Abtak Media Google News

યોગી ડિવાઈન સોસાયટીના પરમાધ્યક્ષ

87 વર્ષની વયે દિવ્ય લીલા સંકેલી; છપ્પન વર્ષનું સંતજીવન-કિડનીની બિમારી વિદાય માટે નિમિત બની

હરિભકતો માટે સોખડા ખાતે પાંચ દિવસ સુધી પાર્થિવદેહ અંતિમ દર્શન માટે રખાશે: રવિવારે અંતિમવિધી

દેશ-વિદેશમાં કરોડો અનુયાયી ધરાયતા સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના વડા યોગી-ડિવાઈન સોસાયટીના પરમાધ્યક્ષ આત્મીય સમાજના પ્રાણધાર પ્રગટ ગૂરૂહરિ પરમ પૂજય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ ગઈકાલે રાત્રે 11 કલાકે વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં અક્ષરનિવાસી થતા કરોડો હરિભકતો શોકની લાગણીમાં ગરકાવ થઈ ગયા છે.પૂ. સ્વામીજીનો પાર્થીવદેહ આજે વડોદરાથી સોખડા ખાતે લાવવામાં આવ્યો હતો જયાં પાંચ દિવસ પાર્થિવદેહ અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને રવિવારે 1લી ઓગષ્ટના રોજ અંતિમવિધી કરવામાં આવશે.

પૂ. હરિપ્રસાદ સ્વામીજીનો જન્મ 23મી મેના 1934ના રોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના આસોજ ગામે થયો હતો. તેમનું મૂળ નામ પ્રભુદાસ હતુ. પ્રાથમિક શિક્ષણ આસોજમાં મેળવ્યાબાદ આણંદ ખાતે શારદામંદિર હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતુ. બાદમાં વલ્લભ વિદ્યાનગર ખાતે એન.વી. સાયન્સ કોલેજમાં ઈન્ટર સાયન્સનો અભ્યાસ કર્યો હતો. 1953માં તેઓ તેમના બનેવી થકી પૂ. યોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા હતા.

1961 થી 1965 દરમિયાન તેઓ યોગીજી મહારાજના અંગત સચિવ રહ્યા હતા. વર્ષ 1965માં તેઓએ ગોંડલની પવિત્ર અક્ષર ડેરી ખાતે પૂ. યોગીજી મહારાજના હસ્તે સ્વામી નારાયણ સંપ્રદાયની દિક્ષા ગ્રહણ કરી હતી. અભ્યાસ દરમિયાન ડોકટર સ્વામી, પ્રમુખ સ્વામી અને પૂ. હરિપ્રસાદ સ્વામીજી કલાસ મેટ હતા તેઓ પ્રમુખ સ્વામી મહારાજના ગૂરૂભાઈ છે.

Swamiji With Rameshbhai Oza1

ગત ફેબ્રુઆરી માસથી પ.પૂ. સ્વામીજીને કિડનીની બીમારી હતી. જે તેઓની વિદાયનું નિમિત્ત બની હતી.  ગત તા. 25 જુલાઈએ ડાયાલીસીસ બાદ તબિયત વધારે નરમ થઈ હતી.  તે પછી 26 જુલાઈએ સાંજે વડોદરા સ્થિત શ્રી ભાઇલાલ અમિન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  જ્યાં તબીબોએ છેલ્લી ક્ષણ સુધી સારવાર કરી હતી પરંતુ પ.પૂ. સ્વામીજીએ રાત્રે 11 કલાકે નશ્વર દેહનો ત્યાગ કરી દીધો હતો. પરંતુ ગત રાત્રે પ.પૂ. સ્વામીજીએ નશ્વરદેહનો ત્યાગ કરી દેતાં ભક્ત સમુદાય વજ્રઘાત થયો છે.

હરિધામ સોખડાથી કોઠારી સ્વામી પ્રેમસ્વરૂદાસજીએ જણાવ્યું છે કે, પ.પૂ. સ્વામીજીનાં દિવ્ય વિગ્રહની અંતિમક્રિયા હરિધામ સોખડા ખાતે તા. 1 ઓગસ્ટે, રવિવારે બપોરે 2.30 કલાકે કરવામાં આવશે.  તેઓશ્રીનાં દિવ્ય વિગ્રહનાં અંતિમદર્શન ભક્તો પાંચ દિવસ દરમિયાન કરી શકે તેવી વ્યવસ્થા સાંપ્રત પરિસ્થિતિને અનુરૂપ ગોઠવવામાં આવી છે.  પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દિવ્ય વિગ્રહને વિશેષ કક્ષમાં રાખવામાં આવેલ છે.

