Abtak Media Google News

ગુજરાત ગૌરવ રથયાત્રા ૧૪૦ જેટલા વિધાનસભા મત વિસ્તારોને આવરી લેશે: ઠેરઠેર સ્વાગત અને જાહેરસભા યોજાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોએ લોકો સુધી પહોંચવા માટે વિવિધ માધ્યમોનો સહારો લેવાનું શરૂ કર્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપ વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આગામી તા.૧ થી ૧૫ ઓકટોબર સુધી ગુજરાત ગૌરવ યાત્રા કાઢવા જઈ રહ્યો છે.

ગુજરાત ગૌરવ યાત્રા કુલ બે ભાગમાં નીકળશે. જેમાં એક યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ આણંદ પાસેના કરમસદથી આરંભાશે. જયારે બીજી યાત્રા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરથી શરૂ થશે. બન્ને મહાનુભાવોની જન્મભૂમિથી ભાજપ કેસરીયો ટંકાર કરશે. એક યાત્રાનું નેતૃત્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કરશે જયારે બીજી યાત્રાનું સુકાન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાથમાં લેશે. યાત્રાને રાષ્ટ્રીય ભાજપ પ્રમુખ તા.૧ ઓકટોમ્બરે કરમસદથી લીલીઝંડી આપશે.

રાજયમાં ભાજપ સરકારની કામગીરી વર્ણવા તેમજ લોકો પાસે ફરી મત માંગવા ભાજપે આ યાત્રા સ્વ‚પે જવાનું નક્કી કર્યું છે. એક પખવાડિયાની બન્ને યાત્રા ૧૮૨ પૈકી ૧૪૦ જેટલા વિધાનસભા મત વિસ્તારોને આવરી લેશે. ઠેર-ઠેર સ્વાગત અને જાહેરસભાનું આયોજન કરવામાં આવશે. યાત્રાના સમયગાળામાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીઓ જોડાઈ તેવી શકયતાઓ છે. આ યાત્રા અંગે ટૂંક સમયમાં ભાજપ દ્વારા વિગતવાર જાહેરાત કરવામાં આવશે. ભૂતકાળમાં ગોધરાકાંડ બાદ વર્ષ ૨૦૦૨માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત ગૌરવ યાત્રાના નામે યાત્રા કાઢી હતી.

હવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ભાજપના જીતુ વાઘાણી સહિતના આગેવાનો લોકો સુધી ભાજપની કામગીરી અને કાર્યશૈલી પહોંચાડવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. અત્યારે નર્મદા રથયાત્રાના માધ્યમથી અનેક વિસ્તારોમાં પ્રચાર-પ્રસારની કામગીરી શરૂ છે ત્યારે આગામી મહિનો ભાજપ-કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરોને યાત્રાઓ, સરઘસ અને જાહેરસભાઓમાં વ્યસ્ત રાખશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.