ગુજકેટના તમામ વિદ્યાર્થીઓને પરિણામ પહેલા જ બે ગુણ અપાયા

ફિઝિલ્સ-કેમેસ્ટ્રીના પેપરમાં 2 પ્રશ્નોમાં ભૂલ

શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પ્રોવીઝનલ આન્સર કી જાહેર કરાઈ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શુક્રવારે જાહેરાત કરી હતી કે, ગુજરાત કોમ એન્ટ્રન્સ ટેસ્ટ આપનારા તમામ વિદ્યાર્થીઓને બે માર્ક્સ ફાળવવામાં આવશે. શુક્રવારે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરનારા બોર્ડે તેમાંથી ભૂલ નીકળ્યા બાદ આ નિર્ણય લીધો હતો.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે 6 ઓગસ્ટના રોજ યોજાયેલી રાજ્ય કક્ષાની પરીક્ષા માટે કુલ 1.17 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. અભ્ચાસક્રમ 30 ટકા ઘટાડ્યા બાદ ચાર મુખ્ય વિષયોમાં ચાર કલાકના સમયગાળામાં પરીક્ષાઓ લેવામાં આવી હતી.

પ્રશ્રનો એમસીક્યૂ ફોર્મેટમાં હતા અને વિદ્યાર્થીઓએ ઓએમઆર આન્સર શીટનો ઉપયોગ કરીને પરીક્ષા આપી હતી. ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષયના સંયુક્ત પ્રશ્નપત્રમાં બે ભૂલો મળી આવી હતી અને તેથી પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને બે માર્ક્સ ફાળવવામાં આવશે તેવું આન્સર કી જાહેર કરતી વખતે જીએસએચએસઇબીએ જણાવ્યું હતું. એક ભૂલ ફિઝિક્સમાં હતી જ્યારે બીજી ભૂલ કેમેસ્ટ્રી સેક્શનમાં, તેવું એક નોંધમાં જણાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, છ ઓગસ્ટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓ 17 ઓગસ્ટ સુધી આન્સર કી સામે વાંધા રજૂ કરી શકે છે. જો કોઈ પ્રશ્નમાં ખામી અથવા ભૂલ હોય તો વિદ્યાર્થીઓ વાંધા અરજી કરી શકે છે અને જરૂરી પુરાવા સાથે ઓબ્જેક્શન ફી ભરીને સબમિટ કરી શકે છે. પડકારવામાં આવેલા પ્રતિ પ્રશ્નની ઓબ્જેક્શન ફી 500 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ગુજકેટની આન્સર કીને પ્રોવિઝનલ અને ફાઈનલ કી એમ બે ભાગમાં વહેંચી છે. ગુજકેટનું રિઝલ્ટ ફાઈનલ કીના આધારે તૈયાર કરવામાં આવશે.