Abtak Media Google News

આને કહેવાય દેશદાઝ…

ઈઝરાયલના વડાપ્રધાન અને વિરોધ પક્ષના નેતા વચ્ચે કોરોનાને ભરી પીવા સમજૂતી થઈ: સરકારની દરેક વાતનો વિરોધ કરનાર વિપક્ષો માટે ઈઝરાયલના નેતાઓએ ઐતિહાસિક ઉદાહરણ પૂરું પાડ્યું

કોરોના વાયરસ સામેની જંગમાં પક્ષાપક્ષી ભુલીને એક થઈ લડવાનો અનોખો દાખલો ઈઝરાયલે વિશ્ર્વ સમક્ષ બેસાડ્યો છે. પોતાના નાગરિકોને નુકશાન કરનારને ખો ભુલાવી દેતી ઈઝરાયલ સરકાર અને વિરોધ પક્ષ સાથે મળી વાયરસને નાથવાનો નિર્ણય કરી ચૂકયા છે. તાજેતરમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામીન નેતાન્યાહુ અને વિરોધ પક્ષના નેતા વચ્ચે બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી ચૂંટણી મોકુફ રાખીને સમગ્ર ધ્યાન કોરોના વાયરસ ઉપર કેન્દ્રીત કરવા બન્ને નેતાઓએ સહમતી દર્શાવી હતી. ઈઝરાયલના સત્તાપક્ષ અને વિરોધપક્ષે દાખવેલી પરિપકવતા ભારત માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.

Advertisement

ઈઝરાયલ આજુબાજુ છ દુશ્મન દેશોથી ઘેરાયેલો ટચુકડો દેશ છે. ઈઝરાયલની સ્થાપના વખતે થયેલો સંઘર્ષ આખુ જગત જાણે છે. ઈઝરાયલે એકલા હાથે દુશ્મનોને આપેલી હારનું સાક્ષી આખુ વિશ્ર્વ છે. વર્તમાન સમયે ઈઝરાયલના નાગરિકને નુકશાન પહોંચાડતા પહેલા દુશ્મનોએ બે વખત વિચારવું પડે તેવી સ્થિતિ છે. પોતાના એગ્રેસીવ વલણ માટે જાણીતું ઈઝરાયલ કોરોના સામે પણ એક થઈને લડવા જઈ રહ્યું છે.

ભારતમાં પણ વિરોધ પક્ષોને સાથે મળી કોરોના સામે લડવાનું આહ્વાન વડાપ્રધાન મોદીએ કર્યું હતું. પરંતુ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપવાની તસ્દી પણ લેવામાં આવી ન હતી. કોરોના જેવી મહામારી સામે લડવામાં વડાપ્રધાન દ્વારા થયેલા આહ્વાન તો ઠીક નાગરિકોની સુરક્ષા મુદ્દે પણ વિરોધ પક્ષે ગંભીરતા દાખવી ન હોવાનું ઉપસી રહ્યું છે જે ભારતીય લોકશાહીની અપરિપકવતા તરફ આંગળી ચિંધે છે.

અલબત ઈઝરાયલની વાત અલગ છે. ત્યાંના નેતાઓ દ્વારા કોરોના સામે હાથથી હાથ મિલાવી સંઘર્ષ કરવાનો નિર્ણય લેવાયો છે. ઈઝરાયલના રાષ્ટ્રપતિ રિવેન રેવલીન દ્વારા સત્તાધારી અને વિરોધ પક્ષ વચ્ચે થયેલી સમજૂતીને સ્વીકારવામાં આવી હતી અને સંસદ પડી ભાંગે તે પહેલા બન્ને પક્ષો સાથે મળીને કોરોના વાયરસ સામે લડશે તેવું નિશ્ર્ચિત કરાયું હતું. અગાઉ  ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહુ ઉપર ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો કરનાર વિરોધ પક્ષના નેતાએ કોરોના વાયરસની સ્થિતિમાં નેતાન્યાહુની સરકાર સાથે મળીને કોરોનાને મહાત કરવા આગળ આવી રહ્યાં છે.

નોંધનીય છે કે, કોરોના વાયરસની મહામારીએ વિશ્ર્વમાં લાખો પરિવારોને બરબાદ કર્યા છે. ચીન, અમેરિકા, ઈટાલી, સ્પેન જેવા શક્તિશાળી દેશોની હાલત મહામારીએ ખરાબ કરી નાખી છે. ભારતમાં પણ ૨૧ દિવસના લોકડાઉનને લંબાવવામાં આવ્યું છે. આર્થિક રીતે નુકશાન પહોંચાડનાર કોરોના વાયરસ સામે લડવા માટે અલગ અલગ દેશો પોતાની અનુકુળતા મુજબ પગલા લઈ રહ્યાં છે. અમેરિકા અને ભારત જેવા લોકતંત્રમાં વિરોધ પક્ષોને સાથે લઈને ચાલવા માટે પ્રયત્નો થયા છે. જેમાં સંપૂર્ણ સફળતા મળી શકી નથી પરંતુ ઈઝરાયલ દ્વારા વિશ્ર્વને અલગ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. કોરોના સામે લડવામાં જેમ આતંકવાદ સામે ઈઝરાયલ પગલા ભરે છે તેવી જ રીતે પગલા લેવાઈ રહ્યાં છે. આતંકવાદ અને દુશ્મન દેશોને જડમુળથી ઉખાડી ફેંકનાર ઈઝરાયલ દેશદાઝનું અનેરૂ  ઉદાહરણ વિશ્ર્વને આપી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ૧૧૮૦૦ પોઝિટીવ કેસ નોંધાઈ ચૂકયા છે અને ૧૧૭ લોકોના મોત કોરોનાના કારણે થયા છે. કોરોના મહામારીના કારણે ઈઝરાયલ અર્થતંત્રને પણ ગંભીર અસર પહોંચી છે. બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. આવી સ્થિતિમાં ઈઝરાયલમાં વિરોધ પક્ષો દ્વારા સરકાર પર આક્ષેપો કરવાની જગ્યાએ સરકારની સાથે રહીને કામ કરવાનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.