સોમનાથ ગોરખમઢી હાઇ-વે ઉપર આવેલું પ્રાચીન અને દુર્લભ રૂખડાનું વૃક્ષ

19 ફૂટનો ઘેરાવો ધરાવતા થડની શ્રધ્ધા અને આસ્થા સાથે કરાતી પુજા

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરની સાંનિધ્યમાં સોમનાથથી 15 કિ.મી. દૂર આવેલ ગોરખમઢી ગામના પાદરના હાઇ-વે ઉપર અતિ પ્રાચીન વરસો જુનું દુર્લભ હેરીટેજ ગણવા લાયક રૂખડાનું વૃક્ષ આવેલ છે. અંદાજે 19 ફૂટ કે તેથી વધુ ઘેરાવો ધરાવતું અને માણસ તેના બંને હાથ પહોળા કરી ઝાડને ભેટે તો એવા ચાર માણસો ભેટી શકે તેવો તેના થડનો ઘેરાવો છે.

શાસ્ત્રમાં આર્યુવેદમાં આ વૃક્ષનું પૃથ્વી પરના વૃક્ષો કરતાં બહું જ મહત્વ છે. આ વૃક્ષના મોટાભાગના મહિનાઓ પાન વગરના રહે છે. લીલી સ્હેજ ચળકતી છાલ ધરાવતું આ વૃક્ષનું થડ ખૂબ જ જાડું હોય છે અને થોડી ઊંચાઇ જતાં સાંકડુ થઇ જાય છે.

એક કથન અનુસાર તેની છાલમાં એડીસોનીન નામનું કડવું તત્વ હોય છે તેથી તેની છાલ તાવ મટાડવા પણ ઉપયોગી બને છે. તેના ફળના ગરનો ઉપયોગ આરોગ્ય રક્ષામાં વપરાય છે.

આફ્રિકન વનસ્પતિની પ્રજાતિ તરીકે ઓળખાતા આ વૃક્ષને પ્રાચીન કાળમાં કલ્પવૃક્ષ તરીકે પણ ઓળખાતું. ભારતમાં આંગળીની વેઢે ગણી શકાય તેટલાં જ આવાં વૃક્ષો જોવા મળે છે અને રૂખડાનું આ વૃક્ષ ઓછામાં ઓછું 1000 વરસ સુધી જીવી શકે છે.

અહીં આ વૃક્ષનું સાંસ્કૃતિક ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ છે. લોકો અહીં દર્શને આવે છે અને પોતાની માનતા આસ્થા માટે શ્રીફળ ધરે છે. ગોરક્ષનાથ મંદિરના મહંત મહેષગીરીનાથ તથા પૂજારી રાજેષનાથજી કહે છે.

આ વૃક્ષ અમો તથા અમારી પૂર્વ પેઢી વરસોથી જોતી આવી છે અને પ્રાચીનતમ હજારો વરસ જુનું પવિત્ર અને દુર્લભ વૃક્ષ અહીં આ ગોરખમઢીમાં આવેલ છે. તેના પેટાળમાં પાણી રહેલું હોય છે તેવી પણ એક માન્યતા છે.