Abtak Media Google News

ઉધોગપતિ અને ધનગંગાને વહાવનાર ભામાશાઓએ સમાજની તાસીર, સ્થિતિ, પરિસ્થિતિ, પ્રભાવ, પમરાટ અને પ્રગત્તિની એક નવી મિશાલ રચી છે. એક નવી ઓળખ ઊભી કરી છે. એવી ઓળખની પરંપરામાં શ્રી ગોવિંદભાઈ ગણેશભાઈ વરમોરા

  • * લક્ષચંડી મહાયજ્ઞનાં યજમાન તરીકે લીધો અનેરો લાભ
  • * સરદારધામનાં રચેતાની પહેલી મીટીંગનાં મેમ્બર 9માં ટ્રસ્ટી તરીકે સેવા બજવી રહ્યા છે.
  • * આઝાદી કા અમૃત મહોત્સવ નીમીતે કુલ 5 કરોડ રૂપિયાની ધનરાશી જાહેર કરી !!
  • * સરધારધામમાં કાર્યવાહક તરીકે ઉભરી આવેલા ગોવીંદભાઇ વરમોરા
  • * સર્વ સમાજ કે પછી કોઇપણ સંસ્થામાં ગોવિંદભાઇ વરમોરાનું યોગદાન અનેરૂં હોય છે.
  • ગુજરાતના પાટીદાર પરિવારમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ તથા પ્લેટીનમદાતા શ્રી ગોવિંદભાઈ વરમોરા
  • ખાસ જૈનધર્મ સાથેનું જોડાણ થતા જૈન સાધુઓ પાસેથી અહિંસા, માનવતા, દયા, સેવા જેવા ગુણોનું વિશેષ દ્રઢીકરણ થયેલું

પાટીદાર સમાજની પરંપરા પર દષ્ટિપાત કરીએ તો સમયાંતરે વિવિધ ક્ષેત્રોમાં વીરલાઓ અને હીરલાઓ મળ્યા છે. ઉધોગપતિ અને ધનગંગાને વહાવનાર ભામાશાઓએ સમાજની તાસીર, સ્થિતિ, પરિસ્થિતિ, પ્રભાવ, પમરાટ અને પ્રગત્તિની એક નવી મિશાલ રચી છે. એક નવી ઓળખ ઊભી કરી છે. એવી ઓળખની પરંપરામાં શ્રી ગોવિંદભાઈ ગણેશભાઈ વરમોરા આવે છે.

Screenshot 4 6

તેઓનું જન્મ સ્થળ મૂળી તાલુકાનું સરા ગામ, ખેડૂતપુત્ર અને દુકાનદાર તરીકે ગામના આબરુદાર અને ખમતીધર ખેડૂત. ગણેશબાપા રોટલે મોટા.., ચાસ મોટો… અને આર્થિક કારોબાર મોટો. દુકાળ તરી શકાય એવી સ્થિતિઓ ખરી. સંયુક્ત પરિવારની ખુશ્બૂ ઠેરઠેર વેરાયેલી… તેઓની શાખ સારી, સંબંધો સાચા, વ્યવહાર ચોખ્ખો અને વેવાર મોટો. એમના પુત્ર ગોવિંદભાઈને આ બધુ વારસામાં મળેલું. ખાસ પ્રગત્તિશીલ રહેવું, ટોચ પર રહેવું, નવીન કરવું, નામ કાઢવું, સમાજનું હિત કરવું, પ્રતિષ્ઠિત બનવું, પ્રખ્યાત બનવું એ બધું ગોવિંદભાઈના વ્યક્તિત્વમાં મૂળથી જ પડેલું હતું. એનો નિખાર આવ્યો સરાથી મોરબી સ્થળાંતરિત થયા પછી. ભાતૃભાવનાનું ઝરણું વરમોરા પરીવારની ઓળખ પણ બની, સહનાભવંતુની જેમાં ખેવના જોવા મળે છે. જે તેના વિકાસની મુખ્ય ધરી બની. પછી સાહસ, નવીનીકરણ, દિશાસૂઝ, સમજદારી, સમયની પરખ, આવડત. લે-વેચની કોઠાસૂઝ, જોડાણ રચતા જવાના કિમિયાઓ વગેરેથી આજે ઉધોગપતિમાં તેમનું નામ પ્રથમ હરોળમાં છે. અને પછી કંઈક આપવું. સમાજને ઉપયોગી બનવું. સમાજને સંગઠીત કરવો, સંગઠનને મજબૂત કરવા મથવું વગેરેથી તેઓ સામાજીક શ્રેષ્ઠી તરીકે સુખ્યાત થયા. સંસ્કાર, સંયમ, સેવા જેવા ગુણો માતા-પિતા પાસેથી મળેલા.

