Abtak Media Google News

Table of Contents

મોરબીમાં ધંધાકીય હરિફાઈમાં શસ્ત્ર મારામારીમાં બંને પક્ષે એક-એકની હત્યા: ગોહિલવાડમાં 24 કલાકમાં ત્રણ હત્યા

સંત, શુરા અને સતીની ભૂમિ એટલે સૌરાષ્ટ્રની તાસીર એવી છે જયાં નાની-નાની વાતમાં ઈગો હટ થાય અને અહમ ટકરાવા જેવી બાબતોથી લોકોને મોત સુધી દોરી જાય છે. સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં પાંચ લોથ ઢળી છે જેમાં મોરબીના ખાટકીવાસમાં પાર્કિંગ જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે ખેલાયેલા શસ્ત્ર ધિંગાણામાં બંને પક્ષે એક-એકની હત્યા થઈ છે જયારે પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે.

ભાવનગર શહેરમાં સગીરાની છેડતીના મુદ્દે ઠપકો આપવા જતા પુત્રીના બાપને યુવાને છરીના ઘા ઝીંકી તેમજ ઉઘરાણીના પ્રશ્ર્ને યુવાન ઉપર બે શખ્સોએ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી અને મહુવામાં બાઈક સરખુ ચલાવવા જેવી બાબતે બાઈક ચાલકની હત્યા નિપજાવવામાં આવી છે. ગોહિલવાડમાં ત્રણ-ત્રણ હત્યાઓથી કાયદો અને વ્યવસ્થા સામે આંગળી ચિંધાય રહી છે. ખાખીનો ખૌફ ઓસરી રહ્યો હોય તેમ માણસને કાયદાનો ડર રહ્યો નથી.

 

ગઢડામાં બાઈક ચલાવવાની બાબતે કોલેજીયન યુવાનનું ખુન

નજીવી બાબતે ચાર શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઢીમઢાળી દીધુ

મહુવા તાલુકાના ગઢડા ગામે કોલેજીયન યુવાન પર ચાર શખ્સોએ તુટી પડી છરીના ઘા મારી રહેસી નાખતા તેનું મોત નિપજયું હતું. બનાવ અંગે મહુવા પોલીસે તપાસ હાથધરી નાસી છુટેલા હત્યારાઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. મોટર સાયકલ સરખુ ચલાવવાની નજીવી બાબતે હત્યા થયાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મહુવાનાં ખરેડ ગામનાં ખારા વિસ્તારમાં રહેતા અને મહુવા પારેખ કોલેજમાં અભ્યાસ કરતા ભાવેશભાઈ આભુભાઈ શીંગડ (ઉ.વ.18) તેના મિત્ર સાગર તથા અન્ય મિત્રો સાથે બાઈક લઈ સાંજે સાડા ચારના સુમારે ગઢડા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અરવિંદ ધીરૂ ભાલીયા, સંદિપ બારૈયા, વિજય ભાલીયા મોટર સાયકલ પાસે ઉભા હોય ત્યાંથી પસાર થતા અરવિંદે ગાળ આપી જોઈને બાઈક ચલાવ તેવું કહેતા ભાવેશે વાગ્યુ તો નથી તો પછી ગાળ કેમ દીધી તેવું કહેતા ઝઘડો થતા ઝપાઝપી થઈ હતી. બાદમાં મિત્રો વચમાં પડતા બધા વિખેરાયા હતા. દરમિયાન અડધી કલાક બાદ ભાવેશ સહિતનાં મિત્રો જળેનાથ મહાદેવ મંદિર નજીક પહોંચતા અરવિંદ, સંદિપ, વિજય તથા કિશન મોટર સાયકલ લઈ પાછળથી આવી

