Abtak Media Google News

શું ઉદ્ધવ ઠાકરે ભાજપના ઘૂંટણીયે પડી જશે?: મહારાષ્ટ્રની રાજકીય પ્રવાહીતા દેશ આખાના રાજકારણનું ભાવિનું નિર્માણ કરશે!

મેજીક ફીગરે પહોંચી શિવસેના રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો રજૂ કરશે?

મહારાષ્ટ્ર રાજય રજવાડાઓનાં સમયથી ધાર્મિક, સામાજીક અને રાજકીય ચળવળનું કેન્દ્રબિંદુ રહ્યું છે. મહારાષ્ટ્રમાં સર્વોપરિતાને અતિ મહત્વ આપવામાં આવતું હોય સર્વોપરિતાની આ લડાઈને દેશના રાજકારણને નવી દશા અને દિશા નકકી કરવાનું કાર્ય હંમેશા કર્યું છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પહેલા અને બાદમાં ભાજપ અને શિવસેના વચ્ચે સર્વોપરિતાની લડાઈ ચાલી રહી છે. જેથી ભાજપ-શિવસેના યુતિને સ્પષ્ટ બહુમતિ મળી હોવા છતાં પરિણામના ૧૫ દિવસ બાદ પણ નવી સરકારની રચના થઈ શકી નથી. રાજકારણમાં સર્વોપરિતાની લડાઈના કારણે એકપણ પક્ષ બીજા પક્ષને નમતુ આપવાના મૂડમાં ન હોય મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની ઘડીઓ ગણાય રહી છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ શાસન અને ફરીી આવનારી ચૂંટણીના અપજશી બચવા તમામ પાર્ટીઓ એકબીજાને ચેકમેટ આપવા લાગી છે.

ગત ૨૪મી ઓકટોબરે મહારાષ્ટ્ર વિધાનસભાના જાહેર યેલા પરિણામોમાં ૨૮૮ બેઠકોમાંથી ગઠબંધન કરીને ચૂંટણી લડેલા ભાજપને ૧૦૫ જ્યારે શિવસેના ૫૬ બેઠકો મળી હતી. આમ આ બન્ને પક્ષોને ૧૬૧  બેઠકો મળી હતી જે સ્પષ્ટ બહુમતિ ૧૪૫ બેઠકો કરતા વધારે હોવા છતાં ભાજપ અને શિવસેનાએ સાથે સરકાર રચવાના બદલે એકબીજા સામે સર્વોપરિતાનો જંગ મંડાયો હતો. શિવસેનાએ પહેલા અઢી વર્ષ માટે પોતાના મુખ્યમંત્રી ઉપરાંત સરકારમાં પણ ભાગીદારીની માંગણી કરી હતી. ભાજપે પણ શિવસેનાની આવી માંગ સામે ઝુકવાના બદલે હું તો મરુ તને પણ… કરુ જેવું અડગ વલણ અપનાવ્યું હતું. જેથી અકળાયેલી શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસની મદદી સરકાર રચવાનો દાવો કરી નાખીને રાજકીય બ્લેક મેઈલીંગ શરૂ કર્યું હતું.

પરંતુ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી શિવસેનાના કાયમી રાજકીય દબાણ સામે હવે ભાજપે નહીં ઝુકવાનો નિર્ણય કર્યો છે. જો ભાજપ શિવસેના સામે ઝુકી જાય તો દેશભરમાં કોંગ્રેસ કરતા પણ મજબૂત રાજકીય પાર્ટી તરીકે ઉપસી રહેલા ભાજપને અન્ય રાજ્યોમાં તેના સહયોગી પક્ષો પણ રાજકીય દબાણ શરૂ કરે તેવી સ્થિતિ ઉભી થવાની સંભાવના હોય જેથી ભાજપે આ વખતે શિવસેનાના દબાણ સામે ઝુકવાના બદલે સરકાર રચવાનું શકય ન બને તો રાષ્ટ્રપતિ શાસન લાવીને ફરીથી વિધાનસભાની ચૂંટણીઓ યોજીને શિવસેનાના રાજકીય દબાણને ચૂંટણી મુદ્દો બનાવીને સ્પષ્ટ બહુમતિનો જનાદેશ મેળવવાનું મન બનાવ્યું છે. ટૂંક સમયમાં અયોધ્યા વિવાદ કેસનો સુપ્રીમ કોર્ટ ચૂકાદો આપનારી છે. જેમાં હિન્દુ પક્ષોની જીત નિશ્ર્ચિત મનાય રહી છે. જેથી મહારાષ્ટ્રમાં શિવસેના બાબરી મસ્જિદને દોડી પાડવા તેમના કાર્યકરોએ કરેલી કાર સેવાને મુદ્દો બનાવે તેવી સંભાવના છે.

