Abtak Media Google News

દુધના દાઝ્યા છાસ ફૂંકે…

ભારતમાં ત્રીજી લહેર દરમિયાન દરરોજ બે લાખ નવા કેસ નોંધાય તેવુ તારણ

આઈઆઈટી કાનપુરના સંશોધકોની આગાહી અનુસાર કોરોનાની ત્રીજી લહેર ફેબ્રુઆરીમાં શરુ થઈ શકે છે અને શક્ય છે કે નવો ઓમિક્રોન વેરિયન્ટ આ લહેર માટેનું કારણ બને. ઓનલાઈન પ્રી-પ્રિન્ટ સર્વ મેડરિક્સવીમાં પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો કોરોનાની ત્રીજી લહેર વિષ અનુમાન લગાવવામા આવે તો દુનિયાભરમા અત્યારે જે બની રહ્યું છે તેને જોતાં આ રિપોર્ટમાં ધારણા કરવામાં આવે છે કે, ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ડિસેમ્બરમાં શરુ થઈ શકે છે અને ફેબ્રુઆરીની શરુઆતમાં તે ચરમસીમાએ પહોંચશે.

ભારતમા કોરોનાની ત્રીજી લહેરની આગાહી કરવા માટે સંશોધકોની ટીમે ગૌસિયન મિટ્યુર મોડેલ તરીકે ઓળખતા એક ટૂલનો ઉપયોગ કર્યો હતો. આ રિસર્ચ રિપોર્ટ તૈયાર કરવા માટે ભારતમાં આવેલી કોરોનાની પહેલી અને બીજી લહેરના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય દુનિયાના વિવિધ દેશોમાં ઓમિક્રોન વાયરસને કારણે વધતી કેસની સખ્યાને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી.

સંશોધકોએ જણાવ્યુ કે, અભ્યાસ અનુસાર કોરોનાના કેસ ૭૩૫ દિવસ પછી ચરમસીમાએ પહોંચે છે. અમે ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ પ્રાથમિક અવલોકન કર્યુ હતું. જ્યારે ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. તેના ૭૩૫ દિવસ પછી કોરોનાની પ્રથમ લહેર આવી હતી. આ આંકડા અનુસાર જોવા જઈએ તો ૧૫મી ડિસેમ્બર ૨૦૨૧ની આસપાસ કેસ વધવાની શરુઆત થઈ ગઈ હતી, અને ત્રીજી લહેર ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં આવી શકે છે.

આઈઆઈટીકાનપુરના ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સ એન્ડ સ્ટેટેસ્ટિક્સની આ ટીમમાં સબારા પ્રસાદ રાજેશભાઈ, સુભ્ર શંકર ધાર અને શલભ જોડાયા હતા. સશોધકોનુ કહેવું છે કે, કોરોનાની પહેલી અને બીજી લહેર પછી પ્રશ્ન થઈ રહ્યો હતો કે શુ ત્રીજી લહેર આવશે અને ક્યારે. તો આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે અમારી ટીમે આંકડાશાસ્ત્રની પદ્ધતિનો ઉપયોગ કરીને ડેટાના આધારે રિપોર્ટ તૈયાર કર્યો છે.

ઓમિક્રોનના કારણે દેશમાં કોરોનાની ત્રીજી લહેર નિશ્ચિત, રોજના બે લાખ સુધી કેસ સામે આવશે : નેશનલ કોવિડ સુપર મોડલ કમિટી

ભારતમાં અત્યાર સુધી ઓમિક્રોનના ૨૩૬ કેસ સામે આવ્યા છે અને આ સંખ્યા રોજ વધી રહી છે.કેન્દ્ર સરકાર પણ રાજય સરકારોને ચેતવણી આપી ચુકી છે કે, ડેલ્ટા વેરિએન્ટ કરતા ઓમિક્રોન વેરિએન્ટની સંક્રમણ ફેલાવવાની ક્ષમતા ત્રણ ગણી છે.નેશનલ કોવિડ સુપર મોડલ કમિટિના સભ્ય વિદ્યાસાગરે કહ્યુ હતુ કે, ભારતમાં આગામી વર્ષની શરૂઆતમાં ત્રીજી લહેર આવે તેવી શકયતા છે.