Hariprasad Swamiji With Children1

પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનું પ્રાગટ્ય 23 મે 1934ના રોજ વડોદરા જીલ્લાના આસોજ ખાતે થયું હતું.  ગોપાળદાસ પટેલ અને કાશીબાના તેઓ પુત્ર હતા. તેમનું પૂર્વાશ્રમનું નામ પ્રભુદાસભાઈ હતું. ઇ.સ. 1955થી 1965 એમ દસ વર્ષ સુધી બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના સેક્રેટરી તરીકે સેવા આપી હતી. પાંચ બહેનોના એક જ ભાઈ એવા પ્રભુદાસભાઈને ગુરૂહરિ યોગીજી મહારાજે ઈ.સ. 1965ની એટલે કે સંવત 2021ની વિજયા દસમી (દશેરા)ના મંગલદિને પાર્ષદી અને શરદપૂનમે ભાગવતી દીક્ષા આપીને ‘હરિપ્રસાદ સ્વામી’ નામ આપ્યું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભગવાન શ્રી સ્વામિનારાયણે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને યજ્ઞ કરીને દીક્ષા આપેલી તેમ યોગીજી મહારાજે ખાસ યજ્ઞ કરીને હરિપ્રસાદ સ્વામીજીને દીક્ષા આપેલી.  આ દીક્ષાવિધિ સમયે યોગીજી મહારાજે આશીર્વચન આપતાં કહેલું….   સાંભળો… ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષરબ્રહ્મનો અવતાર…. સાંભળજો બધા… તે પચ્ચીસ વરસ ઘરે રહ્યા ગુણાતીતાનંદ સ્વામી.. પછી ડભાણમાં મહારાજે મોટો યજ્ઞ કરીને હજારો બ્રાહ્મણો જમાડીને દીક્ષા આપી હતી.  તેવો સમૈયો આ પ્રભુદાસભાઈને દીક્ષા આપી.  તેવી સત્સંગની આ શુભ વાત…આખો હોલ સત્સંગ ઉપાડી લે…તથા એકાવન યુવકો (સાધુ) નવા કરે. એ અમારો બીજો આશીર્વાદ છે. પ્રભુદાસભાઈ થયા (સાધુ) તો હવે તે હજારો એકાંતિક કરશે. એ અમારો દેરીનો આશીર્વાદ કે તે સુખી થાય અને બીજા એવા સુખી કરશે….

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરૂષોત્તમ યુગલ ઉપાસનાના પ્રવર્તન માટે સોખડામાં ભવ્ય શિખરબદ્ધ મંદિર થાય તેવો સંકલ્પ કરેલો. જમીન પસંદ થઇ ગઈ.  પણ, કોઈ કારણસર તે વખતે તે શક્ય ના બન્યું… વર્ષો પછી સોખડાના કેટલાક ભક્તો ગઢડા બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના દર્શન કરવા ગયેલા.  ઘેલાના પટમાં બેઠા હતા.  ત્યારે ગઢડાના ભવ્ય મંદિર સામે જોતાં જોતાં ભક્તોએ યોગીજી મહારાજને પ્રાર્થના કરી.. ‘બાપા, આવું ભવ્ય મંદિર સોખડામાં થાય એવી કૃપા કરોને !’

At Dikshavidhi 10 10 1965 Gondal1

હરિપ્રસાદ સ્વામીજી તે વખતે પ્રભુદાસભાઈ તરીકે યોગીજી મહારાજની સેવામાં હતા.  બાપાએ તેમને નજીક બોલાવ્યા ને ખોળામાં માથું લઇ આશીર્વાદ આપ્યા, ‘જાવ, સોખડામાં ત્રણ શિખરનું ભવ્ય મંદિર થશે !’આમ, પ્રાર્થના કરી સોખડાના ભક્તોએ અને બાપાએ આશીર્વાદ આપ્યા પ્રભુદાસભાઈને..!  સોખડાનું ભવ્ય ‘હરિધામ’ મંદિર શાસ્ત્રીજી મહારાજના સંકલ્પ અને યોગીજી મહારાજના આશીર્વાદને તાદ્રશ્ય કરે છે.