જેથી આગામી દિવસોમાં ધાર્મિક રીતે સંવેદનશીલ ગણાતા મહારાષ્ટ્ર રાજ્યમાં હિન્દુત્વનો મુદ્દો ઉપર જશ ખાટવા ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ થવાની સંભાવના છે. જેથી, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લદાવીને ફરીથી ચૂંટણીઓ યોજાવીને માત્ર મુંબઈ શહેર અને રાજ્યના અમુક વિસ્તારોમાં જ વર્ચસ્વ ધરાવતા શિવસેનાનો કાયમી રાજકીય કાંટો કાઢી નાખવા ભાજપે કમરકસી છે. મહારાષ્ટ્રમાં ભાજપનો આ વ્યૂહ દેશભરનાં રાજ્યોમાં પોતાના ર્સ્વાથ માટે પ્રાદેશિક સાપો લીધા જેવા પક્ષોનો દૂધ પાઈને ફણીધર નાગ બનાવનારા રાષ્ટ્રીય પક્ષો માટે સબકરૂપ ઉદાહરણ પૂરું પાડીને દેશભરના પ્રાદેશિક પક્ષોની રાજકીય દબાણોનો ખતમ કરવાનો છે. આમ, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની ઘડીઓ ગણાય રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષો આ અપજશથી બચવા બીજા પક્ષોને આ સ્થિતિ માટે જવાબદાર ઠેરવીને ચેકમેટ આપવામાં લાગી ગયા છે.

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ચાલી રહેલી અડચણો વચ્ચે ગઈકાલે શિવસેનાના નેતા સંજય રાઉતે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા હતા. આ બેઠક પછી, રાઉતે કહ્યું કે સરકારની રચના અંગે ચાલુ અડચણો માટે તેમનો પક્ષ જવાબદાર નથી. તેમણે કહ્યું કે જેની પાસે બહુમતી છે તે સરકાર બનાવશે. તેમણે કહ્યું કે અમે હાલની પરિસ્થિતિ વિશે રાજ્યપાલ સાથે વાત કરી છે.રાઉતે કહ્યું કે રાજ્યપાલ સાથેની આ બેઠક રાજકીય નહોતી. આ બેઠક દરમિયાન રાજ્યપાલ અને રાઉત વચ્ચે રાજ્યની રાજકીય પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે અમે રાજ્યપાલ સમક્ષ અમારી વાત કરી હતી, જે તેમણે ખૂબ સારી રીતે સાંભળી હતી. અમે તેમને ફક્ત એટલું  જ કહ્યું હતું કે, સરકાર નથી બની રહી અને આ માટે અમારી પાર્ટી જવાબદાર નથી.

મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈને ચાલી રહેલી અડચણ વચ્ચે શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે રવિવારે કહ્યું હતું કે મુખ્યમંત્રી પદના મુદ્દે તેમની પાર્ટી ભાજપ સાથે જ વાત કરશે. રાજ્યમાં ૨૪ ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ મુખ્યમંત્રી પદને લઈને બંને ગઠબંધન ભાગીદારો વચ્ચે મડાગાંઠ થઈ હતી. આ ચૂંટણીમાં શિવસેનાએ ૫૬ બેઠકો અને ૨૮૮ સદસ્યોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપે ૧૦૫ બેઠકો જીતી હતી.રાઉતે પત્રકારોને જણાવ્યું હતું કે ડેડલોક ચાલુ છે. સરકારની રચના અંગે હજી સુધી કોઈ ચર્ચા થઈ નથી. જો વાત કરવામાં આવે તો તે માત્ર મુખ્યમંત્રી પદ વિશે હશે. રાઉતે વધુમાં કહ્યું હતું કે અમારી પાસે ૧૭૦થી વધુ ધારાસભ્યોનો ટેકો છે. જે મેજીક ફિગર કરતા ૧૭૫ પણ હોઈ શકે છે. બીજી તરફ, શિવસેનાના મુખપત્ર સામનાની સાપ્તાહિક સ્તંભમાં રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના અંગેનો રાજકીય અડચણ ઘમંડની કાદવમાં અટવાયેલા રથ જેવો છે. તેમણે ચેતવણી આપતા, કહ્યું હતું કે આ પગલું ભાજપની સદીની સૌથી મોટી હાર હશે.

દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના પ્રમુખ શરદ પવારે સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. જે બાદ પવારે જણાવ્યું હતું કે, ભાજપ અને શિવસેનાને રાજ્યમાં સરકાર બનાવવાનો જ્યારે અમને ે વિપક્ષમાં બેસવાનો આદેશ મળ્યો છે, પરંતુ ’તમે ભવિષ્ય વિશે કશું કહી શકતા નથી.  પવારે કહ્યું કે તેમને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તરફથી કોઈ દરખાસ્ત મળી નથી. એક અહેવાલ છે કે પવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયાને શિવસેનાથી અંતર રાખવા અને તેમના પક્ષના રાજ્ય એકમને લીલી ઝંડી આપી દેવા માટે તેમના સ્ટેન્ડ પર પુનર્વિચારણા કરવા જણાવ્યું છે. કોંગ્રેસના નેતાઓ કહે છે કે સેનાએ ભાજપ સાથેના જોડાણમાંથી બહાર આવવું પડશે. તો જ તેમની પાર્ટી કોઈપણ પ્રકારના જોડાણ અંગે વિચાર કરી શકે છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય કોંગ્રેસ એકમ સોનિયા ગાંધીને ગયા અઠવાડિયે કહ્યું હતું કે રાજ્યમાં ભાજપને સત્તા પર રોકવા માટે કોંગ્રેસે પગલાં ભરવા જોઈએ. તેમણે કહ્યું કે, બેઠક દરમિયાન સંમતિ થઈ કે ભાજપને સત્તામાં આવતા અટકાવવું જોઈએ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કોંગ્રેસ સેનાની આગેવાનીવાળી સરકારમાં જોડાશે, તો તેમણે કહ્યું કે કોંગ્રેસ-એનસીપીની પહેલી પ્રાથમિકતા ભાજપને સત્તાથી દૂર રાખવાની છે. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે સરકારમાં જોડાવા અથવા બહારથી ટેકો આપવાના મુદ્દે હજી સુધી નિર્ણય લીધો નથી પરંતુ અમારો પ્રયાસ ભાજપને સત્તામાં આવતા અટકાવવાનો છે.

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મહારાષ્ટ્રમાં સરકારની રચના માટે શિવસેનાને સમર્થન આપવાનો ઇનકાર કર્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ એનસીપીના વડા શરદ પવાર નવી દિલ્હી આવ્યા હતા અને સરકારની રચનાની શરતો પર ભાજપના સાથી શિવસેના સાથે ચાલી રહેલા ઝઘડા વચ્ચે સોનિયાને મળ્યા હતા.સોનિયાના નિવેદનનો અંત આવ્યા બાદ એવી અટકળો ચાલી રહી હતી કે કોંગ્રેસ-એનસીપી ગઠબંધન શિવસેનાને ટેકો આપી શકે છે. સોનિયાને મળ્યા બાદ પવારે આ મુદ્દો જાહેર કર્યો ન હતો. એનસીપીના વડા સાથેની બેઠક બાદ પાર્ટીના નેતાઓ અજિત પવાર અને પ્રફુલ પટેલે મીડિયાને કહ્યું, કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને વિપક્ષમાં બેસવાનો આદેશ મળ્યો છે. અમારી પાસે સરકાર બનાવવાની સંખ્યા પણ નથી, જેમની પાસે સંખ્યા છે. તેઓએ સરકાર બનાવવી જોઈએ.

આમ, તમામ રાજકીય ઘટના ચક્રએ સ્પષ્ટ કર્યુ છે કે શિવસેનાને એનસીપી કે કોંગ્રેસ ટેકો આપવાના મુડમાં નથી. જેથી શિવસેનાને ભાજણ સામે ઘુંટણીએ પડીને તેમની સરકારની ટેકો આપવા સિવાય બીજો વિકલ્પ નથી. શિવસેના સુપ્રિમો ઉઘ્ધવ ઠાકરે તેમના પુત્ર આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રીપદ  અપાવવા ધૃતરાષ્ટ્ર બન્યા હોય તેઓ પણ ભાજપ સામે ઝુકે તેવી ખુબ જ ઓછી સંભાવના છે. જેથી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની સંભાવનાઓ વધી જવા પામી છે. જેથી દરેક પક્ષો આ સ્થિતિ માટે પોતાની જવાબદારી બીજા પક્ષ પર ઢોળીને રાજકીય ચેકમેટ આપવામાં વ્યસ્ત થઇ જવા પામ્યા છે. જેથી આગામી વિધાનસભા ચુંટણીમાં પોતાની સામે આક્ષેપ કરવાનો આ રાજકીય મુદ્દો ના મળે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.