Abtak Media Google News

વાયુ વાવાઝોડુ હજી દરિયામાં સંપૂર્ણપણે સક્રિય: સોરાષ્ટ્રમાં દરિયાકાંઠા વિસ્તારમાં આજે ભારે વરસાદની આગાહી: સવારથી ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં વરસાદ

સૌરાષ્ટ્રનાં વેરાવળ અને પોરબંદરનાં દરિયા પાસેથી બે દિવસ પૂર્વે પશ્ર્ચિમ દિશા તરફ ફંટાયેલું વાવાઝોડું વાયુ આગામી 48 કલાકમાં દિશા બદલી કચ્છમાં આગામી 17 કે 18 જુનનાં રોજ ટકરાઈ તેવી દહેશત ઉભી થવા પામી છે. જેનાં પગલે રાજય સરકારનાં તમામ વિભાગો ફરી એલર્ટ થઈ ગયા છે. વાયુ વાવાઝોડું હાલ સંપૂર્ણપણે દરિયામાં સક્રિય હોય સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા વિસ્તારમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારથી ગીર-સોમનાથ, જુનાગઢ, અમરેલી, પોરબંદર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો હોવાનાં અહેવાલો મળી રહ્યા છે.

સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે ભારે વિનાશ સર્જે તેવી દહેશત ઉભી કરનાર વાવાઝોડું વાયુ બે દિવસ પૂર્વે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે સ્પર્શ કર્યા વિના જ ઓમાન તરફ ફંટાઈ ગયું હતું. ઘાટ ટળતાં રાજય સરકાર સહિત સમગ્ર રાજયવાસીઓએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. પશ્ર્ચિમ દિશામાં થઈ રહેલું વાવાઝોડું 48 કલાકમાં વળાંક લઈને કચ્છ તરફ આવે અને ઓછી તીવ્રતા સાથે 17 અને 18 જુને કચ્છ જિલ્લાને સ્પર્શ કરે તેવી સંભાવના છે. રાજય સરકાર ફરી સંપૂર્ણપણે એલર્ટ થઈ ગયું છે અને આ વાવાઝોડા પર બાજ નજર રાખી રહ્યું છે જોકે કચ્છને સ્પર્શ કરે ત્યારે વાયુની તીવ્રતા ઓછી થઈ ગઈ હશે અને સાયકલોમાંથી ડિપ-ડિપ્રેશન કે સાયકલોનીક સ્ટોનમાં પરીવર્તીત થઈ ગયું હશે તેવી સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે. રાજય સરકારનાં મહેસુલ વિભાગનાં અધિક સચિવ પંકજકુમારે નાગરિકોને કોઈપણ જાતનો ભય મનમાં રાખવો નહીં તેવી અપીલ કરી છે અને રાજય સરકાર સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહી હોવાનું પણ જણાવ્યું છે.

દરમિયાન વાયુ વાવાઝોડું હાલ સૌરાષ્ટ્રનાં દરિયામાં સંપૂર્ણપણે સક્રિય હોવાનાં કારણે આજે પણ સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગીર-સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડામાં 5 ઈંચ, વેરાવળ અને તાલાલમાં 4 ઈંચ, જુનાગઢનાં માંગરોળમાં 4 ઈંચ, કોડીનારમાં 3॥ ઈંચ, કુતિયાણા અને માળીયા હાટીનાં 2॥ ઈંચ, ભેંસાણ, મેંદરડા, જુનાગઢ, સાવરકુંડલા, કેશોદ અને ખાંભામાં 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આજે ગીર-સોમનાથ, જુનાગઢ, દ્વારકા, પોરબંદર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. છેેલ્લા 24 કલાક દરમિયાન રાજયનાં 31 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ પાંચ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આજે સવારથી ગીર-સોમનાથ જિલ્લાનાં ગીરગઢડા, ઉના અને જુનાગઢ જિલ્લાનાં વંથલી, માણાવદર, મેંદરડા અને માંગરોળ, અમરેલીનાં ખાંભા, ધારીમાં વરસાદ વરસી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.