Abtak Media Google News

સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો લોકો સુધી પ્રકૃતિ અને પર્યાવરણના જતનનો સંદેશ પહોંચાડ્યો

જૂનાગઢ વન વિભાગના એક એવા મહિલા કર્મચારી કે, જેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી વાઈલ્ડ લાઈફ, પર્યાવરણ, પ્રકૃતિના જતન માટે અનોખી રીતે મુહિમ ઉપાડી છે.અને વીડિયોના માધ્યમથી જંગલ, પર્યાવરણ, વન્ય પ્રાણીઓ, વનસ્પતિઓ અને વન સંરક્ષણના કાયદા-નિયમો વિશે જાણકારી આપી રહ્યા છે, જેના કારણે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બે લાખથી વધુ ફોલોવર્સ પણ ધરાવે છે.

ભવનાથ રાઉન્ડ કચેરીમાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા મંજુબેન કાંબરીયાની….  જેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને વન્યપ્રાણી, વનસ્પતિ, પર્યાવરણ, જંગલ વગેરેને કેવી રીતે સંરક્ષિત રાખી શકાય તે માટે એક પ્રકારે જનજાગૃતિ અભિયાન ઉપાડ્યું છે. એક મુહિમ ઉપાડી છે. તેવું કહીશું તો પણ અતિરેક નહીં ગણાય. કારણ કે, તેમના દ્વારા જે પ્રયત્નો થઈ રહ્યા છે તે સલામે દાદ માંગી લે તેવા છે અને સોશિયલ મીડિયાના યુઝર્સ પણ મંજુબેનની પોસ્ટથી ઘણું જાણી ચૂક્યા છે ઘણું જાણી રહ્યા છે અને ખૂબ સારી કોમેન્ટ પણ કરી રહ્યા છે તેના કારણે જ મંજુબેન કાંબરીયા ના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોવર્સ છે. અને તેમણે મૂકેલી પોસ્ટ રીલ લાખોની સંખ્યામાં સોશિયલ મીડિયાના યુઝરો જોઈ રહ્યા છે માણી રહ્યા છે લાઈક કરી રહ્યા છે.

મંજુબેન કહે છે કે, પ્રકૃતિ, પર્યાવરણ અને વન્યજીવો સાથેના લગાવે મને આ જનજાગૃતિ માટેની પ્રેરણા પૂરી પાડી છે. ત્યારે આજે લોકો સોશિયલ મીડિયા સાથે ખૂબ અટેચ્ડ હોય છે. જેથી સોશિયલ મીડિયાના માધ્યમથી આ કામ શરૂ કર્યું છે. મંજુબેનની આ સફરમાં ઈન્સ્ટાગ્રામ પર 2 લાખથી વધુ ફોલોવર્સ થઈ ચૂક્યા છે. તેઓ કહે છે કે, લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે, જે મારા કામ કરવાના ઉત્સાહને પણ વધારે છે. જેથી યુ ટ્યુબ પર  પણ પ્રકૃતિ, પર્યાવરણ, વન્યજીવોની જાણકારી આપતા વિડિયો મુકવાનું પણ શરૂ કર્યું છે.

સિંહ, દિપડા જેવા પ્રાણીઓનું રેસક્યુ,  રાત્રીના દુર્ગમ વિસ્તારમાં પેટ્રોલિંગ સહિતની વન વિભાગમાં પડકારજનક કામગીરી કરી રહેલા મંજુબેન કરસનભાઈ કાંબરીયાએ એમ.એ. ઈગ્લીંશ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ લોકરક્ષક તરીકે પોલીસમાં પસંદગી પણ પામ્યા હતા. પણ પ્રકૃતિથી નજીક રહેવા માંગતા હતા જેથી વન વિભાગમાં નોકરી કરવાનું પસંદ કર્યું. તેમને વન વિભાગમાં ફરજ કાળનો પાંચ વર્ષથી વધુનો સમયગાળો પસાર કરી લીધો છે, ત્યારે મંજુબેન વધુમાં જણાવે છે કે, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, ઈન્ચાર્જ એ.સી.એફ. અરવિંદ ભાલીયાના માર્ગદર્શનમાં હું વન સંરક્ષણ માટેની ફરજ અદા કરી રહી છું. અને એ રાઉન્ડ ધી કલોક પ્રકૃતિના ખોળે અને વન્ય પ્રાણી, પક્ષીઓ સાથે રહેવાનું હોવાથી ઘણો આનદ મળે છે, અને મને ઘણું જાણવા અને શીખવા મળી રહ્યું છે ત્યારે લોકો પણ વન, પર્યાવરણ, વિશે જાણતા થાય, માહિતગાર થાય તેવો મારો આ નમ્ર પ્રયાસ છે. આ કામગીરીમાં સહ કર્મચારીઓ-અધિકારીઓનો પણ એટલો જ સહયોગ રહ્યો છે.

મંજુબેનને પોતાની ફરજની સાથો સાથ પ્રકૃતિના શિક્ષણમાં ઉંડો રસ છે, તેઓ કહે છે કે, આજે ઘણાં બાળકોમાં પ્રાણી-પ્રકૃતિ વિશે સામાન્ય જ્ઞાનનો અભાવ જોવા મળે છે. જેથી આ દિશામાં શિક્ષણ કાર્ય કરવામાં આવે તો આવનારી પેઢી જાગૃત થશે. જેથી પર્યાવરણ સંરક્ષણની કામગીરી પણ વધુ સારી રીતે થઈ શકશે.

મંજુબેન ળફક્ષષીફવશિ નામે ઈન્સ્ટાગ્રામ પર પેજ ચલાવે છે. તેમાં જંગલ, પર્યાવરણ, વન્ય પ્રાણીઓ, વનસ્પતિઓ અને વન સંરક્ષણના કાયદાઓ નિયમો વિશે પણ જાણકારી આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.