Abtak Media Google News

ગાંધીગ્રામના જીવંતિકાનગર વિસ્તારની ઘટના : બંને પક્ષોની ફરિયાદ પરથી 19 સામે હત્યાની કોશિશ અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો

રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ચકડોળે ચઢી હોઈ તેમ દીન પ્રતિદિન મારામારીની ઘટના સામે આવી રહી છે.ત્યારે ગઈકાલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જીવંતિકાનગરમાં એક યુવાને તેના મિત્રની પત્નીને સરખી રીતે વાહન ચલાવવાનું કહેતા આ મુદ્દે બંને પક્ષો વચ્ચે ઘાતક હથિયારો વડે સામ સામે જીવલેણ હુમલા થયા હતા. જ્યારે તે મામલે ગાંધીગ્રામ પોલીસે બંને પક્ષોની ફરિયાદ પરથી 19 શખ્સો સામે હત્યાની કોશિષ, રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તમામની શોધખોળ હાથધરી છે.

બનાવની વિગતો મુજબ ગાંધીગ્રામના જીવંતીકાનગર શેરી નં.1માં રહેતા અને બેડી ચોકડી પાસે એરટેલની ઓફિસમાં નોકરી કરતા મીત મનીષભાઈ ધામેચા (ઉ.વ.ર1)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓમાં દીપેશ ઉર્ફે ભટ્ટ ,મયુર, ગૌરવ વાઢેર, નેહાંશું,ભવ્ય અને અન્ય સાત લોકોના નામો આપ્યા હતા જેમાં જણાવ્યું છે કે ગઈકાલે સાંજે નાણાવટી ચોક પાસે પેટ્રોલ પુરાવી ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે પહોંચતા તેના મિત્ર દિપેશ ઉર્ફે ભટુની પત્ની આરતીએ અચાનક એકટિવાનું ટર્ન લેતા તેને સરખી રીતે વાહન ચલાવવાનું કહેતા આરતીએ તેને ગાળો ભાંડી હતી. જેને કારણે સામાન્ય બોલાચાલી થઈ હતી. બાદમાં તે ત્યારે નીકળી ગયો હતો. થોડા ટાઈમ પછી આ મુદ્દે સમાધાન પણ થઈ ગયું હતું.

રાત્રે તે પરિવારના સભ્યો સાથે ઘરની બહાર બેઠો હતો ત્યારે આરોપીઓ દિપેશ ઉર્ફે ભટુ, મયુર, ગૌરવ વાઢેર, નેહાંશુ અને ભવ્ય વાળા ઉપરાંત સાત અજાણ્યા શખ્સો ઘસી આવ્યા હતા. આવીને તેની સાથે ઝઘડો કરી, ગાળો ભાંડયા બાદ તેના કાકા ચિરાગભાઈ અને મોટા પિતા અમિતભાઈને મુંઢમાર મારી છરીનો ઘા ઝીકી દીધો હતો. જયારે તેની ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો. આ વખતે તેના દાદી કાશીબેન છોડાવવા વચ્ચે પડતા દિપેશ અને મયુરે તેના પડખાના ભાગે છરીના બે ઘા ઝીકી લોહીલુહાણ કરી નાખ્યા હતા. જેથી તેના દાદી નીચે પડી ગયા હતા. તે સાથે જ આરોપીઓએ ઈંટોના છૂટા ઘા તેના મકાન પર કર્યા હતા. દેકારો થતા બધા આરોપીઓ ભાગી ગયા હતા. જેથી પોલીસે તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે સામા પક્ષે દિપેશ દિલીપ કંબોડીયા (ઉ.વ.ર3, રહે. અક્ષરનગર-1, ગાંધીગ્રામ)એ વળતી ફરિયાદમાં આરોપીઓમાં મોત ઠાકોર,અમિત ઠાકોર અને અમિત ઠાકોર ના પિતા તથા 4 અજાણ્યા શખસોના નામો આપ્યા હતા જેમ જણાવ્યું છે કે તે ડ્રાઈવિંગ કરે છે. તેની પત્નીએ વાહન સરખુ ચલાવવા બાબતે મીત ઠાકોર સાથે ઝઘડો થયાની વાત કરી હતી. સાંજે તેના મિત્ર કરણે આ બાબતે વાત કરવા બટુક મહારાજની ગૌશાળા પાસે બોલાવ્યો હતો. જયાં તેને કહ્યું કે આપણે આ મેટર પુરી કરી નાખીએ, બરાબર તે વખતે આરોપીઓ મીત ઠાકોર, અમીત ઠાકોર, તેના પિતા ઉપરાંત ત્રણથી ચાર અજાણ્યા શખ્સોએ આવી ઝઘડો કરી ગાળો ભાંડતા કાકા મનસુખ ઉર્ફે મુન્નાભાઈને કોલ કર્યો હતો.આમ છતાં આરોપીઓએ ગાળો ભાંડવાનું ચાલુ રાખી છરીનો ઘા ઝીકયો હતો. તે હટી જતા ડાબા ગાલ ઉપર છરી લાગી જતા લોહીલુહાણ થઈ ગયો હતો. જેથી તેમને ફરિયાદ નોધાવતા પોલીસે હત્યાની કોશિશ ની ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.