Abtak Media Google News

બીજા દેશોના છાત્રો કરતા ભારતના સૌથી વધુ છાત્રોને મળ્યા વિઝા કુલ 82 હજાર જેટલા છાત્રોને અમેરિકામાં ભણવા જવા માટે મળી લીલીઝંડી

અમેરિકામાં શિક્ષણ અને બિઝનેસથી લઈને રાજકારણ સુધીના દરેક ફિલ્ડમાં ભારતીયો ટોચનું સ્થાન મેળવી રહ્યા છે. આગામી સમયમાં પણ અમેરિકામાં જુદા જુદા ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં ભારતીયો જોવા મળશે તેવું વિઝાના આંકડા પરથી કહી શકાય. આ વખતે અમેરિકાના વિઝા મેળવવામાં ભારતે બીજા તમામ દેશોને પાછળ રાખી દીધા છે અને 82,000 ભારતીયોએ સ્ટુડન્ટ વિઝા મેળવ્યા છે. દિલ્હી સ્થિત અમેરિકન દૂતાવાસે જણાવ્યું કે 2022માં તેમણે 82,000 ભારતીય સ્ટુડન્ટને વિઝા આપ્યા છે જે એક રેકોર્ડ છે. બીજા કોઈ પણ દેશ કરતા ભારતીય સ્ટુડન્ટ્સે વધારે વિઝા મેળવ્યા છે.

Advertisement

વિદેશ અભ્યાસમાં વાલીઓની પહેલી પસંદ અમેરિકા

આ અહેવાલ દર્શાવે છે કે મોટા ભાગના ભારતીય પરિવારો પોતાના સંતાનોને હાયર એજ્યુકેશન માટે વિદેશ મોકલવા માંગે ત્યારે તેમની પહેલી પસંદગી અમેરિકા હોય છે. ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં કેટલું યોગદાન આપી રહ્યા છે તે પણ આ વાત પરથી જાણી શકાય છે.

મે અને ઓગસ્ટમાં મહત્તમ વિઝા અપાયા

નવી દિલ્હી ખાતે આવેલા અમેરિકન દૂતાવાસ અને ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈ સ્થિત કોન્સ્યુલેટે મે અને ઓગસ્ટ મહિના દરમિયાન વિદ્યાર્થીઓને વિઝા આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અમેરિકામાં કોલેજો શરૂ થાય તે પહેલા શક્ય એટલા સ્ટુડન્ટ ત્યાં પહોંચી શકે તેના પર ફોકસ કરવામાં આવ્યું હતું.

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે

હાલમાં અમેરિકામાં ભણતા કુલ વિદ્યાર્થીઓમાં ભારતીય સ્ટુડન્ટ્સની સંખ્યા 20 ટકા જેટલી હોય છે. 2021ના ઓપન ડોર રિપોર્ટ પ્રમાણે ગયા એકેડેમિક વર્ષમાં અમેરિકામાં લગભગ 1.70 લાખ ભારતીય વિદ્યાર્થીઓ જુદી જુદી શાખામાં અભ્યાસ કરતા હતા. અમેરિકન દૂતાવાસના અધિકારી પેટ્રિસિયા લેસિનાએ જણાવ્યું કે કોવિડના કારણે ગયા વર્ષે વિઝા ઇશ્યૂ કરવામાં વિલંબ થયો હતો, પરંતુ આ વખતે આટલી મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સને વિઝા આપતા અમને આનંદ થાય છે. આ વખતે અમે 82,000 વિઝા ઇશ્યૂ કર્યા છે જે અત્યાર સુધીનો રેકોર્ડ છે.

યુકેમાં પણ ભારતીયોનો દબદબો

તાજેતરમાં યુકેએ પણ જાહેરાત કરી હતી કે તેણે ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધારે વિઝા આપ્યા છે. યુકેના સ્પોન્સર્ડ સ્ટડી વિઝા મેળવવામાં ભારતે ચીનને પણ પાછળ રાખી દીધું છે. યુકેના ઈમિગ્રેશન વિભાગના આંકડા પ્રમાણે જૂન 2022માં સમાપ્ત થતા વર્ષમાં 1.18 લાખ ભારતીય વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ વિઝા મેળવ્યા હતા. એટલે કે ગયા વર્ષની તુલનામાં વિઝા મેળવનારાઓની સંખ્યામાં 89 ટકાનો વધારો થયો હતો. યુકેના વિઝા મેળવવામાં ભારતે હવે ચીનને પણ પાછળ રાખી દીધું છે. તેવી જ રીતે કેનેડાના વિઝાની અરજી કરવામાં પણ ભારતીયો સૌથી આગળ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.