Abtak Media Google News

અનેક મહત્વના બિલો પાસ કરવા અને અવિશ્વાસની દરખાસ્તની ચર્ચા માટે ભાજપ સજ્જ

સરકારે લોકસભામાં હજુ અનેક બિલ પસાર કરવાના હોય ઉપરાંત અવિશ્વાસની દરખાસ્તને લઈને ચર્ચા થવાની હોય ભાજપે  લોકસભાના સાંસદોને 7 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી ગૃહમાં હાજર રહેવા ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો છે.

સંસદમાં આજે પણ વિપક્ષનો હોબાળો ચાલુ છે. વિપક્ષના સાંસદો મણિપુર મુદ્દે પીએમ મોદીના નિવેદન પર અડગ છે. બીજી તરફ, દિલ્હીમાં અધિકારીઓની બદલી-નિયુક્તિ અંગે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ દિલ્હી સેવા બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે.  લોકસભામાં બિલ પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા હતા.  શાહે કહ્યું કે ગઠબંધનના કારણે કોંગ્રેસ આ બિલનો વિરોધ કરી રહી છે. દરમિયાન આ બિલ હવે રાજ્યસભામાં પાસ થઈ શકે છે કે નહીં તેના ઉપર સૌની મીટ છે.  આ બિલ ઇન્ડિયા ગઠબંધન માટે લિટમસ ટેસ્ટ હશે. બીજેડી અને વાયએસઆર કોંગ્રેસ દ્વારા એનડીએના સમર્થનને કારણે બિલ આરામથી પસાર થવાની આશા છે.

રાજ્યસભા 7 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.  ગૃહને મુલતવી રાખવામાં આવ્યું હતું કારણ કે ટ્રેઝરી બેન્ચ રાજસ્થાન અને મણિપુર હિંસામાં મહિલાઓ પર અત્યાચારની ચર્ચા કરવાની માંગ પર અડગ રહી હતી.  ગૃહમાં આજે પણ ભારે હોબાળો થયો હતો.

રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલે નિયમ 176 હેઠળ રાજસ્થાનમાં મહિલાઓ પર થતા અત્યાચારો પર ચર્ચાની માંગ કરી હતી.  ટ્રેઝરી બેંચના સાંસદોએ ગૃહમાં રાજસ્થાન પર ચર્ચાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

બીજી તરફ વિપક્ષોએ અવિશ્વાસનો પ્રસ્તાવ મુક્યો હોય જેને લઈને 8 ઓગસ્ટે ચર્ચા શરૂ થાય તેવી શક્યતાઓ મળી રહી છે. આ બધા સંજોગોને કારણે ભાજપે લોકસભાના સાંસદોને 7 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી ગૃહમાં હાજર રહેવા અને સરકારના સ્ટેન્ડ અને બિલને સમર્થન આપવા માટે ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.