Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તેની આડે હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. ચૂંટણીમાં વપરાતા ઇવીએમ થકી ભાજપને મળતી જીત પર કેટલાક રાજકીય પક્ષો દ્વારા શંકાની આંગળી ઉઠાવાતા પંચ દ્વારા તમામ ઇવીએમ સાથે વીવીપેટ જોડવાની જાહેરાત કરીને ચૂંટણી કાર્યમાં જોડાયેલા રાજયભરના અધિકારીઓને તેની સમજ આપવામાં આવી રહી છે. દિલ્હીથી પંચના નાયબ કમિશનર ઉમેશ સિંહાએ ગાંધીનગરના ખાતે આખો દિવસ બેઠક યોજી વીવીપેટ સંદર્ભે જરૂરી તાલીમ આપી હતી. તે સાથે મતદાન વધારવા માટે પ્રથમવાર રાજયની તમામ આંગણવાડીઓ, સસ્તા અનાજની દુકાનો, પ્રાથમિક શાળાઓ વગેરેમાં મતદાર યાદી પ્રદર્શિત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ચૂંટણી પંચ દ્વારા ઇવીએમ અને તેની સાથે વીવીપેટ જોડીને મતદાન કરાવવાનું નક્કી કરાયું છે ત્યારે મહાત્મા મંદિર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને સહાયક અધિકારીને ટ્રેનિંગ આપવા વર્કશોપ યોજાયો હતો. જેમાં કેન્દ્ર અને રાજયના પંચના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. દિલ્હી ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર ઉમેશ સિંહાએ જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ઇવીએમ-વીવીપેટનો યોગ્ય ઉપયોગ થાય અને તેના ઉપયોગ સંદર્ભે કોઇ મુશ્કેલી ન સર્જાય તે માટે અધિકારીઓને જરૂરી તાલીમ આપવામાં આવી છે. મતદાન ્વખતે કોઇ ફરિયાદનો સામનો કરવો પડે નહીં તે માટે પણ આવી ટ્રેનિંગને તેમણે જરૂરી ગણાવી હતી. તે સાથે નવી મતદાર યાદીને ધ્યાનમાં રાખીને જ તૈયારીઓ શરૂ કરવા પણ અધિકારીઓને કહેવામાં આવ્યું હતું. પંચ દ્વારા જિલ્લા કલેકટરો સાથે પણ બેઠક યોજવામાં આવી હતી. જેમાં ચૂંટણીની તૈયારી, મતદાર યાદી સુધારણા, ચૂંટણી સ્ટાફની નિમણૂક અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ કર્મચારીઓની જરૂરિયાત વિગેરેની પણ ચર્ચા કરવામાં આવી હતી.

દરમિયાન પંચ દ્વારા આગામી ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે અનેક રીતે પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. રાજયની તમામ આંગણવાડીઓ, સસ્તા અનાજની દુકાનો, સરકારી પ્રાથમિક શાળાઓ, મહિલા સામખ્ય સોસાયટી, દૂધ મંડળી અને સરકારી ચોરા પર કક્કાવારી (આલ્ફાબેટીકલ) મતદાર યાદી પ્રદર્શિત કરવામાં આવશે. તે ઉપરાંત આંગણવાડી કાર્યકરો અને રેશનિંગની દુકાનોના માલિકોને મતદાર યાદી સંબંધિત ફોર્મ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના કારણે બાકી રહી જતા મતદારો યાદીમાં ઉમેરી શકાય. તેના મોનિટરીંગ માટે દરેક સેકટર અધિકારીઓ પોતાના ૮ થી ૧૦ મતદાન મથકના બૂથ લેવલ ઓફિસર અને દુકાન માલિકો, કાર્યકરો અને મધ્યાહન ભોજન યોજનાના કાર્યકરો વિગેરેને મતદાર યાદી સુધારણા કાર્યક્રમથી માહિતગાર કરીને વ્યવસ્થા ગોઠવવા પણ સૂચના આપવામાં આવી છે.

કલેકટર કચેરી અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલા સિવિક સેન્ટરોને ડેઝીગ્નેટેડ લોકેશન તરીકે જાહેર કરીને તેમાં મતદાર યાદી સુધારણાના તમામ દિવસો માટે ડેઝીગ્નેટેડ અધિકારી પણ નિમવાની કાર્યવાહી શરૂ કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.