દેશમાં એક જ દિવસમાં 2.67 લાખ નવા કેસોનો ઉમેરો: રાજ્યમાં 10%નો ઘટાડો

ડરો મત સાવચેતી જરૂરી

ત્રીજી લહેર દરમિયાન દેશમાં પ્રથમ વાર એક્ટિવ કેસ 14 લાખને પાર

 

અબતક, નવી દિલ્લી

દેશમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 67 હજાર 331 કોરોનાના નવા કેસ મળ્યા હતા, જ્યારે 1 લાખ 22 હજાર 311 લોકો સાજા થયા છે તેમજ 398 લોકોનાં મોત થયાં છે. આ રીતે એક્ટિવ કેસની સંખ્યા એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 1 લાખ 44 હજાર 662 નો વધારો નોંધાયો હતો. હાલમાં દેશમાં 14.10 લાખ એક્ટિવ કેસ છે. ત્રીજી લહેરમાં પ્રથમ વખત એક્ટિવ કેસ 14 લાખને પાર થઈ ગયા છે. ઉત્તરાયણને પગલે રાજ્યમાં ટેસ્ટિંગ કરાવનારા લોકોની સંખ્યા ઘટી હોય, જેને કારણે 14 જાન્યુઆરીએ 10019 કેસ નોંધાયા હતા જે 13મી જાન્યુઆરીની સરખામણીમાં 10%નો ઘટાડો સૂચવે છે પરંતુ હવે કેસોમાં મોટો ઉછાળો આવી શકે છે. માત્ર એટલું જ નહીં, જો હવે 14,300 થી વધુ કેસ નોંધાશે તો બીજી લહેરની પીક પણ તૂટી જશે.

નવા સંક્રમિતોમાં માત્ર 3 હજારનો વધારો જોવા મળ્યો છે. આ પહેલાં ગુરુવારે 2.64 લાખ લોકો સંક્રમિત મળ્યા હતા. દેશમાં અત્યારસુધીમાં કુલ 3.68 કરોડ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, જેમાંથી 3.49 કરોડ લોકો સ્વસ્થ થઈ ગયા છે. અત્યારસુધીમાં 4 લાખ 85 હજાર 748 લોકોનાં મોત થયાં છે. કુલ એક્ટિવ કેસ 31મી ડિસેમ્બરે 1 લાખ અને 8મી જાન્યુઆરીએ 5 લાખ થયા હતા. આ રીતે માત્ર 15 દિવસમાં કુલ એક્ટિવ કેસ વધીને 14 ગણા થઈ ગયા છે. કોરોનાની ત્રીજી લહેર ટૂંક સમયમાં જ પીક પર પહોંચશે

દેશમાં કોરોના સંક્રમણની ગતિએ કેન્દ્ર અને રાજ્ય સરકારોની મુશ્કેલીઓ વધારી છે. આ ઝડપ જોઈને નિષ્ણાતો સંકેત આપી રહ્યા છે કે ત્રીજી લહેર ધીમે ધીમે નહીં, પરંતુ ઝડપથી એની પીક પર પહોંચી રહી છે.છેલ્લા 3 દિવસની સ્થિતિ પર નજર કરીએ તો 12 જાન્યુઆરીએ કોરોનાના 2 લાખ 47 હજાર 717 દર્દી આવ્યા હતા. 11 જાન્યુઆરીના રોજ 1 લાખ 94 હજાર 720 દર્દી મળી આવ્યા હતા, એટલે કે દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી પીક તરફ આગળ વધી રહી છે. નિષ્ણાતોએ કોરોનાની પીક વિશે જણાવ્યું હતું કે આ મહિનાના અંત સુધીમાં કોરોનાની ત્રીજી લહેર એની પીક પર પહોંચી જશે, જ્યારે દરરોજ 4-8 લાખ કેસ મળી આવશે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 43,211 નવા કેસ સામે આવ્યા છે. જોકે ગુરુવારની સરખામણીમાં આ 3195 ઓછા છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં 19 લોકોનાં મોત થયાં છે તેમજ, ઓમિક્રોનના 238 નવા કેસ મળી આવ્યા છે.

ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ સહિતના રાજ્યોમાં પોઝિટિવિટી રેટ ઘટ્યો: મહાનગરોમાં ઉછાળો !!

એક તરફ દેશમાં કોરોના સંક્રમીતોની સંખ્યા ખૂબ ઝડપે વધી રહી છે ત્યારે વધતા પોઝિટીવ રેટ વચ્ચે દેશના અમુક રાજ્યોમાં પોઝિટિવીટીટી રેટમાં ઘટાડો નોંધાયો છે. જેમાં ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10%નો ઘટાડો નોંધાયો છે જ્યારે બંગાળમાં 3%નો ઘટાડો જોવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 43,211 કેસો નોંધાયા છે જેમાં સરેરાશ પોઝિટિવિટી રેટમાં 7%નો ઘટાડો નોંધાયો છે. બીજી બાજુ દેશના મહાનગરોમાં ઉછાળો નોંધાયો છે. દિલ્લીમાં પોઝિટિવિટી રેટમાં 30.64%નો બમ્પર ઉછાળો નોંધાયો છે જ્યારે બેંગ્લોરમાં 9.5%નો વધારો નોંધાયો છે. ઉપરાંત મુંબઇ સહિતના મહાનગરોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે.

નિયમ તો બધા માટે સરખો જ !!

વિશ્ર્વનો નંબર-1 ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચને કોરોના નિયમ ભંગ બદલ વિઝા કેન્સલ કરી ડિટેઇન કરાયો !!

વિશ્વનો સ્ટાર ટેનિસ ખેલાડી હાલ વિવાદોમાં ફસાયો છે. સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચની ઓસ્ટ્રેલિયામાં બીજી વખત અટકાયત કરવામાં આવી છે, જેની જોકોવિચના વકીલે આ જાણકારી આપી છે. ઓસ્ટ્રેલિયાની કોર્ટમાં સુનાવણી પહેલા જોકોવિચને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. હવે કોર્ટનો આદેશ નક્કી કરશે કે જોકોવિચ ઓસ્ટ્રેલિયામાં કોરોના રસીકરણ વિના રહી શકશે કે નહીં. અગાઉ ઓસ્ટ્રેલિયન સરકારે તેને રસીકરણના અભાવને કારણે લોકો માટે જોખમ હોવાનું દર્શાવીને બીજી વખત તેના વિઝા રદ કર્યા હતા. જ્યારે, જોકોવિચના વકીલે સરકારના આ નિર્ણયને ’તર્કહીન’ ગણાવીને તેની સામે કોર્ટમાં અપીલ કરી છે. જોકે, જોકોવિચ સોમવારે ઓસ્ટ્રેલિયા ઓપનમાં હાજરી આપવાનો છે. જો જોકોવિચ 10મી વખત આ ટુર્નામેન્ટ જીતશે તો તે આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ટેનિસ ખેલાડી બની જશે. પરંતુ રવિવારે કોર્ટમાં તેની અપીલ પરની સુનાવણી ખૂબ જ મહત્વપૂર્ણ છે, તે સાબિત કરશે કે તે ઓસ્ટ્રેલિયામાં રહી શકશે કે નહીં. પરંતુ જો તેઓ કોર્ટમાં હારી જશે તો ટેનિસ નંબર વન જોકોવિચનો વિઝા રદ થઈ શકે છે અને તેને ત્રણ વર્ષ માટે દેશની બહાર કરવામાં આવી શકે છે.