Abtak Media Google News
  • રાજકોટ-અમદાવાદ હાઇવે પર ગુંદાળા ગામ નજીક બન્યો બનાવ: ભાણેજની પત્નીના બે સંબંધી સામે ફરીયાદ

બાવળાથી દ્વારકા પગપાળા સંઘ સાથે નીકળેલા વીર નર્મદ યુનિવર્સિટીના પ્રોફેસરનું ભાણેજના પ્રેમલગ્નના મનદુ:ખમાં અપહરણનો બનાવ બન્યો છે. ભાણેજની પત્નીના બે સંબંધી સામે અપહૃત પ્રોફેસરના અમદાવાદ રહેતા ભાઇએ શંકાની સોય તાકી રાજકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.અમદાવાદના સૈજપુરમાં રહેતા હરિભાઇ ભીખાભાઇ ગળિયા નામના પ્રૌઢે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ચાર ભાઇ, બે બહેનમાં વચેટ છે. અમદાવાદમાં રહેતા સૌથી નાના બહેનનો મુંબઇ રહેતો પુત્ર જિજ્ઞેશને અમારા સમાજની માયા નામની યુવતી સાથે પ્રેમસંબંધ હોય ચાર મહિના પહેલાં બંનેએ લગ્ન કરી લીધા હતા. દરમિયાન સુરત સ્થિત વીર નર્મદ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા મોટા ભાઇ રતિલાલભાઇ ગત તા.9ના રોજ બાવળાથી દ્વારકા પગપાળા સંઘ સાથે જવા નીકળ્યા હતા. તા.13ના રતિલાલભાઇને મોબાઇલ ફોન કરતા સ્વિચઓફ આવતો હતો. જેથી સંઘ સંચાલકને વાત કર્યા બાદ સંઘ સંચાલકે રતિલાલભાઇ બામણબોર ટોલનાકા સુધી સાથે હતા.

બાદમાં ગુંદાળા ગામ પાસેથી જોવા નહિ મળ્યાની વાત કરી હતી. ભાણેજે કરેલા પ્રેમલગ્નથી નારાજ સંતોષ સોઢા, અર્જુન અલગોતર અને તેના સાગરીતો ચાર મહિના પહેલાં ઘરે આવી પ્રેમલગ્ન મુદ્દે ઝઘડો કર્યો હતો. અને અમારી દીકરી પરત નહિ કરતો તો કોઇનું અપહરણ કરી જશું, અમારી સામે અગાઉ ઘણા આવા ગુના નોંધાયા છેની ગર્ભિત ધમકી આપી હતી. બાદમાં સમાજના આગેવાનોની મધ્યસ્થીથી ભાણેજની પત્નીને પિયર મોકલી દીધી હતી. એક મહિના બાદ ભાણેજે હાઇકોર્ટમાં કેસ દાખલ કરી તેની પત્નીનો કબજો મેળવ્યો હતો.હાઇકોર્ટમાંથી બહાર નીકળતી વખતે ભાણેજની પત્નીના સંબંધી એવા ભૂખી ગામના મેરૂ, રાજ મેરૂ, અર્જુન અલગોતર, ભાવનગરના સંતોષ સોઢા, રતા સામત, કાળુ સામર્થ, સંજય ભૂર ત્યાં ઊભા હોય મોટાભાઇ રતિલાલભાઇને તમને જોઇ લેશુંની ધમકી આપી હતી.

આમ ભેદી રીતે ગુમ થયેલા મોટાભાઇને અપહરણની ગર્ભિત ધમકીઓ આપી હોવાનું યાદ આવ્યું હતું. જેથી મોટાભાઇને ભાણેજની પત્નીના સગાંસંબંધીઓ ઉઠાવી ગયાની શંકા જતા રાજકોટ દોડી આવ્યા હતા અને એરપોર્ટ પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. સંતોષ સોઢા અને અર્જુન અલગોતરે અપહરણ કર્યું હોય અથવા કરાવ્યું હોવાની શંકા હોય બંને સામે શંકાની સોય તાકી છે. પીઆઇ જે.એસ.ગામીતે ગુનો નોંધી અપહૃતને મુક્ત કરાવવા અને અપહરણકર્તાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.