Abtak Media Google News

Table of Contents

  • નાના માણસોની મોટી બેંકનો વિવાદ વકર્યો
  • એક તરફ નાગરિક બેન્ક બચાવો સંઘે એક પછી એક કૌભાંડોના કર્યા આક્ષેપ, બીજી તરફ બેંકે કૌભાંડો નકારી બેંકને બદનામ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવાની કરી જાહેરાત

રાજકોટ ન્યૂઝ :  નાના માણસોની મોટી બેન્ક ગણાતી નાગરિક બેન્ક જેના ઉપર સેંકડો લોકોએ વિશ્વાસ મુક્યો છે. આ બેંકને લઈને આક્ષેપ- પ્રતિ આક્ષેપો શરૂ થઈ ગયા છે.આ બેંકનો વિવાદ વકર્યો છે.એક તરફ નાગરિક બેન્ક બચાવો સંઘે એક પછી એક કૌભાંડોના આક્ષેપ કર્યા છે તો બીજી તરફ બેંકે કૌભાંડો નકારી બેંકને બદનામ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે.

70 વર્ષ જૂની રાજકોટ નાગરિક બેન્કમાં ગ્રાહકો, થાપણદારો, સભાસદો અને લોન લેનારા સહિત 10 લાખ લોકો સીધી કે આડકતરી રીતે જોડાયેલા છે ત્યારે છેલ્લા દોઢ વર્ષથી આ બેન્કના કૌભાંડો, અણઘડ ગેરવહીવટના આક્ષેપો સાથે આરએસએસ સાથે જોડાયેલા લોકો દ્વારા નાગરિક બેન્ક બચાવો સંઘ અસ્તિત્વમાં આવ્યું છે.

નાગરિક બેન્ક બચાવો સંઘ બનાવીને ચંદુભા પરમાર, પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયા, અપના બજારના પૂર્વ ચેરમેન બાલુભાઈ શેઠ, યુવા અગ્રણી મનીષ ભટ્ટએ નાગરિક બેન્ક સામે લડત શરૂ કરી છે.

ભવ્ય અને ગૌરવવંતો ઇતિહાસ ધરાવતી જનસંધ અને સંઘ પરિવારના હજારો કાર્યકર્તાના લોહી- પસીનાથી રાષ્ટ્રીય કક્ષા એ અગ્રીમ રહેલી 70 વર્ષ જૂની રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી. છેલ્લા દોઢેક વર્ષ થી કૌભાંડ, અણઘડ ગેર વહીવટ, ખુશામત ખોરી, બંધ બારણે ગણ્યા ગાઠયાં સત્તાલાલચુઓની ખાનગી પેઢી બની ગઈ હોય તેમ નવા રચાયેલા સંઘના હોદેદારો જણાવી રહ્યા છે.

તો બીજી તરફ બેન્ક દ્વારા જણાવવામાં આવે છે આ સંગઠન માત્રને માત્ર બેંકના સજા પામેલા કર્મચારીઓ અને હિતશત્રુઓ દ્વારા બેંકને નુકસાન પહોચાડવાના આશયથી બનાવવામાં આવ્યું છે.

નાગરિક બેન્ક દ્વારા મહારાષ્ટ્રમાં 25 લોન આપવામાં કરોડોની છેતરપીંડી

નાગરિક બેન્ક બચાવો સંઘ દ્વારા જણાવાયુ છે કે નાના માણસોની મોટી બેંક ગણાતી રાજકોટ નાગરીક બેંક દ્વારા મહારાષ્ટ્રની કાલબાદેવી શાખામાં 25 લોન આપવામાં બેંક સાથે છેતરપીડી કરવામાં આવી છે. બેંક બચાવો સંધ દ્વારા આ 5 કરોડના કોંભાડ અંગેના દસ્તાવેજી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. જો નાગરીક બેંક સતાધીશો આ બાબતે જવાબદારો સામે કાયદેસર પગલા ન ભરે તો દસ્તાવેજી પુરાવા સાથે વિગતવાર પર્દાફાશ કરવામાં આવશે