ગોવિંદભાઈ ચાર ભાઈઓમાં સૌથી મોટા. ગોવિંદભાઈ કહે છે કે, “મને સમર્પિત, સમજદાર, વરમોરા પરિવારની પરંપરાને જાળવી શકે અને સનહાર્ટની શાન વધારવા તત્પર રહે એવો લાગણીનો હર્યો ભર્યો પરીવાર મળ્યો છે, પરીવારની મારા ઉપર અસીમ ઉત્કૃષ્ટ ભાવના જળવાયેલી છે. અને એમાં કાન્તાબેન અને જગદીશભાઈ, જયુબેન અને ભુદરભાઈ, અને ભાવિનાબેન તથા દેવલ અને હાર્દિક, તથા જાગૃતિ અને મનોજ, ચિં.પ્રિયા, ચિ.હિતેન, ચિ. બંસી અને આ સમગ્ર પરિવારને આશિવદિ રૂ5 માતૃશ્રી ગૌરીબા અને સૌ નાના-મોટા બાળકો સર્વે સનહાર્ટની શાન વધારવા તત્પર રહે છે. કાકાની સામે ઉછરીને તાલ મિલાવે, ઉધોગની ખેવના રાખે અને સમાજની સામે નજર કરીને જીવે એવા શ્રી મનોજભાઈ અને શ્રી હાર્દિકભાઈ અને ચિ.હિતેનભાઈ સાથે સાથે મારા બહેન અને બનેવી લલિતાબેન અને પ્રવિણભાઈ તેમજ મયંકભાઈ એવો પરિવાર મળ્યો. મને કોઈ પળે ઓછું લાગે એવો તેઓનો વ્યવહાર નથી.

ગોવિંદભાઈની કોઠા સૂઝ સારી, અનુભવ બહોળો, અભ્યાસ હાઈસ્કૂલ સુધીનો. કોલેજનું પગથિયું ચડ્યા નથી. પણ એક કોલેજ પર પોતાનું નામ અંકિત કરેલ છે. સંકુલો રચવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શક્યા છે. એસ.એસ.સી. થી એમ.બી.એ. સુધીનાને નોકરીની તક ઉભી કરી શક્યા છે. વિદેશોમાં માલ વેચી શક્યા છે. વિશ્વમાં સનહાર્ટનું નામ ગુંજતું કરી દીધું છે. ઘણીવાર વિદેશમાં પ્રવાસ ખેડ્યો છે. તેઓને માન, સન્માન, પ્રતિષ્ઠા, એવોર્ડ વગેરે પુષ્કળ મળ્યાં છે. ગુજરાતના પાટીદાર પરિવારમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે નામના ધરાવે છે. સમારોહ શોભાવી શકે, સમારોહના સૂત્રધાર બની શકે. અને સમારોહના સૂત્રધાર તથા મુખ્ય યજમાન બની શકે એવા પાણીદાર પાટીદાર છે, મોભાદાર છે, શ્રીમંત છે, સંબંધોની મોટી વણઝાર છે, વિશાળ કારોબાર છે. છતાં ધવલવસ્ત્રોમાં કાયમી રહેવાનો સંકલ્પ ન તોડે એવા મક્કમ પ્રણ છે. ભૂલો ન કરે અને ભૂલો માફ કરીને સુધારે એવા પ્રકારનું વલણ તેઓમાં છે. ગુજરાતનું દરેક ગામ, દરેક શહેર તેમના નામથી પરિચિત છે. તેનું કારણ એ પણ છે કે તેઓ ઉમિયાધામ મંદિરના લક્ષચંડી મહોત્સવના મુખ્ય દાતા હતા.

