ‘મધર ઇન્ડિયા’ ફિલ્મથી કિસ્મત ચમકી ગઇને દિગ્દર્શકમાંથી સફળ અભિનેતા બની ગયા : પુત્ર કુમાર ગૌરવ પિતાનો અભિનય વારસો જાળવી ન શક્યા

રાજેન્દ્ર કુમાર તુલી એટલે આપણાં રાજેન્દ્ર કુમાર જેનો જન્મ 20 જુલાઇ 1927ના રોજ અને અવસાન 12 જુલાઇ 1999ના રોજ થયું હતું. 1950માં બોલીવૂડ યાત્રા શરૂ કરીને ચાર દાયકાથી વધુ સમય એવરગ્રીન ફિલ્મો કરી હતી. 1960ના દશકાના તે સદાબહાર કલાકાર હતા. તેમણે તેના પુત્ર કુમાર ગૌરવને લઇને પણ ફિલ્મો બનાવી જેમાં લવ સ્ટોરી, નામ, ફુલ વિગેરેનો સમાવેશ થાય છે પણ પુત્ર પિતાનો અભિનય વારસો જાળવી ન શક્યો.

તેમની સફળ ફિલ્મોમાં તુફાન ઔર દિયા, મધર ઇન્ડિયા, ચિરાગ કર્હાં રોશની કર્હાં, ધૂલ કા ફૂલ, ગુંજ ઉઠી શહનાઇ, કાનૂન, મા-બાપ, મહેંદી રંગ લાગ્યો, જિંદગી ઔર ખ્વાબ, આસકા પંછી,ધર્મપુત્ર, ઘરાના, પ્યાર કા સાગર, સસુરાલ, અકેલી મત જઇઓ, દિલ એક મંદિર, ગેહરા દાગ, હમરાહી, મેરે મહેબૂબ, સંગમ, જિંદગી, આરજુ, પાલકી, સાથી, ઝુક ગયા આસમાન, અંજાના, શતરંજ, તલાશ, મેરા નામ જોકર, ધરતી, ટાંગેવાલા, ગોરા ઔર કાલા, લલકાર, આનબાન, સાજન બીન સુહાગન, સાજન કી સહેલી જેવી હતી. આમાંથી મોટાભાગની ફિલ્મો ખૂબ જ સફળ રહી હતી. તેમની બોલીવુડ યાત્રાના સફળ વર્ષો 1949 થી 1998 રહ્યા હતાં. તેમને 1969માં પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો. તેમની યાદીમાં ભારતીય ટપાલ વિભાગે ટીકીટ પણ જારી કરી હતી.

તેમને શરૂની ફિલ્મોમાં માત્ર 1500 રૂપિયા અપાયા હતાં. તેની રોમેન્ટીગ યુગની પ્રથમ સફળ ફિલ્મ ગુંજ ઉઠી શહનાઇ હતી. રાજેન્દ્ર કુમારની ફિલ્મોના ગીતો ખૂબ જ સફળ રહ્યા હતાં. ખાસ રફી સાહેબ, મુકેશે ગાયેલા ગીતો આજે જ્યારે સાંભળીએ ત્યારે તેનો ચહેરો યાદ આવી જાય છે. 1960ના દશકાનો સમય તેના માટે સુવર્ણ કાળ જેવો હતો. કારણ કે એક વર્ષમાં છ કે સાત ફિલ્મો એક સમયે તેઓ કરતાં હતા. જેને કારણે સિનેમા ઘરોમાં તેમની ફિલ્મો જ ચાલતી હતી. આ બધી ફિલ્મો 25 અઠવાડિયાથી વધુ ચાલતી એટલે જ તેને જ્યુબિલી કુમાર કહેતા હતા. 1959માં ઘુલ કા ફૂલને 1961માં ઘરાના બાદ સતત 9 વર્ષ સુધી હિટ ફિલ્મો આપનાર તે એક માત્ર સફળ અભિનેતા હતાં.

1972માં ‘ગોરા ઓર કાલા’ ફિલ્મ બાદ 1975માં રાજ કપૂર સાથે ‘દો જાસૂસ’ ફિલ્મ કર્યા બાદ અને જો કે 1972માં રાજેશ ખન્નાના આગમન બાદ તેને ફિલ્મો મળતી બંધ થઇ તો તેમની ઘણી ફિલ્મો ફ્લોપ પણ રહી હતી. બાદમાં થોડી ચરિત્ર અભિનેતા તરીકે ફિલ્મો કરી હતી. 1981માં પુત્ર કુમાર ગૌરવને ચમકાતી ‘લવ સ્ટોરી’ થી નિર્માતા તરીકે યાત્રા સાથે તે ફિલ્મમાં અભિનય પણ તેને કર્યો હતો. ફિલ્મ ખૂબ જ સફળ રહ્યા બાદ 1986માં ‘નામ’ ફિલ્મ બનાવી હતી. બાદમાં ‘ફૂલ’ બનાવી પણ સફળ ના રહી. 1995માં ટેલીવિઝન સિરીયલ્સ અંદાજ અને વંશમાં અભિનય કર્યો જે તેની અંતિમ ભુમિકા હતી. 1978ના ગાળામાં તેને ઘણી બધી પંજાબી ફિલ્મો પણ કરી હતી.

