Abtak Media Google News

પ્રથમ ત્રણ દિવસ પિચ બેટ્સમેનો માટે સાનુકૂળ રહે તેવા એંધાણ: બોલર્સની કસોટી

સેન્ચુરિયન માં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમત સમાપ્ત થઇ હતી. પ્રથમ દિવસ ભારતીય ટીમના નામે રહ્યો હતો. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે જબરદસ્ત શરુઆત કરાવી હતી.

સેન્ચુરીની પિચ પર હાલ કોઈ ખાસ સ્પિન કે ટર્ન જોવા મળતો નથી. હાલ પિચ બેટ્સમેનો માટે સાનુકૂળ છે અને આ પરિસ્થિતિ ત્રણ દિવસ સુધી રહેશે તેવું અનુમાન છે જેથી ત્રીજા દિવસ સુધી બેટ્સમેનો ધાર્યો સ્કોર ખડકી શકે તેવી પરિસ્થિતિ છે. ત્રીજા દિવસ સુધી ચોક્કસ બોલર્સની કસોટી થનારી છે. તેવા સમયે જ્યારે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે ભારતીય ટીમ ૪૫૦+ રન કરે તો જ આફ્રિકાની ટીમ મૂંઝવણમાં મુકાશે જેનો સીધો લાભ ભારતીય ટીમને મળશે.

ભારતીય ટીમના ઓપનરો શરુઆત થી જ બોલરો પર હાવી રહ્યા હતા. જેને લઇને કેએલ રાહુલ પોતાનુ શાનદાર શતક નોંધાવવામાં સફળ રહ્યો હતો. રાહુલ અને અગ્રવાલે ૧૧૭ રનની ભાગીદારી રમત દર્શાવી હતી. અગ્રવાલે (૬૦)અર્ધશતક જમાવ્યુ હતુ. બીજા સેશનમાં ભારતે બે બોલમાં સતત બે વિકેટ ગુમાવી દીધી હતી. લુંગી એનગિડીએ મયંક અગ્રવાલને આઉટ કરીને ભારતની સદીની શરૂઆતની ભાગીદારી તોડી હતી.જોકે ત્યાર બાદ પિચ પર આવેલ ચેતેશ્વર પુજારા (૦) ઝડપથી પેવેલિયન પરત ફર્યો હતો. તે ગોલ્ડન ડક વિકેટ એનગિડીના બોલ પર સ્લીપમાં કેચ આપીને ગુમાવી બેઠો હતો.

વિરાટ કોહલી (૩૫) લાંબા સમયથી શતકની રાહ જોઇ રહ્યો છે. આજે ફરી એકવાર સેટ થયા બાદ વિકેટ ગુમાવી બેઠો હતો અને તે અર્ધશતક સુધી પહોંચી શક્યો નહોતો. તેણે રાહુલ સાથે મળીને સ્કોર બોર્ડને આગળ વધાર્યુ હતુય પરંતુ તે એનગિડીના બહારના બોલને છેડતા વિકેટ ગુમાવી બેઠો હતો. જોકે ત્યાર બાદ અજિંક્ય રહાણેએ શાનદાર રમત દર્શાવીને રાહુલને સાત પુરાવ્યો હતો.

આફ્રિકામાં ભારતનો ૧૪ વર્ષનો ‘વનવાસ’ પૂર્ણ: રાહુલની શાનદાર સદી

ભારતીય ઓપનર કેએલ રાહુલે સેન્ચુરિયન ટેસ્ટના પ્રથમ દિવસે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. કેએલ રાહુલે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. કેએલ રાહુલે ઓપનર મયંક અગ્રવાલ સાથે સદીની ભાગીદારી કરી અને તે પછી તેણે પોતાના અંગત સ્કોરને પણ સદી સુધી પહોંચાડી દીધો હતો.

ઓપનર કેએલ રાહુલે દક્ષિણ આફ્રિકાની ધરતી પર પ્રથમ વખત સદી ફટકારી છે. સેન્ચુરિયનની મુશ્કેલ પિચ પર કેએલ રાહુલે ખાતું ખોલવા માટે ૨૧ બોલ રમ્યા હતા. પરંતુ આ પ્રતિભાશાળી બેટ્સમેન ધીરજના બળ પર તેની ૭મી ટેસ્ટ સદી સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો. રાહુલ ભારતનો બીજો ઓપનર છે જેણે દક્ષિણ આફ્રિકાની ધરતી પર સદી ફટકારી છે. ૧૪ વર્ષ પહેલા ૨૦૦૭માં વસીમ જાફરે દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટમાં સદી ફટકારી હતી. કેએલ રાહુલ કેપટાઉનમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બની ગયો છે.

આફ્રિકાના એનગિડી સિવાયના તમામ હથિયાર નિષ્ફળ

દક્ષિણ આફ્રિકા તરફ થી લુંગી એનગિડી સિવાય અન્ય બોલરોનો ખાસ પ્રભાવ જોવા મળ્યો નહોતો. તેણે ભારતની ૩ વિકેટ ને ઝડપી હતી. જેમાં વિરાટ કોહલી અને પુજારાની ગોલ્ડન ડક વિકેટ સામેલ હતી. એનગિડીએ પિચ પર જામેલી ઓપનીંગ જોડીને પણ તોડી હતી. તેણે મયંકને આઉટ કરીને આફ્રિકાને પ્રથમ સફળતા અપાવી હતી. કાગીસો રબાડા પ્રથમ દિવસે ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો, તેણે ૭ નો બોલ ૨૦ ઓવર દરમિયાન આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.