Abtak Media Google News

અંતે દાયકાઓની લડાઈ પર પૂર્ણ વિરામ; ગર્ભપાતને માન્યતા આપતું બિલ પસાર થતા મહિલાઓમાં હર્ષ

ગર્ભપરીક્ષણ, ગર્ભપાત કાયદેસર હોય કે ગેરકાયદે અંતે ભોગવવું તો એક સ્ત્રીને જ પડે છે !!

અતિરૂઢિચુસ્ત એવા લેટિન અમેરિકાના દેશ આર્જેન્ટિનાએ ગર્ભપાતને કાયદાકીય મંજૂરી આપી દીધી છે. આ માટેનું બીલ આર્જેન્ટિનાની સંસદમાં પસાર થઈ જતા સ્થાનિક મહિલાઓમાં હર્ષ છવાયો છે. મહિલાઓ આ અધિકાર માટે છેલ્લા ઘણા વર્ષોથી આંદોલન કરતી હતી. જે પક્ષમાં નિર્ણય આવતા હવે, આર્જેનિટનામાં ૧૪ અઠવાડિયા સુધી સ્વૈચ્છિક રીતે ગર્ભપાત કરાવવાને કાયદાકીય માન્યતા મળી ગઈ છે.મહિલાઓનાં હક-અધિકારની તરફેણમાં આ કાયદા લાવનાર આર્જેન્ટિના લેટિન અમેરિકાનો પ્રથમ દેશ બની ગયો છે. ભારત જેવા ઘણા એશિયાઈ દેશોએ આમાંથી શીખ લેવાની જરૂર છે. આપણે અહી ગર્ભ પરીક્ષણ કરાવવું પણ ગેરકાયદે છે.દીકરો છે કે દીકરી તે જાણવા કરાતા ગર્ભપરીક્ષણ માટે પકડાય તો માતા-પિતા સહિત ડોકટરને જેલનાં સળિયા સુધીની સજા થઈ શકે છે. જોકે, અહી આ નિયમ બાળકીના જન્મને સુરક્ષા પ્રદાન કરવા લેવાયો છે. ભારતમાં ગર્ભપરીક્ષણની સાથે ૨૪ અઠવાડિયા બાદનો ગર્ભપાત પણ કાયદાનું ઉલ્લંઘન જ છે. આના સારા નરસા એમ બંને પ્રકારનાં પરિણામો છે.ગર્ભપરીક્ષણ એટલે ગર્ભમાં જ બાળકની જાતિ જાણવી દીકરો છે કે દિકરી આ પ્રક્રિયા ભારતમા સંપૂર્ણ પણે ગેરકાયદે છે. જયારે ગર્ભપાત પર અમૂક અંશે છૂટછાટ અપાઈ છે. ૨૪ અઠવાડિયા સુધી ગર્ભપાત કરાવી શકાય છે. અને ત્યારબાદ ગર્ભપાત માટે કોર્ટ પાસેથી સ્પેશ્યલ મંજૂરી લેવાની આવશ્યકતા રહે છે. આ કાયદા ભારતમાં લોકોની દિકરીના જન્મ પ્રત્યેની માનસિકતા પર રોક લગાવે છે. જે મહંદ અંશે સારૂ પણ ગણી શકાય પરંતુ આ કાયદા કયાંકને કયાંક સ્ત્રીઓના હકોને શોષિત કરે છે. ગર્ભ પરીક્ષણ ગર્ભપાતનાં કાયદા કે તેમાં રહેલી છૂટછાટથક્ષ અંતે સહનતો સ્ત્રીઓએ જ કરવું પડે છે. બંને પાસા સંમતુલીત પણે જળવાઈ રહે તેવો સુગમ કાયદો ઘડવો ખૂબ જરૂરી છે.

આર્જેન્ટિનામાં દર વર્ષે ૪ થી ૫ લાખ જેટલા ગર્ભપાતના ગેરકાયદે કેસો નોંધાય છે. જુના પુરાણા કાયદાઓને નાબુદ કરવા સ્ત્રીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ કરાઈ રહ્યો હતો. કોરોના મહામારી વચ્ચે પણ વિરોધ પ્રદર્શન યથાવત હતુ ત્યારે હવે, સંસદે ગર્ભપાતને માન્યતા આપતું બીલ પાસ કરી મહિલાઓનાં હકમાં નિર્ણય કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.