ભાવેશનો કાંઠલો પકડી બોલ હવે તારે શું છે ? તેવું કહી ભાવેશનાં મિત્રોને જો વચ્ચે પડયા તો સારવાર નહીં રહે તેવી ધમકી આપી ચારેય શખ્સોએ છરી કાઢી ભાવેશ પર આડેધડ ઘા મારતા છરીના ઘા જીવલેણ નિકળતા લોહી નિતરતી હાલતમાં ઢળી પડેલા ભાવેશનું મોત નિપજયું હતું. બનાવ અંગે મૃતક ભાવેશના ભાઈ નરેશભાઈએ મહુવા પોલીસમાં કિશન પોપટ ભાલીયા, સંદિપ રમેશ બારૈયા, અરવિંદ ધીરૂભાઈ ભાલીયા તથા વિજય ગભા ભાલીયા સામે ફરિયાદ કરતા પોલીસે કલમ 302, 504, 34 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથધરી હતી.

ભાવનગરમાં ઉઘરાણીના મુદ્દે યુવાનની કરપીણ હત્યા

હુમલો કર્યાનો ખાર રાખી બે શખ્સોએ કરેલા વળતા હુમલામાં યુવાનનું ઢીમ ઢાળી દીધું

ભાવનગરનાં હાદાનગર સ્નેહમિલન સોસાયટીમાં પાનનાં ગલ્લે ઉભેલા યુવાનને બે શખ્સોએ છરીના આડેધડ ઘા મારી વેતરી નાખતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. પૈસાની ઉઘરાણીનાં મામલે હત્યા થયાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરનાં સ્નેહમિલન સોસાયટીમાં આવેલ આશાપુરા પાનના ગલ્લે ઉભેલા હાદાનગરમાં રહેતા જયદિપ બાબુભાઈ કોળી (ઉ.વ.23) પર ટુ વ્હીલરમાં ઘસી આવેલા શકિત રાઠોડ અને લાલા નામના શખ્સોએ છરી વડે હુમલો કરતા જયદિપની છાતી તથા સાથળનાં ભાગે ગંભીર ઈજા થતા લોહી નિકળતી હાલતમાં હોસ્પિટલે ખસેડાતા સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજયું હતું. બનાવ અંગે મૃતકનાં ભાઈ સંજયે બોરતળાવ પોલીસમાં શકિત રાઠોડ તથા લાલા સામે ફરિયાદ કરતા પી.આઈ. રાવલે તપાસ હાથધરી છે. બનાવનાં કારણમાં

સાંજે સાડા પાંચે જયદિપ શકિત પાસે પૈસા માંગતો હોય ઉઘરાણીના મામલે બંને વચ્ચે બોલાચાલી બાદ મારામારી થતા જયદિપે શકિતને છરી મારી હતી. બાદમાં રાત્રીના સાડા આઠ કલાકે આ ઘટનાનો ખાર રાખી શકિત અને લાલાએ વળતો હુમલો કરી જયદિપને વેતરી નાખ્યો હતો. જયદિપ અપરણિત હતો અને ડ્રાઈવીંગનું કામ કરતો હતો.

 

ભાવનગરમાં છેડતીનો ઠપકો આપવા ગયેલા પ્રૌઢને મોત મળ્યું

પાનની દુકાન ધરાવતા વેપારીએ ઉશ્કેરાયને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

ભાવનગર શહેરનાં કુંભારવાડા અક્ષરપાર્ક રોડ પર સગીર પુત્રીની છેડતીનો ઠપકો આપવા ગયેલા પિતાને પાનનો ગલ્લો ચલાવતા શખ્સે છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવ્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરનાં અક્ષરપાર્ક રોડ ઈંટોના ભઠ્ઠા પાસે રહેતા અને મજુરી કામ કરતા રણછોડભાઈ સુરગભાઈ ધરજીયા (ઉ.વ.35)ની સગીર પુત્રીની ઘર સામે પાનનો ગલ્લો ચલાવતો ઘુડીયો ઉર્ફે ધવલ ધરજીયા છેલ્લા ત્રણેક દિવસથી પજવણી કરી છેડતી કરતો હોય રણછોડભાઈએ ગલ્લે જઈ ઘુડીયાને ઠપકો આપતા ઉશ્કેરાયેલા ઘુડીયાએ રણછોડભાઈનાં પડખામાં છરીના ઘા ઝીંકી દેતા ગંભીર ઈજાને કારણે મોત નિપજયું હતું. હત્યાની ઘટનાને પગલે દોડી ગયેલ બોરતળાવ પોલીસે મૃતકનાં પત્નિ રમીલાબેનની ફરિયાદ લઈ ઘુડીયા ઉર્ફે ધવલ સામે કલમ

