Abtak Media Google News

કલેકટર કચેરીએ આયોજીત બેઠકમાં સંબંધીત અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ

જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર બી. એ. શાહની ઉપસ્થિતિમાં ડી.આઇ.એલ.આર.ના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ, જામનગર જિલ્લાના ખેડૂતોના જમીન માપણી અંગેના જે પ્રશ્નો છે તેનું સંતોષકારક નિવારણ લાવવા માટે કલેકટરના માર્ગદર્શન હેઠળ પડતર અરજીઓનો નિકાલ આવે તે દિશામાં કામગીરી કરવા માટે સૂચનો કર્યા હતા. અને ખેડૂતોની રજૂઆતોને પ્રાધાન્ય આપી સૂચારું આયોજન હાથ ધરવા જણાવ્યું હતું.

001 1

મંત્રી એ ડી.આઇ.એલ.આર.ના અધિકારીઓ સાથે યોજેલ બેઠકમાં જે પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી તેમાં મુખ્યત્વે માપણી કામના ઉપયોગમાં લેવામાં આવતા માપણી સાધન તથા અધ્યતન કોમ્પ્યુટર, સર્વર, સાધનોનો વધારો કરવો જેથી કરીને કર્મચારીઓ અને અધિકારીઓ વધુ કામગીરી કરી શકે. ખેડૂત જ્યારે જમીન વેચે અથવાતો બિનખેતી કરે  ત્યારે જ માત્ર નકશાની જરૂરિયાત ઊભી થાય તેવા સંજોગોમાં સરકારના નિયમ મુજબ ફી ભરી માપણી કરાવી ખેડૂતને સાચા સ્થળ વાળી વિગતનો નકશો મળી રહે તે પ્રકારે આયોજન કરવું, જે ગામમાં જમીન માપણીના વધુ પ્રશ્નો હોય સૌથી પહેલા તે ગામડાને પસંદ કરી કામગીરી કરવી જેથી મોટા ભાગના પ્રશ્નોનો ઉકેલ આવી શકે, ટીમ જ્યારે જમીન માપણી કરવા માટે જે ગામડામાં જાય તેના એક થી બે દીવસ પહેલા ખેડૂતોને જાણ કરવી જેથી કરીને તેઓ સાથે રહી શકે અને વિસંગતતા ઊભી ન થાય અને કોઈ પ્રશ્ન હોય તો તેનું નિવારણ આવી શકે, ચોમાસાના સમય દરમિયાન ફિલ્ડ વર્ક કરી શકાય તેમ ન હોય તે સમયમાં પડતર અરજીઓના નિકાલની કામગીરી કરવી જેવી બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં કલેકટર  બી. એ. શાહે મંત્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી જરૂરી સૂચનો આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. બેઠકમાં નીવાસી અધિક કલેકટર  બી. એન. ખેર, ડી.આઇ.એલ.આર.ના અધિકારીઓ તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.