Abtak Media Google News

સંસદીય સ્થાયી સમિતિએ જજોની સંપત્તિ જાહેર કરવા અંગે કાયદો બનાવવા ભલામણ કરી

સંસદીય સ્થાયી સમિતિએ કાયદા અને ન્યાય અંગેની ન્યાયિક પ્રણાલીને લઈને અનેક ભલામણો કરી છે જેમા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો માટે તેમની સંપત્તિની માહિતી આપવી ફરજિયાત બનાવવાની ભલામણો પણ કરી છે. જે રીતે રાજકારણીઓ અને અધિકારીઓએ તેમની સંપત્તિની માહિતી આપવાની હોય છે તેવી જ રીતે ન્યાયાધીશોએ પણ પોતાની સંપત્તિની માહિતી આપવી જોઈએ. તેનાથી લોકોનો સિસ્ટમમાં ભરોસો વધશે.

બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના સાંસદ સુશીલ મોદીની આગેવાની હેઠળની પેનલે કહ્યું કે સુપ્રીમ કોર્ટે પ્રસ્તાવ મૂક્યો હતો કે તમામ ન્યાયાધીશોએ સ્વેચ્છાએ સંપત્તિની વિગતો આપવી પડશે. જોકે આ યોગ્ય નથી. સરકારે આ અંગે કાયદો લાવીને ન્યાયાધીશ માટે ફરજિયાત બનાવવો જોઈએ. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોએ દર વર્ષે ફરજિયાતપણે સંપત્તિ અને જવાબદારીઓ વિશે માહિતી આપવી જોઈએ.

સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરતા સમિતિએ નોંધ્યું છે કે લોકોને લોકસભા અથવા રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ઉભા રહેનારા નેતાની સંપત્તિ વિશે જાણવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જો કે ન્યાયાધીશો માટે સંપત્તિ જાહેર કરવી ફરજિયાત કેમ નથી તે અંગેનો તર્ક મને સમજાતો નથી. જો કોઈ સરકારી પોસ્ટ પર હોય અને પબ્લિક ટેક્સમાંથી પગાર લેતો હોય તો તેણે પોતાની સંપત્તિનું વાર્ષિક રિટર્ન ફાઈલ કરવું જોઈએ.

કોર્ટમાં પેન્ડિંગ કેસોની વધી રહેલી સંખ્યાની ચિંતા વ્યક્ત કરતા પેનલે કહ્યું કે ન્યાયાધીશોની રજા ઘટાડવા પર પર વિચાર કરવો જોઈએ. કોર્ટમાં રજાઓની વ્યવસ્થા અંગ્રેજોના સમયથી જ ચાલી રહી છે અને જ્યારે સમગ્ર કોર્ટ એકસાથે રજા પર જાય છે ત્યારે ખુબ જ અસુવિધા ઉભી થાય છે અને તમામ કામ પર બ્રેક લાગી જાય છે. આ માટે સલાહ આપવામાં આવે છે કે ન્યાયાધીશો એકસાથે રજા પર ન જાય અને રોટેશન પોલીસીથી રજા પર જાય જેથી કોર્ટનું કામકાજ ચાલુ રહેશે અને ન્યાયમાં વિલંબ થશે નહી.

સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં મહિલાઓ, લઘુમતીઓ અને પછાત વર્ગો માટે અનામત હોવી જોઈએ તેવી પણ ભલામણ કરી છે જેથી દરેક વર્ગનું પ્રતિનિધિત્વ થઈ શકે અને દેશની બંધારણીય અદાલતમાં દેશની વિવિધતા જોવા મળવી જોઈએ. આ ઉપરાંત પેનલે કહ્યું કે ઉચ્ચ ન્યાયતંત્રમાં ન્યાયાધીશોની નિવૃત્તિ વય વધારવી જોઈએ તેમજ સુપ્રીમ કોર્ટની પ્રાદેશિક શાખાઓ પણ શરૂ કરવી જોઈએ જેથી કરીને ગરીબોને ન્યાય મેળવવામાં સરળતા મળી રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.