જોકે લોકોમાં મોટા પાયે ઈમ્યુનિટી વિકસી હોવાથી બીજી લહેરની તુલનામાં આ લહેર હળવી હશે પણ ત્રીજી લહેર આવશે તે નિશ્ચિત છે.તેમણે કહ્યુ હતુ કે, દેશમાં ૮૫ ટકા લોકોને વેકસીનનો પહેલો ડોઝ અને ૫૫ ટકા લોકોને બંને ડોઝ મળી ચુકયા છે. વેકસીનની બચવા કરવાની ક્ષમતા ૯૫ ટકા છે. આ સંજોગોમાં ત્રીજી લહેરમાં એટલા કેસ સામે નહીં આવે જેટલા બીજી લહેરમાં આવ્યા હતા.આઈઆઈટી પ્રોફેસર વિદ્યાસાગરનુ કહેવુ છે કે, કેટલા કેસ આવશે તે બે બાબત પર નિર્ભર છે.

પહેલુ કે ડેલ્ટાથી સંક્રમિત થયેલા લોકોમાં વિકસેલી ઈમ્યુનિટી કેટલી હદે ઓમિક્રોનનો સામનો કરી શકે છે અને બીજુ કે વેકસીનથી જે ઈમ્યુનિટિ લોકોમાં વિકસી છે તે કેટલી હદે ઓમિક્રોનને બેઅસર કરી શકે છે. આ બંને બાબતો અંગે પૂરતી જાણકારી ઉપલબ્ધ નથી. આમ છતા જો દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવે તો સૌથી ખરાબ સ્થિતિમાં પણ દેશમાં રોજ બે લાખથી વધારે કેસ નહીં સામે આવે જોકે આ અનુમાન છે અને ભવિષ્યવાણી નથી.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ વધતા નિયંત્રણો અમલી: નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ

મહારાષ્ટ્રમાં ઓમિક્રોન કેસની સંખ્યા ૧૦૦ને વટાવી ગઈ છે. આ પછી ઉદ્વવ સરકારે પ્રતિબંધની જાહેરાત કરી છે. આ અંતર્ગત રાત્રે ૯ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ પ્રાથમિક એકશન  સરકારે  લીધું છે, ટૂંકમાં નવી ગાઇડલાઇન પણ અમલી બનાવવામાં આવી છે. રાત્રિ કર્ફ્યુ દરમિયાન ૫ થી વધુ લોકો ક્યાંય પણ એકઠા થઈ શકશે નહીં. આવશ્યક સેવાઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

મહારાષ્ટ્ર સરકારે લગ્ન સમારોહ અને ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપવાની મર્યાદા પણ નક્કી કરી છે. મહારાષ્ટ્રના મંત્રી અનિલ પરબે જણાવ્યું હતું કે બંધ સ્થળોએ આવા કાર્યક્રમોમાં ૧૦૦ થી વધુ લોકો ભાગ લઈ શકશે નહીં, જ્યારે વધુમાં વધુ ૨૫૦ લોકો ખુલ્લા સ્થળોએ કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે. હોટેલ્સ, સ્પા, થિયેટર ક્ષમતાના ૫૦ ટકા ગ્રાહકો સાથે ચાલી શકે છે.

મહત્વપૂર્ણ બાબત છે કે, માયાનગરીમાં ૩૧મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી ખૂબ મોટા પાયે જાહેરમાં કરવામાં આવે છે પરંતુ ઓમીક્રોન કેસમાં ઓચિંતાના ઉછાળો આવતા નવા વર્ષ અને ૩૧મી ડિસેમ્બરની જાહેરમાં ઉજવણી પર મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રતિબંધ મૂકી દીધો છે.

