Abtak Media Google News

આમરણ ઉપવાસ આંદોલન ઉગ્ર બન્યુ: ‘પબુભા આહિર સમાજની માફી માંગે’ની માંગ સાથે ઉપવાસ પર ઉતરેલા યુવાનનો આજે સાતમો દિવસ

ઉપલેટામાં આમરણ ઉપવાસ પર ઉતરેલા મયુર સોલંકીના સમર્થનમાં સમસ્ત આહિર સમાજે મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું છે. પૂ.મોરારીબાપુ પર થયેલા હુમલાના વિરોધમાં પબુભા આહિર સમાજની માફી માંગેની માંગ સાથે આ ઉપવાસ આંદોલન ઉગ્ર બન્યું છે. ઉપવાસ પર ઉતરેલા યુવાનનો આજે સાતમો દિવસ છે ત્યારે ધર્મની લડતમાં સૌરાષ્ટ્રભરમાં આહિર સમાજ દ્વારા ઠેર-ઠેર ધરણાં, આવેદનપત્ર અપાઈ રહ્યા છે.

આવેદનમાં જણાવ્યા મુજબ મોરારીબાપુ ઉપર પબુભા માણેકએ હુમલો કરેલ તેમ છતાં તેની સામે કોઈ પગલા લેવામાં ન આવતા છેલ્લા ૭ દિવસથી ઉપલેટાનો આહિર યુવાન મયુર દિનેશભાઈ સોલંકી આમરણાંત ઉપવાસ કરી રહેલ છે. આજે ઉપવાસનો સાતમો દિવસ હોય અને આટલા દિવસથી ન્યાય મેળવવા માટે અને સત્ય હકિકત માટેની લડત માટે આમરણાંત ઉપવાસ કરી રહેલ હોય તેમ છતાં ગુજરાત સરકાર તરફથી પબુભા માણેક સામે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી જે પણ સંવેદનશીલ સરકારની કામગીરી સામે પ્રશ્ર્નાર્થ ઉભો કરે છે.

આ યુવાન પ્રત્યે સરકાર તરફથી કોઈ સંવેદના દાખવવામાં આવેલ નથી તેવું જણાઈ રહ્યું છે. આ યુવાન પણ ગુજરાતનો નાગરિક છે અને ગુજરાતનાં યુવાધનનો એક ભાગ જ છે તેમ છતાં પબુભા માણેક એટલે કે સરકારના નેતાને બચાવવા માટે એક યુવાનનો ભોગ લેવાઈ જાય તેવી આહિર સમાજને ભીતી  વર્તાઈ રહી છે. આ બાબતે તાત્કાલિક અસરથી યોગ્ય નિવેડો લાવવા અને આમરણાંત ઉપવાસ કરી રહેલ યુવાન મયુર દિનેશભાઈ સોલંકીની માંગને પૂર્ણ કરવામાં આવે તેવી સમસ્ત આહિર સમાજ-ઉપલેટાવતી લાગણી અને માગણી સાથે મુખ્યમંત્રીને આવેદન પાઠવાયું છે. આહિર સમાજની આગેવાનીમાં અપાયેલા મામલતદારને આવેદનપત્ર વેળાએ આહિર સમાજનાં ઉપપ્રમુખ રણજીતભાઈ હુંબલ, મંત્રી હરદાસભાઈ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગર, નગરપાલિકાનાં પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા, આહિર સમાજના પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ સુવા, પૂર્વ નગરપતિ જેઠાભાઈ ડેર, સરપંચ મંડળનાં નારણભાઈ ગઢાળા, વિનુભાઈ ચંદ્રવાડિયા, નગર પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ ભાવેશભાઈ સુવા, દુધ મંડળીનાં પ્રમુખ કમલેશભાઈ ચંદ્રવાડિયા, ભુપતભાઈ આહિર, ઓધડભાઈ ચંદ્રવાડિયા, કાનભાઈ સુવા વિગેરે આગેવાનો જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.