રિઝર્વ બેંકે ક્લીનચીટ આપી હોય તો બેન્ક તેનું પ્રમાણપત્ર જાહેર કરે

નાગરિક બેન્ક બચાવો સંઘ દ્વારા જણાવાયુ છે કે કૌભાંડ અંગે પ્રાથમીક માહિતી જાહેર કરી ત્યારે તેનો વિગતવાર સચોટ જવાબ આપવાને બદલે રીઝર્વ બેંકે નાગરીક બેંકને ક્લીનચીટ આપી હોવાનો ખોટો બચાવ બેંક દ્વારા કરવામાં આવેલ છે. રીઝર્વ બેંકે આ બાબતે બેંકને પ્રમાણપત્ર આપ્યું છે તે બેંકના શાસકો અધિકૃત રીતે જાહેર કરે તેવો અમારો ખુલ્લો પડકાર છે.

બેંકમાં અરજદારે ગીરવે મુકેલ મીલ્કતની કિંમત 3 ગણી વધુ આંકવામાં આવી

લોનના અરજદારની લોન પરત કરવાની આર્થિક ક્ષમતાના ધારાધોરણો લોન આપવામાં જાળવવામાં આવ્યા નથી મોટા ભાગના કિસ્સામાં લોન માટે બેંકમાં અરજદારે ગીરવે મુકેલ મીલ્કતની વાસ્તવીક કિંમત કરતા 3 ગણી કિંમત આંકવામાં આવી છે. લોન લેનાર લાભાર્થીના ખાતામાંથી લોન આપનાર અધીકારીના ખાતામાં અઢળક આર્થિક વ્યવહારો થયા હોવાનું બેંકના ઈન્વેસ્ટીગેશન રીપોર્ટમાં શોધી કાઢવામાં આવ્યું છે. આ ગંભીર કૃત્યમાં બેંકના વેલ્યુઅરની ભુલ હોય તેવું માનવાને કોઈ કારણ નથી. બેંકના અધીકારી હેમાંગ ઢેબર તથા તેજસ મહેતાએ આપેલો અહેવાલ ખૂબ ગંભીર અને ચોંકાવનારો છે. જેમાં લોન આપવામાં નિતિનિયમોને ઘોળીને પી જવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થાય છે.

અમે બેંક પરિવારના જ સભ્યો, બેંકના હિત માટે અમે આ અભિયાન શરૂ કર્યું

નાગરિક બેન્ક બચાવો સંઘ દ્વારા જણાવાયુ કે અમે માત્ર બેંકના હિત માટે સ્વ. અરવિંદભાઈ મણીયાર, સ્વ. લાલજીભાઈ રાજદેવ, વજુભાઈ વાળા, સ્વ. ચંદ્રકાંતભાઈ પાવાગઢી સહિતના અનેક સહકારી અગ્રણીઓએ અથાગ પરીશ્રમ કરી આ બેંકને ઉચ્ચ સ્થાને લઈ જવા માટે નિષ્ઠાપૂર્વક પસીનો વહાવીને પ્રયાસ કરેલ છે તેને ડાઘ લાગવા દેવા માંગતા નથી. આ સત્ય ઉજાગર કરવા માટેની લડાઈ છે. બેંક સાથે છેતરપીંડી કરનારને યોગ્ય સજા કરાવવાની લડાઈ છે. બેંકની ચિંતા કરનારા નાગરીક બેંક પરીવારના જ સભ્યો છીએ અને બેંકના હિત માટે બેંકને થતું નુકશાન અટકાવવા માટે અને લાખો નાના ડીપોઝીટરના નાણાંની સુરક્ષા માટે આ અભિયાન શરૂ કરેલ છે.

