અમૃત 2.0: સ્વચ્છતાથી સ્વાસ્થ્ય, સ્વાસ્થ્યથી ઉન્નતિ!!!

સ્વચ્છતા “અમૃત” પણ લઈ આવશે!!!

કેબિનેટે મહત્વપૂર્ણ સ્વચ્છતા અભિયાનના બીજા ફેઝ અને અને અમૃત-2.0ને આપી લીલીઝંડી: રૂ.1.41 લાખ કરોડના ખર્ચે સોલિડ વેસ્ટમાં સાયન્ટિફિક પ્રોસેસ અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ સહિતની સઘન કામગીરી કરાશે

રાષ્ટ્રમાં ઉન્નતિ લાવવા માટે સ્વાસ્થ્ય ખૂબ જરૂરી પાસું છે. જ્યારે સ્વાસ્થ્યને સારું રાખવા સ્વચ્છતા જરૂરી છે. આ માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષો પૂર્વે સ્વચ્છતાનો નારો આપ્યો અને એ દિશામાં કામ શરૂ કરી દીધું. હવે તેઓ દ્વારા સ્વચ્છતા અભિયાનના બીજા ફેઝ અને અમૃત-2.0 લોન્ચ કરવામાં આવ્યું છે. જેને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી પણ આપી છે. આ બન્ને મિશન અંતર્ગત સ્વચ્છતાની પ્રવૃત્તિને વેગ આપવા અને જન જન સુધી સ્વચ્છ પાણી પહોંચાડવાની કામગીરી કરવામાં આવશે. આ માટે 1.41 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવનાર છે.

કેન્દ્રીય કેબિનેટે મંગળવારે સ્વચ્છ ભારત મિશન-અર્બન અને અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન એટલે કે અમૃતના બીજા તબક્કા વર્ષ 2025-26ને મંજૂરી આપી છે.આ મિશનના બીજા ફેઝ માટે રૂ. 1,41,600 કરોડનો નાણાકીય ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં રૂ. 36,465 કરોડનો કેન્દ્રીય હિસ્સો સામેલ છે.  જે મિશનના છેલ્લા તબક્કામાં રૂ. 62,009 કરોડના નાણાકીય ખર્ચ કરતાં 2.5 ગણો વધારે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યો છે.

સરકાર દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્વચ્છત ભારત મિશન અને અમૃતનો બીજો તબક્કો તમામ શહેરોમાં સોલિડ વેસ્ટની સાયન્ટિફિક પ્રોસેસ અને  એક લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં ગંદા પાણીનું સંચાલન કરવા ઉપર નિર્ધારિત છે. આ માટે જરૂરી માળખું પણ ઉભું કરવામાં આવશે.

કેન્દ્રીય કેબિનેટે સ્વચ્છ ભારત મિશન-અર્બન, અમૃતના તબક્કા -2 ને મંજૂરી આપી છે. તાજેતરમાં ગત 1 ઓક્ટોબરના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0 અને અમૃત 2.0 લોન્ચ કર્યું હતું.

મિશન સંપૂર્ણપણે કાગળ રહિત, ડિજિટલ, જીઆઈએસ-મેપ કરેલ કચરા વ્યવસ્થાપન માળખા, મજબૂત વપરાશકર્તા ઈન્ટરફેસ, ઓનલાઇન ફરિયાદ નિવારણ પ્રણાલી,એન્ડ-ટુ-એન્ડ ઓનલાઈન મોનિટરિંગ દ્વારા સંપૂર્ણ પારદર્શિતા માટે ટેકનોલોજીને આધારિત હશે. કેબિનેટે આત્મનિર્ભર ભારત તરફના પગલા તરીકે કાયાકલ્પ અને શહેરી પરિવર્તન માટેના અટલ મિશનના બીજા તબક્કાને મંજૂરી આપી છે.

અમૃત 2.0 માટે કુલ સૂચક ખર્ચ રૂ. 2,77,000 કરોડ છે, જેમાં નાણાકીય વર્ષ 2021-22 થી નાણાકીય વર્ષ 2025-26 સુધીના પાંચ વર્ષ માટે 76,760 કરોડ રૂપિયાના કેન્દ્રીય હિસ્સાનો સમાવેશ થાય છે. મંત્રીમંડળે જણાવ્યું કે શહેરી પરિવારોને વિશ્વસનીય અને સસ્તું પાણી પુરવઠો અને સ્વચ્છતા સેવાઓ પૂરી પાડવી એ રાષ્ટ્રીય અગ્રતા છે.