Abtak Media Google News

દિલ્હીને 7 વિકેટે આપી મ્હાત, મુંબઇની હેલી મેથ્યુઝ બની મેન ઓફ ધ સિરીઝ

વુમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન બન્યું છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપમાં શાનદાર પ્રદર્શન કરતા મુંબઈ ઇન્ડિયન્સે ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. દિલ્હીએ 20 ઓવરમાં 9 વિકેટે 131 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 19.3 ઓવરમાં 3 વિકેટે લક્ષ્યાંક મેળવી લીધો હતો.

આઈપીએલમાં મેન્સમાં મુંબઈ ઇન્ડિયન્સે સૌથી વધારે 5 ટાઇટલ જીત્યા છે. જ્યારે હવે મુંબઈએ વુમેન્સ પ્રીમિયર લીગનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. મુંબઈની મહારાણીઓ વુમન્સ પ્રીમિયર લીગ ની પ્રથમ સિઝનની સરતાજ પણ બની ગઈ છે. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલ મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી. યાસ્તિકા ભાટિયા 4 અને હેલી મેથ્યુઝ 13 રને આઉટ થતા મુંબઈએ 23 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર 37અને બ્રન્ટે 60 રન જોડી 77 રનની ભાગીદારી નોંધાવી હતી અને ટીમને જીત તરફ લઇ ગઈ હતી.

સ્કીવર બ્રન્ટે 55 બોલમાં 7 ચોકાની મદદથી અણનમ 60 રન બનાવ્યા હતા. અમિલા કેર 14 રને અણનમ રહી હતી.

અગાઉ દિલ્હી કેપિટલ્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે, મુંબઈ ઈન્ડિયન્સની શાનદાર બોલિંગ સામે દિલ્હીની ટીમ મોટો સ્કોર નોંધાવી શકી ન હતી. એક સમયે ટીમે 79 રનના સ્કોર પર પોતાની નવ વિકેટ ગુમાવી દીધી હતી.

જોકે, શિખા પાંડે અને રાધા યાદવની જોડીએ અંતિમ વિકેટ માટે મહત્વની 52 રનની અત્યંત ઉપયોગી ભાગીદારી નોંધાવી હતી. જેની મદદથી દિલ્હીએ 20 ઓવરમાં 9 વિકેટે 131 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ટીમની શરૂઆત નિરાશાજનક રહી હતી. કેપ્ટન મેગ લેનિંગ અને શેફાલી વર્માની ઓપનિંગ જોડી અપેક્ષા પ્રમાણેની શરૂઆત અપાવી શકી ન હતી. શીખા પાંડેએ 17 બોલમાં અણનમ 27 અને રાધા યાદવે 12 બોલમાં અણનમ 27 રન બનાવ્યા હતા. મુંબઈની ઘાતક બોલીંગના પગલે એક સમય સ્થિતિ એવી પણ ઉદભવિત થઈ હતી કે દિલ્હી 100 રનની અંદર જ સમય થઈ જશે પરંતુ તેમની છેલ્લી જોડી રાધા યાદવ અને શિખા પાંડે તોફાની રમતા મેચ ને રોમાંચક બનાવી દીધો હતો અને ફાઈટિંગ ટોટલ પણ પ્રસ્થાપિત કર્યો હતો. દિલ્હીના 6 પ્લેયર ડબલ સ્કોર સુધી પહોંચી શક્યા નથી. મુંબઈ તરફથી વાંગ અને મેથ્યુઝે 3-3 વિકેટ ઝડપી હતી. એમિલા કેરે 2 વિકેટ ઝડપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.