કથિત સંસ્થા અને હોદેદારો સામે બદનક્ષીનો દાવો તથા કાયદેસરનાં પગલા લેવાશે : નાગરિક બેન્ક

’નાગરિક બેંક બચાવો સંઘ’ નામની કહેવાતી સંસ્થા દ્વારા જાહેર થયેલી માહિતી સત્યથી વેગળી, એકતરફી અને બેબુનિયાદ હોવાનું રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. દ્વારા સતાવાર રીતે જણાવાયુ છે. વધુમાં જણાવાયુ છે કે હકીકતે આ કહેવાતી સંસ્થા ખરેખર (પેપર ટાઇગર) છે કે કેમ તે એક મોટો પ્રશ્નાર્થ છે ? કારણ કે, આ કહેવાતી સંસ્થાની તા. 20-5-24ની યાદીમાં જણાવેલ સરનામું અને મોબાઈલ નંબર તથા તા. 24-5-24ની યાદીમાં જણાવેલ સરનામું અને મોબાઈલ નંબર તદ્દન અલગ-અલગ છે. બે-ચાર દિવસમાં જ સંસ્થાનું સરનામું અને મોબાઈલ નંબર બદલતું હોય તો તે ખરેખર છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે. ખરેખર આ બધું કોનું છે, અથવા તો છે કે કેમ તે પણ શંકા ઉપજાવે છે.બેંક દ્વારા આ કથિત સંસ્થા તથા તેના હોદેદાર સામે ટુંક સમયમાં જ બદનક્ષીનો દાવો તથા કાયદેસરનાં પગલા લેવામાં આવનાર છે.

કથિત સંસ્થા બેંકના બાકીદારો, સજા પામેલ પૂર્વ કર્મીઓ તથા હિત શત્રુઓની મીલીભગતથી બની

વધુમાં, નાગરિક બેંકે જણાવ્યું છે કે આ કથિત સંસ્થા બેંકના બાકીદારો, ભુતકાળમાં સજા પામેલ પૂર્વ કર્મચારીઓ તથા બેંકના હિત શત્રુઓની મીલીભગતથી બનેલી સંસ્થા હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે તેમજ આ કથિત સંસ્થા કોના હિતમાં અથવા તો કોના દોરીસંચારથી કામ કરે છે તે તપાસનો વિષય છે.  આમ, આ કથિત સંસ્થા ફક્ત અને માત્ર બેંકના ડિફોલ્ટરોને મદદરૂપ થવા માટે રચાયલ હોય તેમજ બેંકના હિતશત્રુઓ દ્વારા બેંકને બદનામ કરવાના હેતુસર રચાયેલ તેવી શંકા અસ્થાને નથી.

બેન્ક રિકવરી અટકાવવા પ્રેસર ટેક્નિક અપનાવાય

નાગરિક બેન્ક દ્વારા જણાવાયુ છે કે આ કથિત સંસ્થાની સ્થાપનાના ફક્ત થોડા કલાકોમાં જ બેંકની વડોદરા શાખાના મોટા ડિફોલ્ટર હોટલ ઓમ રીજન્સી દ્વારા સંસ્થાનો સંપર્ક કરવામાં આવે છે અને બેંક દ્વારા હાથ ધરાયેલ રીકવરીની પ્રક્રિયાને રોકવા માટે પ્રેસર ટેકનીકનો ઉપયોગ કરાતો હોય તેવી શંકા લાગે છે.

ચંદુભા પરમારે બેંકને કરોડોનો ચૂનો ચોપડ્યો, વિબોધભાઈ દોશીને બેંક દ્વારા નોકરીમાંથી બરતરફ કરાયા હતા

બેન્ક દ્વારા જણાવાયુ છે કે આ કથિત સંસ્થાના કથિત પ્રમુખ ચંદુભા પરમાર અને તેના પરિવાર દ્વારા ભુતકાળમાં બેંકને કરોડો રૂપિયાનો ચુનો લગાડવામાં આવેલ છે તેમજ ચંદુભા પરમારને બેંક દ્વારા ભુતકાળમાં એકથી વધુ વખત ઈજાફા રોકવાની તથા નીચલી પાયરીએ ઉતારવાની શિક્ષા પણ કરાયેલ છે. કથિત સંસ્થાના મહામંત્રી વિબોધભાઈ દોશીને પણ તાજેતરમાં બેંક દ્વારા નોકરીમાંથી બરતરફ કરવામાં આવેલ છે અને ભુતકાળમાં પણ ઈજાફા રોકવાની શિક્ષા બેંક દ્વારા કરવામાં આવેલ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.