વધતા સંક્રમણ વચ્ચે પણ ૫ રાજ્યોની ચૂંટણી યોજાશે ?

અલાહાબાદ હાઈકોર્ટે ભારતના ચૂંટણી પંચને યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણીને બે મહિના માટે મુલતવી રાખવાની વિનંતી કર્યાના એક દિવસ પછી  કોરોના વાયરસની ત્રીજી લહેરના ભયને ટાંકીને બંધારણના નિષ્ણાત અને ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય. કુરૈશીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ રાજકીય રેલીઓ પર પ્રતિબંધ લગાવી શકે છે, મુલતવી રાખવાની શક્યતા ઘણી ઓછી છે.

તેમણે કહ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા બંધારણીય આદેશ છે જે વર્તમાન ગૃહની મુદત પૂરી થાય તે પહેલાં જ નવી બોડીને ચૂંટી સતા સોંપવાની હોય છે. તેમણે કહ્યું હતું કે, કટોકટી દરમિયાન વિધાનસભાની મુદત લંબાવી શકાય છે અને કટોકટી માત્ર બે કારણોસર જાહેર કરી શકાય છે. જેમાં પ્રથમ, યુદ્ધ અને બીજું વિશાળ આંતરિક ખલેલ (કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ).

ચૂંટણી મુલતવી રાખવાનું કારણ રોગચાળો ન હોઈ શકે તેવું કુરેશીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, વાઈરસના ફેલાવાને ટાળવા માટે ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ મૂકી શકાય છે અને પ્રિન્ટ, ટીવી અને સોશિયલ મીડિયા દ્વારા ઝુંબેશ કરી શકાય છે.  કોવિડ પ્રોટોકોલને અનુસરીને નાના જૂથોમાં ડોર ટુ ડોર અને સાયકલ અભિયાન પણ કરી શકાય છે.

સામાન્ય શરદી-ઉધરસ કરતા ઓમીક્રોન ક્યાં અલગ પડે છે ?

કોરોનાની બીજી લહેર દરમિયાન શરદી-ખાંસી અને તાવ તેના સૌથી સામાન્ય લક્ષણો પૈકી એક હતું.  ઠંડીની મોસમમાં પણ મોટાભાગના લોકોને આ સમસ્યા થાય છે.  ઓમિક્રોનના વધતા જતા કેસોમાં તેના લક્ષણોને ઓળખવું પણ મહત્વપૂર્ણ છે.

આરોગ્ય નિષ્ણાતોના મતે ઓમિક્રોનના બે લક્ષણો સામાન્ય શરદીથી સંપૂર્ણપણે અલગ છે. તેમને ઓળખીને આ નવા પ્રકારનો ચેપ સમયસર ટાળી શકાય છે. ઓમિક્રોનની અસામાન્ય લાક્ષણિકતાઓ ઓમિક્રોનના વર્તનને સમજવા માટે અત્યાર સુધી ઘણા અભ્યાસો કરવામાં આવ્યા છે.  નિષ્ણાતોના મતે તેના લક્ષણો કોરોનાના વાસ્તવિક તાણથી અલગ છે.

નિષ્ણાતો કહે છે કે, અલગ-અલગ વેરિઅન્ટમાં અલગ-અલગ લક્ષણો હોવા સામાન્ય બાબત છે. ઓમિક્રોન સાથે પણ એવું જ છે.  ઓમિક્રોનના લક્ષણો શરદી જેવા જ છે પરંતુ તે ધીમે ધીમે બે અસામાન્ય લક્ષણોથી શરૂ થાય છે જેમાં માથાનો દુખાવો અને થાકનો સમાવેશ થાય છે. સામાન્ય શરદીમાં માથાનો દુખાવો થતો હોય છે પરંતુ જો તેની સાથે વધુ પડતો થાક લાગે તો તરત જ ટેસ્ટ કરાવી લેવાય તેવું નિષ્ણાંતોનો મત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.