રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડના ઉપહાર જેવી કામગીરી માટે ડિસ્ટ્રીકટ સ્કીલ કમિટીનો સંકલ્પ

 એવોર્ડ જીત્યા પછી પ્રથમ બેઠકમાં સિધ્ધી બદલ  કલેકટર મહેશ બાબુનું અભિવાદન

રાજકોટ, તા. 24 જૂન  જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે ડીસ્ટ્રીક સ્કીલ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેકટરશ્રી દ્વારા એવોર્ડ ઓફ એક્સલન્સ ઈન ધ ફિલ્ડ ઓફ સ્કીલ ડેવલપમેન્ટ મેળવવા બદલ ડીસ્ટ્રીક સ્કીલ કમિટીના મેમ્બર સેક્રેટરી  નિપુણ રાવલ અને સર્વ મેમ્બરોનું અભિવાદન કર્યું હતું.

આ તકે કલેકટર એ એલ.જી.બી.ટી. કોમ્યુનિટીની નવી બેચ ચાલુ કરવા, દિવ્યાંગ લોકોને સ્કીલ ઇકો સિસ્ટમમાં સમાવવા તેમજ મહત્તમ મહિલાઓનું સ્કીલ ઇકો સિસ્ટમમાં સમાવેશ કરવા તેમજ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) ની મદદ લેવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

જિલ્લાની તમામ આઈ.ટી.આઈમાં ચાલતા અભ્યાસક્રમો અંગે ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતિ લાવવા માટે જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા શિક્ષણાધિકારીની મદદ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેમજ તમામ વિભાગોને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાનો લક્ષ્યાંક હાંસલ કરવા નોડલ ડિપાર્ટમેન્ટને મદદ કરવાનું પણ સૂચવ્યું હતું નેશનલ એજ્યુકેશન પોલીસી-2020 અંતર્ગત વોકેશનલ ટ્રેનિંગ શિક્ષણ પદ્ધતિને પ્રાધાન્ય આપવા જિલ્લાની તમામ આઈ.ટી.આઈ અને સ્કૂલો વચ્ચે એમઓયુ કરવાનું જણાવ્યું હતું. જેમાં વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓને જિલ્લાની વિવિધ આઈટીઆઈમાં વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવશે અને આઈ.ટી.આઈના સ્ટુડન્ટસને વિવિધ સ્કૂલોમાં પર્સનાલીટી ડેવલપમેન્ટ અને અંગ્રેજી વિષયની તાલીમ આપવામાં આવશે.

તેમજ વધુ એક એમ.ઓ.યુ. નેશનલ સ્કિલ ઈન્સ્ટીટ્યુટ ઓફ કાઉન્સિલ (એન.એસ.આઈ.સી.) અને રાજકોટ જિલ્લાની વિવિધ આઈ.ટી.આઈ અને વિવિધ ઇજનેરી કોલેજો વચ્ચે કરવામાં આવશે, જેથી ટેકનીકલ નોલેજનું આદાન-પ્રદાન આસાનીથી થઈ શકે.આ તકે મેમ્બર સેક્રેટરીશ્રીએ સ્કીલ ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં પાયાનું યોગદાન આપનાર એવા તાલુકા કક્ષાના આઇ.ટીઆઇના પ્રિન્સિપાલ એપ્રેન્ટીસ એડવાઈઝરશ્રીઓનો પરિચય આપ્યો હતો, તમામ સભ્ય ઓનું  કલેક્ટર  દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમજ મહત્વનું યોગદાન આપનાર મહાત્મા ગાંધી નેશનલ યુનિવર્સિટીના ફેલો શ્રી હિરલચંદ્ર મારુનું અભિવાદન કરવામાં આવ્યું હતું.આ તકે ડિસ્ટ્રિક્ટ સ્કિલ કમિટીના મેમ્બર સેક્રેટરી અને ડિસ્ટ્રિક્ટ સ્કીલ ડેવલપમેન્ટ ઓફિસર અને આઈ.ટી.આઈ રાજકોટના પ્રિન્સિપાલશ્રી નિપુણ રાવલ, રોજગાર અધિકારીશ્રી ચેતન દવે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર  કિશોર મોરી, રાજકોટ સ્કૂલ એસોસિએશનના પ્રમુખ ડિ.વી. મહેતા, લક્ષ્ય ટ્રસ્ટના  કૃષ્ણલીલા પટેલ, લોકભારતી એસોસિએશનના   અમૃતભાઈ,  હાજર રહ્યા હતા