ગોવિંદભાઈનું ભણતર અધૂરું જ રહ્યું, જવાબદારીઓ આવી અને ભણવું ભૂલાઈ ગયું. ભણવામાં હોશિયાર ન હતા પણ સમજદાર, શિસ્તપાલન, વ્યવહારો, મૈત્રીભાવનાવાળા, આજ્ઞાંકિત, વિચારશીલ, પરિસ્થિતિને અનુકૂળ થઈ શકે એ પ્રકારની છાત્રાવ્યવસ્થા પૂર્ણ કરેલી. સરા ગામની પ્રાથમિક શાળામાં ભણેલા તેનું સ્મરણ કરતા કહે છે કે અમે સ્કુલમાં બાળમંડળી બનાવેલી સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સમાજને પ્રેરણા આપે તેવા નાટકો ભજવતા. એકવાર પરીક્ષામાં પાછળના વિધાર્થીને પૂછતા પકડાઈ ગયેલા અને સજારૂપે બારણા પાસે એક કલાક ઉભા રહેવાની સજા ભોગવેલી એ બાબત એમના માટે જીંદગીનો યુ-ટર્ન છે… ફરજના ભાગરૂપે… ગુલાબસિંહ નામના એક મિત્રને ફી માં મદદ કરીને ભણતરની દિશા ખોલી આપી હતી. સ્કૂલમાંથી વિદાય લીધી ત્યારે માં શારદાની છબી ભેટમાં આપી હતી. એ છબી આજે પણ સરા પ્રાથમિક શાળામાં હયાત છે. સ્કૂલમાં જવાનું થાય ત્યારે એકવાર એ તરફ નજર કરવાનું ચૂકતા નથી. એ સ્કૂલ મા શૈક્ષણિક સાધનો આપીને સમૃદ્ધ કરવા માટે તેઓએ પ્રયત્નો કર્યા છે. હું તો સદણ મુક્ત થવા પ્રયત્નો કરૂ છું, એવું તેઓ કહે છે. સ્વકેન્દ્રી જીવના માણસને સમૃદ્ધ કરી શકે જ્યારે સમાજ કેન્દ્રી જીવન માણસને સમાજમાં બેસતો કરે સમાજને દિશા આપે, સમાજને સમૃદ્ધ કરે, સમાજને બાંધે, સાંધે એ ગૌરવભર્યું સ્થાન અપાવે.

તેઓને સ્વામીનારાયણ પંથના સંસ્કાર મળેલા અને અન્ય પંચપરંપરાના સંતો સાથે ઘરોબો એટલે અધ્યાત્મ, ધર્મ, સત્સંગ અને માનવ પ્રત્યેનો અભિગમ નિરાળો રહ્યો છે. ખાસ જૈનધર્મ સાથેનું જોડાણ થતા જૈન સાધુઓ પાસેથી અહિંસા, માનવતા, દયા, સેવા જેવા ગુણોનું વિશેષ દ્રઢીકરણ થયેલું. વૈષ્ણવ સંપ્રદાય સાથે પણ અતૂટ નાતો હોવાથી તેમનામાં જીવ-જગત માયા વિશેનો ખ્યાલ સ્પષ્ટ બનેલો. તેઓ કહે છે કે ધન ઉલેચાય તો વિરડા જેવું બની જાય છે.

નિર્મળ બની જાય છે. સ્વાર્થ મૂકીને પરમાર્થ, સ્વયં મૂકીને સમાજ, અહમ મૂકીને સર્વે સુખીના ભવન્ત તરફ વળી એ તો માણસ હોવાનો અહેસાસ થાય છે. પારિવારિક સહભાવ હોય તો પરિવાર-જ્ઞાતિમાં તંદુરસ્તા વાતાવરણ જળવાય છે. કોઈપણ પ્રકારના સંઘર્ષનું સમાધાન હોય જ છે.

ગોવિંદભાઈએ 1983 થી ઉધોગક્ષેત્રે ઝંપલાવ્યુ શરૂઆતમાં નળિયા ઉધોગ તરફ વળ્યા. સમય બદલાતા ઉધોગમાં બદલાવ લાવતા રહ્યા. બે વર્ષમાં બાજુની બે ફેક્ટરી ખરીદી લીધી. એવી આવડત મેળવી લીધી હતી. કારોબાર વિસ્તરવા લાગ્યો. 1996 થી સિરામિક તરફ વળ્યા. વરમોરા અટક છે પણ એને બ્રાન્ડ બનાવી દીધી. સમય જતા કારોબાર વધારે વિસ્તર્યા એટલે વિભાગીકરણ કર્યું સનહાર્ટ વિશ્વના તખ્તા પર રોશન થતા ધનગંગા છલકવા લાગી. આજે દર ત્રણ વર્ષે એક ફેક્ટરીના હિસાબે 16 ફેક્ટરીને બનાવવાના યશભાગી થયા છે. તાજેતરમાં જ ભારતમાંથી સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં વધુમાં વધુ નં.1 એક્સપોર્ટર તરીકે ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એવોર્ડ એનાયત થયેલ છે.

