Abtak Media Google News

રાજકોટ આરટીઓની દાખલારૂપ કાર્યવાહી

15 દિવસમાં ટેક્સ જમા કરાવી દેવા 170 વાહન માલિકને નોટિસ

વાહનના ટેક્સની ભરપાઈ નહીં કરનારા શખ્સો વિરુદ્ધ રાજકોટ આરટીઓએ કાર્યવાહી આરંભી છે. આરટીઓ તંત્રે આવા 170 વાહન માલિકોની ઓળખ કરી નોટીસ ફટકારી છે. વાહન માલિકોને 15 દિવસમાં ટેક્સ પેટેની રકમની ભરપાઈ કરી દેવા આદેશ આપવામાં આવ્યો છે અન્યથા ટેક્સ પેટેની રકમ બદલ તેમની મિલ્કત પર બોજો નાખવામાં આવશે જેથી તેઓ મિલ્કત પર લોન મેળવી શકશે નહીં અને સાથોસાથ વેચાણ પર કરી શકશે નહીં.

રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીને વર્ષોથી વાહનનો ટેક્સ જમા કરાવ્યો નથી તેવા વાહન માલિકો પાસેથી ટેક્સની રકમ વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 16 કરોડ રૂપિયાની વસૂલાત માટે આરટીઓએ 170 વાહન માલિકને નોટિસ આપી છે. જો 15 દિવસમાં વાહન માલિકો ટેક્સની રકમ જમા નહીં કરાવે તો તેમની મિલકત પર બોજો નાખવામાં આવશે. બોજો નાખ્યા બાદ વાહન માલિકો તેમની મિલકત અન્ય કોઇને વેચાણ કે તેના પર લોન મેળવી શકશે નહીં.

રાજકોટ આરટીઓએ જે વાહનચાલકોએ વર્ષોથી સરકારના ટેક્સની ભરપાઈ કરેલ ન હોય તેવા વાહન માલિકોને તેઓની સંપત્તિ ઉપર બોજો નાખવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જે વાહન માલિકોએ રાજ્ય સરકારના ટેક્સની રકમ ભરપાઇ કરી નથી તેવા વાહન માલિકો સામે કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટ આરટીઓ કે.એમ. ખપેડે જણાવ્યું હતું કે, આજ દિન સુધી કુલ 170 જેટલા વાહનના માલિકે ટેક્સની રકમ ભરપાઇ કરી નથી. તેથી આ તમામ વાહન માલિકોની મિલકત બોજા માટે નોંધ કરવાની પ્રાથમિક શરૂઆત કરી દેવામાં આવી છે. અંદાજે રૂ.16,08,96,571 જેટલી રકમ સરકારમાં 15 દિવસમાં ભરપાઈ કરી દેવા નોટિસ આપવામાં આવી છે. જો 15 દિવસમાં ટેક્સની રકમ ભરપાઇ નહીં કરે તો મિલકતો ઉપર બોજો નાખવામાં આવશે.

આરટીઓમાં મોટા ભાગે કોમર્સિયલ વાહનો ટ્રક, બસ, ડમ્પર સહિતના વાહનોનો ટેક્સ પ્રતિ વર્ષ જમા કરવાનો હોય છે, પરંતુ અમુક વાહન માલિકો નિયમિત વાહનનો ટેક્સ જમા કરાવતા નથી. ટેક્સની વસૂલાત માટે રાજકોટ આરટીઓએ કડક કાર્યવાહી શરૂ કરી છે અને પ્રથમ વખત વાહન માલિકો પાસે વાહનના ટેક્સની રકમ જમા નહીં કરાવનારની મિલકત પર બોજો નાખવાનું નક્કી કરાયું છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.