આજી ડેમ છલોછલ: નર્મદાના નીર બંધ કરાયા

29 ફુટે ઓવર ફલો થતા આજી ડેમની સપાટી 28.21 ફુટે પહોંચી: હવે મે માસમાં ફરી નર્મદાના નીર ડેમમાં ઠાલવાશે

રાજકોટની જીવાદોરી સમાજ આજી ડેમ ભર ઉનાળે છલોછલ ભરાય જવાના કારણે આજથી ડેમમાં સૌની યોજના અંતર્ગત ઠાલવવામાં આવતા નર્મદાના નીર બંધ કરી દેવામાં આવ્યા છે. ડેમમાં પ0 દિવસમાં 879 એમસીએફટી પાણી ઠાલવી દેવામાં આવ્યું છે, હવે મે માસમાં 300 એમસીએફટી નર્મદાના નીર ઠાલવાશે. દરમિયાન ન્યારી ડેમમાં પણ 101 એમસીએફટી પાણી ઠાલવવામાં આવ્યું છે.

રાજકોટવાસીઓને ચોમાસાની સીઝન સુધી નળ વાટે નિયમિત ર0 મીનીટ પાણી આપી શકાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજય સરકાર પાસે સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં 1080 એમસીએફટી અને ન્યારી-1 ડેમમાં 270 એમસીએફટી નર્મદાના નીરની માંગણી કરવામાં આવી હતી. આજીમાં ફેબ્રુઆરીથી અને ન્યારીમાં મે માસથી નર્મદાનું પાણી ઠાલવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. દરમિયાન રાજય સરકાર દ્વારા ગત રરમી જાન્યુઆરીથી જ આજીમાં સૌની યોજના અંગર્તત નર્મદાનું પાણી ઠાલવવાનું શરુ કરી દેવામાં આવ્યું હતું. છેલ્લા પ0 દિવસ દરમિયાન ડેમમાં 879 એમસીએફટી પાણી ઠાલવી દેવામાં આવ્યું છે.

29 ફુટે ઓવરફ્લો થતા આજી ડેમની સપાટી હાલ 28.21 ફુટે પહોંચી જવા પામી છે. 913 એમસીએફટીની કુલ જળ સંગ્રહ શકિત સામે હાલ ડેમમાં 870.57 એમસીએફટી પાણી સંગ્રહિત છે. ભર ઉનાળે આજી ડેમ છલોછલ ભરાય ગયા છે. આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. હવે ત્રણ માસ સુધી રાજકોટવાસીઓને જળ સંકટનો સામનો કરવો પડશે નહી. હવે બાકી રહેતું 300 એમસીએફટી પાણી મે માસના અંતમાં ઉપાડવામાં આવશે જેથી જુન-જુલાઇમાં સંતોષકારક વરસાદ ન પડે અને જળાશયમાં પાણીની આવક ન થાય ત્યાં સુધી શહેરીજનોએ કોઇ હાડમારી વેઠવી ન પડે.

બીજી તરફ આગામી દિવસોમાં જીડબલ્યુઆઇએલ દ્વારા નર્મદા કેનાલ અને પમ્પીંગ સ્ટેશન પર મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાના કારણે થોડા દિવસ નર્મદાના પાણી મળશે નહી. આવામાં રાજકોટને કોઇ તકલીફ ન પડે તે માટે સરકારી દ્વારા ન્યારી ડેમમાં પણ 10પ એમસીએફટી નર્મદાના નીર બંધ કરી દેવામાં આવ્યા છે. રપ ફુટે ઓવર ફલો થતા ન્યારી-1 ડેમની સપાટી 18.70 ફુટે પહોંચી જવા પામી છે. ડેમમાં 638 એમસીએફટી પાણી સંગ્રહિત છે.

રાજકોટવાસીઓને રાજય સરકાર દ્વારા મોઢે માંગ્યા નર્મદાના નીર આપવામાં આવી રહયા છે. દરમિયાન ત્રંબાના ત્રિવેણી સંગમ ખાતેથી આજી ડેમ સુધી પાઇપલાઇન બીછાવી દેવામાં આવતા મહામૂલ્ય પાણીની પણ બચત થવા પામી છે. રાજકોટની જળ જરુરીયાત સંતોષતા આજી અને ન્યારી બન્નો ડેમમાં નર્મદાના નીર હિલોળા લઇ રહ્યા છે.