Abtak Media Google News

પ્રથમ ફેઝમાં જાન્યુઆરી અંતમાં 700 એમસીએફટી અને બીજા ફેઝમાં એપ્રિલ-મેમાં 350 એમસીએફટી પાણીની માંગનો પત્ર તૈયાર

રાજકોટની વસતી અને વિસ્તાર સતત વધી રહ્યો છે. જેની સામે સ્થાનિક જળસ્ત્રોતની સંખ્યા વધતી નથી. ચોમાસામાં શહેરની જળ જરૂરિયાત સંતોષતા તમામ જળાશયો ઓવરફ્લો થઇ જવા છતાં દર ચાર-પાંચ મહિને ડેમોને નર્મદાના નીરથી ભરવા પડે છે. ચાલુ સાલ સપ્ટેમ્બર માસમાં સતત એક સપ્તાહ સુધી જળાશયો ઓવરફ્લો થતાં હતા છતાં આગામી ફેબ્રુઆરી માસના આરંભથી ફરી રાજકોટને નર્મદાના નીરની જરૂરિયાત ઉભી થશે. આજીડેમ છલકાઇ જાય તેથી વધુ પાણી સૌની યોજના અંતર્ગત નર્મદામાં ઠાલવવા માટે રાજ્ય સરકારમાં પત્ર લખવામાં આવશે.

આ અંગે કોર્પોરેશનની વોટર વર્ક્સ શાખાના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરની જીવાદોરી સમાન આજી ડેમમાં હાલ 570 એમસીએફટી જળજથ્થો સંગ્રહિત છે. જે જાન્યુઆરી માસના અંત સુધી ચાલે તેમ છે. ડેમમાંથી પ્રતિદિન પાંચ-છ એમસીએફટી પાણી વિતરણ માટે ઉપાડવામાં આવે છે. ન્યૂ રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા ન્યારી ડેમમાં 875 એમસીએફટી પાણી સંગ્રહિત છે. જે 31 મે સુધી ચાલે તેમ છે. ચોમાસા સુધી શહેરજનોને નિયમિત નળ વાટે 20 મિનિટ પાણી પુરૂં પાડી શકાય તે માટે રાજ્ય સરકાર સમક્ષ સૌની યોજના અંતર્ગત આજી અને ન્યારીમાં નર્મદાના નીર ઠાલવવા માટેની માંગણી કરવામાં આવશે. જેમાં આજી ડેમમાં અલગ-અલગ બે ફેઝમાં 1050 અને ન્યારી ડેમમાં એક ફેઝમાં 250 થી 300 એમસીએફટી પાણીની માંગણી કરવામાં આવશે.

આગામી દિવસોમાં રાજ્ય સરકારને પત્ર લખવામાં આવશે. જેમાં આજી ડેમમાં પ્રથમ ફેઝમાં જાન્યુઆરી માસના અંતમાં સૌની યોજના અંતર્ગત 700 થી 750 એમસીએફટી પાણી ઠાલવવાની માંગણી કરવામાં આવશે

ત્યારબાદ બીજા ફેઝમાં એપ્રીલ માસના અંતમાં કે મે માસના પ્રથમ સપ્તાહમાં 300 એમસીએફટી પાણી ઠાલવવાની માંગણી કરવામાં આવશે. ન્યારી ડેમમાં હાલ 875 એમસીએફટી જળજથ્થો સંગ્રહિત છે. દૈનિક વિતરણ વ્યવસ્થા મુજબ આ જથ્થો 31મી મે સુધી સાથ આપે તેમ છે.

દરમિયાન મે એન્ડમાં ન્યારીમાં 350 એમસીએફટી પાણી ઠાલવવાની માંગણી કરવામાં આવશે. આગામી જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં જ રાજ્ય સરકારને પત્ર લખવામાં આવશે અને રાજકોટને સૌની યોજના અંતર્ગત 1350 એમસીએફટી નર્મદાનું નીર ફાળવવાની માંગણી કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.