ગોવિંદભાઈ સમાજસેવક તરીકે વધારે જાણીતા છે. પોતે વ્યવસાયિક પદ ધરાવતા નથી. યુવાન પેઢીને કારોબાર સોંપતા જઈએ તો હળવાફૂલ રહીએ અને તંદુરસ્ત ચિંતન કરી શકાય. સમાજને ઉપયોગી થઈ શકાય. સમાજ સેવા કરવા માટે સંસ્થાઓ સાથે ઘરોબો ધરાવે છે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્લેટીનમ ટ્રસ્ટીશ્રી, સરદારધામ (અમદાવાદ)ના ટ્રસ્ટીશ્રી, ઉમિયા સંસ્થાન (ઊંઝા)ના કારોબારીશ્રી, ઉમિયા માતાજી સંસ્થાન (સિદસર)ના ટ્રસ્ટીશ્રી, પાટીદાર ચેરીટેબલ ટ્રસ્ટ (સુરેન્દ્રનગર)ના ટ્રસ્ટીશ્રી, ઉમા સંકુલ (ધ્રાંગધ્રા)ના ટ્રસ્ટીશ્રી તરીકે કાર્યરત છે. સિદસરથી નીકળેલ ઉમિયા રથના પાર્થક બનીને 600 ગામનો પ્રવાસ કરેલો. ધ્રાંગધ્રા, બોટાદ, મોરબી, ગોંડલ, ભાવનગર, પોરબંદર, જામનગર, અમરેલી, હળવદ, મૂળી વગેરે તાલુકાનો ગામડે ફરીને સમાજની એકતા માટે સતત પુરૂષાર્થ કરેલો. સમાજના પાયામાં એકતા હોય તો અનેક સમસ્યાઓનું સમાધાન હાથવગુ રહે છે, એવું તેઓ સ્પષ્ટ માને છે.

તાજેતરમાં સનહાર્ટ પરિવાર વૈશ્વિક પાટીદાર સમાજમાં જાણીતો થયો છે. તેમજ ભાઈશ્રી જગદીશભાઈ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સિલ્વર ટ્રસ્ટીશ્રી, ઉમિયા માતાજી મંદિર, સિદસરના દાતા ટ્રસ્ટીશ્રી અને શ્રી ભુદરભાઈ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સિલ્વર ટ્રસ્ટીશ્રી બનીને યશભાગી થયા છે. ઠેર ઠેર માન સન્માન પણ મળ્યા ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા મુકામે આયોજીત લક્ષચંડી મહાયજ્ઞમાં તેઓના પરિવારે સનહાર્ટ ગૃપ દ્વારા ચાર કરોડ, પચ્ચીસ લાખ પંચાવન હજાર અને પાંચસો એકનું અનુદાન જાહેર કરીને મુખ્ય યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરેલું. તેઓએ કહેલું કે એ દિવસો મારા જીવનના શ્રેષ્ઠ દિવસો હતા. પરિવારની સર્વ સંમત્તિ થી નિર્ણય થયો. પરિવારના સદસ્યો દ્વારા યજ્ઞમાં આહુતિ આપવાનો અવસર મળ્યો સનહાર્ટ પરિવારનો નવી ઓળખ મળી. મારા લઘુબંધુ શ્રી ભૂદરભાઈ વરમોરા અને શ્રી જગદીશભાઈ વરમોરા, મારા દિકરા શ્રી મનોજભાઈ વરમોરા પરિવારે ઉભી કરેલી પરંપરા જાળવવા કટિબદ્ધ થયા. એજ મારા માટે મોટી મૂડી છે. સંબંધો વિકસ્યા સમાજમાં સનહાર્ટનો નવો ચહેરો બહાર આવ્યો. પ્રતિષ્ઠા મળી અને અમે ગૌણ જ માનીએ છીએ.

સમાજની સ્વીકૃતિ મળી, માં ઉમિયાના અવસર ટાણે ઉપયોગી થવાયું એ પ્રભુની કૃપા છે કે પૂર્વભવથી કમાઈ હશે કે અમે અહિં સુધી પહોંચી શક્યા છીએ.

પાટીદાર સમાજના મોભી, પાટીદાર સમાજના સન્માનીય શ્રેષ્ઠી, પારિવારિક ભાવનાથી સભર, ઉધોગધંધામાં નામ રોશન કરનાર, સમારોહના માનવંતા મહેમાન અનુગામી પેઢીને આદર્શના પાઠ શીખવનાર, સરા ગામના ખંતીલા ખેડૂતપૂત્ર, સમાજ સેવાના મંત્રો લઈને સંસ્થાઓમાં કાર્યરત થનાર શ્રી ગોવિંદભાઈ મળવા જેવા માણસ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.