આફ્રિકાએ હાઈએસ્ટ રન-ચેઝ કરી વેસ્ટ ઇન્ડિઝને મ્હાત આપી !!!

બંને ઇનિંગમાં 35 છગ્ગા અને 46 ચોગ્ગા લાગ્યા : મેચમાં કુલ  517 રન નોંધાયા હતા જે ટી-20 ક્રિકેટમાં એક નવો રેકોર્ડ

સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સેન્ચ્યુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક ખાતે રમાયેલી ટી20 ક્રિકેટ મેચમાં રેકોર્ડ્સ અને રનનો વરસાદ થયો હતો. આ મેચમાં યજમાન સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝે જ્હોનસન ચાર્લ્સની સદી તથા કાયલે માયર્સની અડધી સદીની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે 258 રનનો સ્કોર ખડક્યો હતો. ચાર્લ્સે 46 બોલમાં 10 ચોગ્ગા અને 11 સિક્સર સાથે 118 રન ફટકાર્યા હતા.

જ્યારે માયર્સે 27 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી 51 રન નોંધાવ્યા હતા. રોમારિયો શેફર્ડે પણ 18 બોલમાં અણનમ 41 રન ફટકાર્યા હતા જેમાં ચાર સિક્સર અને એક ચોગ્ગો સામેલ હતો.જેના જવાબમાં સાઉથ આફ્રિકન બેટર્સ ક્વિન્ટન ડીકોક અને રીઝા હેન્ડરિક્સની ઓપનિંગ જોડીએ તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી. આ જોડીએ 10.5 ઓવરમાં જ 152 રનની ભાગીદારી નોંધાવીને મેચને સાઉથ આફ્રિકાના પક્ષમાં કરી દીધી હતી. સાઉથ આફ્રિકાએ 18.5 ઓવરમાં જ ચાર વિકેટે 259 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. ક્વિન્ટન ડીકોકે 44 બોલમાં 100 રન ફટકાર્યા હતા જેમાં નવ ચોગ્ગા અને આઠ સિક્સર સામેલ હતી. જ્યારે હેન્ડરિક્સે 11 ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 68 રનની ઈનિંગ્સ રમી હતી.

કેપ્ટન એઈડન માર્કરામે 21 બોલમાં 38 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જેમાં ચાર ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી.આંતરરાષ્ટ્રીય ટી20માં ચેઝ કરવામાં આવેલો સૌથી મોટો લક્ષ્યાંક છે. અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો. ઓસ્ટ્રેલિયાએ 2018માં ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડ સામે 245 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. જ્યારે વેસ્ટ ઈન્ડિઝે 2015માં જોહાનિસબર્ગમાં સાઉથ આફ્રિકા સામે 236 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચમાં કુલ 517 રન નોંધાયા હતા જે મેન્સ ટી20માં એક મેચમાં નોંધાયેલા સૌથી વધુ રન છે.