Abtak Media Google News

આમ કે આમ ગુટલીઓ કે ભી દામ

કેસર કેરીના ગોટલા સ્વીકારાશે નહીં: આલ્ફાન્સો, રાજાપુરી કે અન્ય જાતની કેરીના ગોટલા લેવાશે

એક મશહુર કહેવત ‘આમ કે આમ ગુટલીઓ કે દામ’ હવે હકિકતમાં પરિવર્તન થવા જઈ રહી છે. કેસર કેરી સિવાયની કેરીની અન્ય જાતના ગોટલા ખરીદવા માટે ઉના-કોડીનાર ફળ રોપા ઉછેર કેન્દ્ર દ્વારા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. અને એક ટન ગોટલાના ભાવ મંગાવવામાં આવ્યા છે. કેરીનો મીઠો સ્વાદ લીધા બાદ લોકો જે ગોટલાઓ કચરાપેટીમાં પધરાવી દે છે તેના પણ હવે પૈસા ઉપજશે.

બાગાયત અધિકારીની કચેરી, ફળ રોપા ઉછેર કેન્દ્ર ઉના અને કોડીનાર દ્વારા આજે કેરીના ગોટલાની ખરીદી કરવા માટે 15 દિવસની મૂદતનું એક ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં કેરીના વેપારીઓ, સામાન્ય નાગરીકો, ખેડુતો, નર્સરી, મેન/કેનિંગ પ્લાન્ટ પાસેથી કેરીના ગોટલાના એક ટનના ભાવો મંગાવ્યા છે. જેમાં કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. જેવી કે, ગોટલા સારી ગુણવતાના અને તાજા હોવા જોઈએ કેસર કેરીના ગોટલાઓ સ્વિકારવામાં આવશે નહી આલ્ફાન્સો, રાજાપુરી કે અન્ય દેશી વેરાયટીની કેરીના ગોટલા સ્વીકારવામાં આવશે.

જે ટેન્ડર મુજબ સાથે તેને જયારે ઓર્ડર આપવામાં આવે ત્યારે કચેરી ખાતે ગોટલા પહોચતા કરવાના રહેશે સામાન્ય રીતે આપણે કેરી ખાય ને તેના ગોટલાનો કચરાપેટીમાં નિકાલ કરી દેતા હોય છીએ પરંતુ હવે વિજ્ઞાને હરણફાળ ભરતા કેરીના ગોટલાના પણ નાણા ઉપજશે. કેરીના ગોટલામાંથી મુખવાસ બનાવવામાં આવે છે.

આ ઉપરાંત અનેક પ્રકારની આયુર્વેદીક દવા બનાવવા માટે પણ કેરીના ગોટલા ખૂબજ ઉપયોગી નિવડતા હોય તેની માગમાં સતત વધારો થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં તો આમ પણ ગૃહિણીઓ કેરીના ગોટલાની સુકવણી કરી તેમાંથી સ્વાદીષ્ટ મુખવાસ બનાવતી હોય છે.

હવે ગોટલા કચરાપેટીમાં નાંખી દેતા પહેલા વિચાર કરવો પડે તેવા સુખદ સંજોગો રચાયા છે.ચૂંસીને ફેંકી દેવાતા ગોટના પણ પૈસા  ઉપજશે તે વાતનો કયારેય કોઇએ વિચાર પણ કર્યા નહી હોય વર્ષોથી એવું કહેવામાં આવે છે કે ‘આમ કે આમ ગુટલીઓ કે દામ’ હવે આ કહેવત સાકાર થઇ રહી છે.

ફળોનો રાજા કેરી હવે સાચા અર્થમાં રાજાશાહી ભોગવી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ અમૃત ફળના ગોટલાના પણ હવે નાણા ઉપજશે. જો કે ખાવામાં અતિ મીઠી લાગતી કેસર કેરીના ગોટલા કોઇ કિંમત ન હોય તેવુેં લાગી રહ્યું છે. ગોટલાની ખરીદી કરવા માટે જે ભાવ મંગાવવામાં આવ્યા છે. તેમાંથી કેસર કેરી છે બાકાત રાખવામાં આવી છે જેના કારણે થોડી ઘણી નિરાશા ચોકકસ જોવા મળી રહી છે. આગામી વર્ષોમાં હવે કેસર કેરીના ગોટલાના ભાવ પણ બોલાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.