Abtak Media Google News

પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાના જન્મદિવસ નિમિતે મહારકતદાન કેમ્પમાં  800 બોટલ રકત એકત્રીત: ધારાસભ્ય રિવાબા  જાડેજા, પૂર્વ મંત્રી હકુભાની રકતતુલા કરાઈ

લોકડાયરામાં કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, કિંજલ દવેએ રંગ જમાવ્યો: બહોળી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

જામનગરમાં મહારાણા પ્રતાપની જન્મજયંતીની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ માટે શોભાયાત્રા, બ્લડ ડોનેશન, પુષ્પવર્ષા અને ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો જામનગરના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાનો પણ જન્મદિવસ હોવાથી ખાસ ઉજવણી કરવામાં આવી હતી. જામનગર અને દેવભૂમી દ્વારકાના રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવેલા આ જાજરમાન ઉજવણીમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો જોડાયા હતા. તો મહારાણા પ્રતાપની પુષ્પાંજલી કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. સાથે જ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના ટોચના નેતાઓ હાજર રહ્યાં હતા. તો દેવભૂમી દ્વારકાના રાજપૂત સમાજના લોકો માટે ખાસ સમુહભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

મહારાણા પ્રતાપની જન્મ જયંતી અને જામનગરના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના જન્મ દિવસ નિમિત્તે જામનગરમાં ગુર્જર સુતાર સમાજની વાડી ખાસ ખાસ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 800થી વધુ લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું. ત્યારબાદ જમા થયેલા રક્તદાનથી પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજાની રક્ત તુલા કરવા આવી હતી.  આ રક્તદાન કેમ્પમાં જમા થયેલું લોહી જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે. જામનગરમાં યોજાયેલા મેગા રક્તદાન કેમ્પમાં દૂરદૂરથી લોકો રક્તદાન કરવા માટે હાજર રહ્યાં હતા, જેમાંથી એક અનુરુદ્ધસિંહ પ્રવિણસિંહ રાઠોડ પણ હતા, કે જેઓએ અત્યારસુધીમાં 108 વખત રક્તદાન કર્યું છે, તેઓએ સૌથી પહેલા 18 વર્ષની વયે રક્તદાન કર્યું હતું. તેમનું કહેવું છે કે હું દર ત્રણ મહિને અચૂક રક્તદાન કરું જ છું. મારી અંગત લાગણી છે કે જરૂરિયાતમંદ લોકો જેવા કે થેલેસેમિયાગ્રસ્ત બાળકો, સગર્ભા તથા અકસ્માતના સમયે લોકોને લોહી મળી રહે. હું અન્ય લોકોને પણ અપીલ કરું છું કે અચૂક રક્તદાન કરવું જોઇએ.

જામનગરમાં મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ત્યારબાદ લાલ બંગલા ખાતે મહારાણા પ્રતાપના સ્ટેચ્યુને પુષ્પાજલી કરવામાં આવી હતી.  જામનગરમાં મહારાણા પ્રતાપની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે અન્ન ભેગા એના મન ભેગા ઉક્તિને ધ્યાનમાં રાખી પહેલીવાર રાજપૂત સમાજનું વાત્સલ્ય જમણવાર એટલે કે સમૂહ ભોજનનુ આયોજન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જાહેર જનતા માટે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, આ લોકડાયરામાં કિર્તિદાન ગઢવી, માયાભાઇ આહિર, કિંજન દવે સહિતના ટોચના કલાકારોએ રંગ જમાવ્યો હતો. તો આ ડાયરાના કાર્યક્રમ દરમિયાન જ પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજાએ પોતાના જન્મદિવસ નિમિતે દ્વારકાના શકરાચાર્યને ભેટ તરીકે નવી ઇનોવા ગાડી આપી હતી.

હકુભાએ રાજવી પરિવારના જામશત્રુશલ્યસિંંહજી મહારાજના આશિર્વાદ લીધા

Hakubha Jadeja News2

જામનગરના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાનો જન્મદિન યાદગાર બની રહ્યો હતો, ધર્મેન્દ્રસિંહ રાજવી પરિવારના જામશત્રુશલ્યસિંહજી મહારાજને નમન કરવા ગયા હતા. આ દરમિયાન જામસાહેબે હકુભાને આશીર્વાદ આપ્યા હતા, એટલું જ નહીં દુબઈથી ખાસ મંગાવેલી રુા. 25 લાખની કિંમતની રોલેક્સ ઘડિયાળ પણ ધર્મેન્દ્રસિંહને ભેટમાં આપી હતી, આ તકે જામનગરના જાણીતા લેન્ડ ડેવેલોપર મેરામણ ભાઈ પરમાર પણ સાથે રહ્યા હતા. બીજી બાજુ જામનગરના લોકલાડીલા નેતા ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાને ગામેગામથી અને ભાજપના કાર્યકરો, નેતાઓ તરફથી શુભેચ્છાનો વરસાદ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મહારાણા પ્રતાપ જયંતી નિમિત્તે જામનગરમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાની રક્તતુલા અને ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.

ક્ષત્રીય રાજપુત ડોકટર્સ ઓર્ગે. એ મહારાણા પ્રતાપની પ્રતિમાને કર્યા ફુલહાર

04 12

ક્ષત્રિય રાજપુત ડોક્ટર્સ ઓર્ગેનાઈઝેસન જામનગર દ્વારા ક્રિકેટ બંગ્લા સામે મહારાણા પ્રતાપની મૂર્તિ પર ફૂલમાળા અર્પણ કરીને માં ભૌમની માટે સર્વસ્વ બલિદાન અને સમર્પણ કરનાર ભારત માતાના સપૂત વીર મહારાણા પ્રતાપજીના જન્મજયંતિની ઉજવણી પે સવારે 8 વાગ્યે મહારાણા પ્રતાપને વંદન અને ફુલહાર કર્યા હતા. રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ જામનગર યુથ વિંગ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ડો. આર. ટી. જાડેજા, રાષ્ટ્રીય અધ્યક્ષ-ક્ષત્રિય રાજપુત ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન, ડો એમ. વી. ચુડાસમા તથા મુખ્ય અતિથિ ડો. રવિરાજસિંહ ચુડાસમા, ડો. સિદ્ધાર્થસિંહ જાડેજા, ડો. વિરેન્દ્રસિંહ જાડેજા, ડો. સત્યજીતસિંહ ચુડાસમા, ડો. યુવરાજસિંહ ચુડાસમા, ડો. ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, ડો. યતિરાજસિંહ સોઢા,  યુવરાજસિંહ રાણા,  રણજીતસિંહ સોઢા હાજર રહ્યા હતા. ગુજરાતના તમામ જિલ્લાઓના મુખ્ય શહેરોમાં આ સંગઠ્ઠન દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને સવારે 7-00 થી 9-00 વાગ્યા દરમ્યાન પુષ્પાંજલિ કરાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.