302, 354, 504 મુજબ ગુન્હો નોંધી હત્યારાની શોધખોળ શરૂ કરી છે. મૃતકને સંતાનમાં બે દિકરી તથા બે દિકરા તથા બે દિકરા હોવાનું જાણવા મળેલ હતું.

મોરબીમાં ખાટકીવાસમાં બે-જૂથ વચ્ચે ખેલાયુ લોહીયાળ ધિંગાણુ: બંને પક્ષે એક-એકનું મોત

સામ-સામા ધાણીફુટ ગોળીબારમાં બેની હત્યા,પાંચ ગંભીર: ચુસ્ત પોલીસ બંદોબસ્ત

મોરબી ખાટકીવાસમાં આવેલી બરશાખ રજપૂત શેરીમાં બાઈક કાઢવા બાબતે બોલાચાલી થયાં બાદ મામલો બીચકયો હતો અને જોત જોતામાં ફાયરીગ સુધી મામલો પહોચી ગયો હતો જેમાં સામે સામે ફાયરીગ થતાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા જ્યારે પાંચ ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે પોલીસે બનાવની ગંભીરતા લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ આગળની તપાસ હાથ ધરી છે. મોરબીમાં આજે રવિવારે ખાટકીવાસ ચોકમાં કુખ્યાત મહમદ કસ્માણી ઉર્ફે મમુ દાઢી અને તેના ભત્રીજા તેમજ સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ રફીકભાઈ મેમણ ના પુત્ર આદિલ વચ્ચે ખાટકીવાસમાં આવેલી બરશાખ રજપૂત શેરીમાં બાઈક કાઢવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી જેમાં પ્રથમ મારામારી થયા બાદ સામે સામે ફાયરિંગ શરૂ થયા હતા જેમાં  આદિલ રફીકભાઈ મેમણ નામના યુવાનનું ગંભીર ઇજાગ્રસ્ત થતા મોત થયું હતું જયારે સામાં પક્ષે ફાયરીગમાં મમુ દાઢી અને તેના બે  ભત્રીજા ઇમરાન મેમણ

અને આસિફ મેમણ  સહિત પાંચ ઈસમો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમાં ઇમરાન મેમણ નું સારવાર દરમ્યાન રાજકોટ ખાતે મોત નિપજ્યું હતું જો કે સામે સામે ફાયરીંગ થતા જ આજુબાજુના બલોકો દુકાન બંધ કરી ટપોટપ નીકળી ગયા હતા બનાવની જાણ થતાં જ મોરબી એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ  એલસબીપીએસઆઇ એન બી ડાભી એસઓજી પીઆઈ જે એમ આલ સીપીઆઈ બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોંઢિયા,એ ડીવીઝન પીઆઈ સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ વધુ વણસે નહિ એ માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસે બનાવની ગંભીરતા લઈ સિવિલ હોસ્પિટલ અને ખાટકીવાસ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે જો કે આ ઘટનાનું ચોકકસ કારણ હજુ બહાર આવ્યું નથી પરંતુ પ્રાથમિક તપાસમાં બાઈક કાઢવા બાબતે વાત વણસી હતી જેમાં મામલો ઉગ્ર થઈ જતા આ બનાવ બન્યો છે જેની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.