રાજેન્દ્ર કુમાર અને રાજ કપૂર બહુ જ સારા મિત્રો હતા. સુનિલ દત્તની પુત્રી નમ્રતા સાથે રાજેન્દ્ર કુમારના પુત્ર કુમાર ગૌરવના લગ્ન થયા હતા. સંબંધના તાતે સજંય દત્ત અને કુમાર ગૌરવ સાળો-બનેવી થાય છે. તેમને કાનૂન (હિન્દી) અને મહેંદી રંગ લાગ્યો (ગુજરાતી) માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમને એક વિશેષ લાલ બહાદુર શાસ્ત્રી એવોર્ડ પણ મળ્યો હતો. તેમની અભિનયકલા સાથે સાહજિકતા ગીતોનો અભિનય ઉમદા હોવાથી તેમના ઘણા ગીતો આજે પણ ખૂબ જ પ્રચલિત છે. જેમાં “યે મેરા પ્રેમ પત્ર પઢકર” ખૂબ જ મશહૂર છે.

રાજેન્દ્ર કુમારને દિલ એક મંદિર (1964), આઇ મિલન કી બેલા (1965) આરઝુ (1966) તથા સંગમ (1965) ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. રાજેન્દ્ર કુમારે રંગહીન ફિલ્મોથી કલર ફિલ્મોની યાત્રામાં ઘણી સફળ ફિલ્મોમાં અભિનયથી ચાર ચાંદ લગાડ્યા હતાં. 1963 થી 1966ના વર્ષની તેમની તમામ ફિલ્મો સુપર હિટ રહી હતી, જે બધી જ સિલ્વર જ્યુબિલી ઉજવી હતી.

એક સમય એવો પણ આવ્યો હતો કે તેની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઇ ગઇ હતી. પૈસાની અછતને કારણે રાજેન્દ્ર કુમારને તેનો બંગલો રાજેશ ખન્નાને વેંચવો પડ્યો હતો. રાજેન્દ્ર કુમારના બંગલાનું નામ ડિમ્પલ હતું. લોકોનું કહેવું છે કે જે દિવસે પોતાનો બંગલો ખાલી કર્યો ત્યારે તેઓ ખૂબ જ રડ્યા હતા. તેમનો બંગલો દરિયાની સામે જ હતો જે એ જમાનામાં લોકો જોવા આવતા હતા. બાજુમાં સંગીતકાર નૌશાદનો બંગલો હતો. રાજેન્દ્ર કુમારએ બંગલો 60 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો.

બી.આર.ચોપડાની કાનૂન સિવાય બીજી બે ફિલ્મોમાં કામ કરવાની શરતે એડવાન્સમાં 90 હજાર રૂપિયા તેને લીધા હતા. આ બંગલાની ખરીદી બાદ તેનું નશીબ બદલી ગયું ને પૈસાનો વરસાદ શરૂ થઇ ગયો તેની તમામ ફિલ્મો હીટ જવા લાગી હતી. દેશના ભાગલા બાદ નિરાશ્રિત થઇને રાજેન્દ્ર કુમારનો પરિવાર મુંબઇ આવેલો હતો. તેમની પ્રથમ ફિલ્મ ‘વચન’ સિલ્વર જ્યુબિલી થઇ હતી. 1964ના એક જ વર્ષમાં સંગમ, ઝિંદગી, આઇ મિલન કી બેલા જેવી ત્રણ સુપર ડુપર ફિલ્મો રાજેન્દ્ર કુમારે કરી હતી. તેના પુત્ર કુમાર ગૌરવના લગ્ન રાજકપૂરની પુત્રી સાથે થવાના હતા તેવી વાતો વહેતી થઇ હતી પણ અંતે સંજય દત્તની બહેનના લગ્ન કુમાર ગૌરવ સાથે થયા.

01 2

રાજેન્દ્ર કુમાર જ્યુબિલી કુમાર કેમ બન્યા?

હિન્દી ચલચિત્રોના વ્યાવસાયિક રીતે સફળ અભિનેતામાંના એક રાજેન્દ્ર કુમારની એટલી બધી ફિલ્મોએ રજત-જયંતી ઉજવી હતી કે તેઓ ‘જ્યુબિલી કુમાર’ તરીકે બોલીવૂડમાં જાણીતા થયા હતાં. પાંચ વર્ષ દિગ્દર્શક તરીકે કામ કરતાં કરતાં જ પ્રથમ ફિલ્મ ‘વચન’ થી જ સિલ્વર જ્યુબિલી ઉજવીને સફળ અભિનેતા બની ગયા હતાં. તેમની ગીતો ગાવાની સ્ટાઇલ સાથે રફી, મુકેશનો અવાજ ખૂબ જ મેચ થઇ જતો હતો. તેમને તેના પુત્રને ચમકાવવા લવસ્ટોરી, નામ જેવી ઘણી સફળ ફિલ્મો પણ બનાવી હતી. તેમને દિલ એક મંદિર, આઇ મિલન કી બેલા, આરઝુ, અને સંગમ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. તેમને પ્રથમ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. તેમને પ્રથમ ફિલ્મ માટે માત્ર 1500 રૂપિયા મળ્યા હતા. 1963 થી 1966ના ત્રણ વર્ષના ગાળાની તેમની તમામ ફિલ્મો ખૂબ જ સફળ નિવડી હતી. 1961માં ફિલ્મ ‘ઘરાના’ બાદ સતત 9 વર્ષ સુધી હિટ ફિલ્મો આપનાર તે એક માત્ર બોલીવુડ કલાકાર છે. 1969માં તેમને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો. મુંબઇના દરિયાકાંઠે આવેલા તેમનો ‘ડિમ્પલ’ બંગલો લોકો જોવા આવતા હતા. આ બંગલો રાજેન્દ્ર કુમારે માટે ખૂબ જ નશીબવંતો હતો. બી.આર. ચોપડાની કાનૂન ફિલ્મ બાદ તેને તે માત્ર 90 હજાર રૂપિયામાં એ જમાનામાં ખરીદ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.