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની અનુવૃત્તિ પ્રમાણે બહેનોને પણ સંતદીક્ષાનો અધિકાર આપવાના મુદ્દે ગુરૂહરિ યોગીજી મહારાજના આશીર્વાદ સાથે ઈ.સ. 1966માં સંજોગોવસાત અક્ષરપુરૂષોત્તમ સંસ્થાથી અલગ થવાનું થયું. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના સ્વધામગમન બાદ ઈ.સ. 1971માં હરિપ્રસાદ સ્વામીજીએ પોતાનાં યુગકાર્યનો પ્રારંભ કર્યો.  તે પ્રમાણે ઇ.સ. 2021નું વર્ષ તેઓશ્રીનાં યુગકાર્યની સુવર્ણજયંતિનું વર્ષ છે. ગુરૂહરિ યોગીજી મહારાજની દિવ્ય સ્મૃતિમાં ‘યોગી ડિવાઈન સોસાયટી’ની સ્થાપના કરી અને ખરા અર્થમાં યોગીજીના દિવ્ય સમાજનું સર્જન કર્યું.

શિક્ષણ અને સંસ્કારનો સમન્વય સાધીને જીવંત માનવમંદિરોનાં નિર્માણમાં માનતા હરિપ્રસાદ સ્વામીજી મહારાજે વિદ્યાધામોનાં સર્જન કરાવ્યાં છે. જેમાં આત્મીય યુનિવર્સિટી-રાજકોટ, આત્મીય વિદ્યા મંદિર – કોળીભરથાણા (સુરત), સર્વનમન ગર્લ્સ એકેડેમી – ઝાડેશ્વર(ભરુચ), શ્રી વિજય વિદ્યા મંદિર – અવિધા, આત્મીય વિદ્યાનિકેતન – અમદાવાદ, આત્મીય વિદ્યાધામ- વડોદરા અને વલ્લભવિદ્યાનગરનો સમાવેશ થાય છે.

કોઠારી પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીએ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં જીવન અને કાર્ય વિષે વાત કરતાં જણાવ્યું છે કે, યોગીજી મહારાજે યુવકોની સભા દ્વારા ચૈતન્ય મંદિરોનાં નિર્માણનો પ્રારંભ કર્યો ત્યારે હરિપ્રસાદ સ્વામીજી એટલે કે પૂર્વાશ્રમના પ્રભુદાસભાઈ પાયાના પથ્થર બનેલા. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની ઉક્તિ  ‘યુવકો મારૂં હ્રદય છે!’ને હરિપ્રસાદ સ્વામીજીએ ‘યુવકો મારૂં સર્વસ્વ છે!’ તરીકે સ્વીકારી હતી અને પ્રભુમાન્ય જીવન જીવતા સંસ્કારી યુવાનોથી સમાજ સમૃધ્ધ બને તે બાબતને પોતાનું યુગકાર્ય બનાવી લીધું હતું.

ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયમાં અંધશ્રધ્ધા, વ્હેમ, કુરિવાજો, દારૂ,ચોરી, લુંટફાટ જેવાં દુષણો હતાં તો આજના સમયમાં વ્યસનો, સંસ્કારહીનતા, અસંયમી માનસિકતા, તાણ જેવાં દુષણો છે. ભગવાન સ્વામિનારાયણે એ સમયના દુષણોને નાથવાનું કાર્ય કરેલું.  તે જ પરંપરામાં હરિપ્રસાદ સ્વામીજી વર્તમાનના દુષણોથી સમાજ મુક્ત થાય તે માટે પ્રયત્નશીલ રહ્યા. દેશમાં સર્જાતી કુદરતી અને માનવ સર્જિત આફતો વખતે હરિપ્રસાદ સ્વામીજીની પ્રેરણાથી યોગી ડિવાઈન સોસાયટી સાથે સંલગ્ન સંતો-ભક્તો અવિરત સેવાકાર્યો દ્વારા આત્મીયતાનો અહેસાસ કરાવતા હોય છે. બીમારીને કારણે વિચરણ ન થઈ શકતું હોય અને ભક્તોને તેમની સમસ્યાઓનાં સમાધાન માટે મળી શકાતું ન હોવાથી સ્વામીજીને પોતાનો દેહ સાથ નથી આપી રહ્યો એવું લાગી રહ્યું હતું.  આ પ્રકારની લાગણી તેઓશ્રી અવારનવાર સંતો-સેવકો પાસે વ્યક્ત કરતા હતા. પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીએ ઉમેર્યું છે કે, સત્પુરુષ ક્યારેય પૃથ્વી પરથી વિદાય થતા જ નથી. પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ તેઓશ્રીએ કરેલાં યુગકાર્યથી સદૈવ આપણી સાથે રહેશે. લાખો ભક્તોના હ્રદયમાં તેઓશ્રીએ પ્રતિષ્ઠિત કરેલ સેવા, ભક્તિ, આત્મીયતા, સુહ્રદભાવ અને દાસત્વના સંસ્કારોથી સન્નિધિ અનુભવાશે.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ યોગી ડીવાઇન સોસાયટી ના પરમાધ્યક્ષ અને  આત્મીય  સમાજ આત્મીય યુનિવર્સિટી ના પ્રણેતા પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના દેહ વિલય અને પરમધામ ગમન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે

મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે યુવાઓ માં વ્યસન મુક્તિ ,શિક્ષા પ્રણાલી ના પ્રચાર પ્રસાર સાથે આધ્યાત્મિકતા અને સમાજ માટે સમર્પિત થવાનો સેવા ભાવ ઉજાગર કરવામાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ આજીવન સેવારત રહી આપેલું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે..

તેમના દેહ વિલય અને  પરમધામ ગમન થી લાખો શોકમગ્ન અનુયાયીઓ ના દુ:ખમાં સહભાગી થતાં  વિજય ભાઈ રૂપાણીએ સ્વામી ના આત્મા ની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી છે.

તારીખદર્શનનો સમયપ્રદેશ
આજેહરિધામ પરિવાર
બુધવાર, તા.28 જુલાઈસવારે 8:00 થી 12:00કૃષ્ણજી પ્રદેશ
જ્ઞાનયજ્ઞ પ્રદેશ
સેવાયજ્ઞ પ્રદેશ
બપોર 12: થી 4:00પુરૂષોતમ પ્રદેશ
સર્વાંતીત પ્રદેશ
જાગાસ્વામી પ્રદેશ
અક્ષર પ્રદેશ
સાંજે 4:00 થી 8:00આત્મીય પ્રદેશ
યોગીસૌરભ પ્રદેશ
ભગતજી પ્રદેશ
ગુરૂવાર, તા.29 જુલાઈસવારે 8:00થી 12:00ઘનશ્યામ પ્રદેશ
સંતસૌરભ પ્રદેશ
સહજાનંદ પ્રદેશ
બેંગ્લોર મંડળ તથા દક્ષિણ ભારત
બપોર 12:00થી 4:00શ્રીહરિ પ્રદેશ
સુનૃતપ્રદેશ
ધર્મભકિત પ્રદેશ
નારાયણ પ્રદેશ
યોગીજી પ્રદેશ
સાંજે 4:00 થી 8:00સનાતન પ્રદેશ
શુક્રવાર, તા.30 જુલાઈસવારે 8:00થી 12:00સુહૃદ પ્રદેશ
હરિવંદન પ્રદેશ
ગોપાળાનંદ પ્રદેશ
હરિકૃષ્ણ પ્રદેશ
નીલકંઠ પ્રદેશ
બપોરે 12:00 થી સાંજે: 800નિર્ગુણ પ્રદેશ
ગુણાતીત પ્રદેશ
ભૂલકું પ્રદેશ
શ્રીજીમહારાજ પ્રદેશ
પંજાબ મંડળ
શનિવાર, તા.31 જુલાઈસંતો-મહાનુભાવો-મહેમાનો તથા ગુણાતીત સમાજના મૂકતો
રવિવાર, તા.1 ઓગષ્ટઅંતિમ સંસ્કારવિધિદરેક પ્રદેશમાંથી સિલેકટેડ મુકતો

Swamiji

હરિપ્રસાદ સ્વામીજી પ્રાગટ્ય દિન ‘આત્મીય પર્વ’ તરીકે મનાવાય છે

આત્મીય સમાજ દ્વારા કોઇપણ ઉત્સવ ઉજવવાનું આયોજન થાય ત્યારે સ્વામીજીની ભાવના એક જ રહેતી કે, ઉત્સવના કેન્દ્રમાં યુવાનો હોવા જોઈએં.  કારણકે સ્વામીજી માનતા કે, ‘જો યુવાનો બચશે તો દેશ બચશે. સંસ્કૃતિના સંસ્કારો બચશે.  ભારતને તેની આર્થિક સધ્ધરતા નહીં; પવિત્ર, પ્રમાણિક, આત્મીય અને વિવેકી યુવાનો પુન: પરમ વૈભવના શિખરે પહોંચાડશે.  એટલા માટે જ જીવનના આઠમા દાયકામાં પણ યુવાનો જેવી સ્ફૂર્તિ અને અભિગમથી સતત સેવારત રહેતા.  તેઓશ્રીનો પ્રાગટ્ય દિન પ્રતિવર્ષ ‘આત્મીય પર્વ’ તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે આંતરરાષ્ટ્રીય યુવા સંમેલન ઉપરાંત વિવિધ સેવા યજ્ઞોનું આયોજન કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.