Abtak Media Google News
  • પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરાશે
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ધ્વજવંદન સમારોહમાં રહેશે ઉપસ્થિત
  • વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ગાંધીનગરમાં અને ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ પંચમહાલમાં હાજરી આપશે

Screenshot 3 9 આવતીકાલે દેશભરમાં આન, બાન, શાન સાથે તિરંગો લહેરાશે. 140 કરોડ ભારતવાસીઓ કાલે 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરશે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી માત્ર રાજધાની ગાંધીનગર ખાતે કરવાના બદલે રાજ્યના અલગ-અલગ શહેરોમાં કરવાની પરંપરા શરૂ કરી હતી. જે આજે પણ યથાવત છે. પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષ જૂનાગઢમાં થઇ રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં આજે જૂનાગઢ ખાતે એટહોમ કાર્યક્રમ યોજાશે. આવતીકાલે દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે.

અંગ્રેજીની ગુલામીમાંથી ભારત 15મી ઓગસ્ટ-1947ના રોજ આઝાદ થયો હતો. 15મી ઓગસ્ટની ઉજવણી સ્વાતંત્ર્ય દિવસ તરીકે કરવામાં આવી હતી. ભારતનું પોતાનું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું. 26મી જાન્યુઆરીની ઉજવણી પ્રજાસત્તાક પર્વ તરીકે કરવામાં આવે છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશવાસીઓને સંબોધન કરશે.

ગુજરાત સરકાર દ્વારા 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવશે. વિવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમો અને પરેડ યોજાશે. આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે જૂનાગઢ આવી ગયા છે.

તેઓની ઉપસ્થિતિમાં આજે સાંજે એટહોમ કાર્યક્રમ યોજાશે. આવતીકાલે રાજ્યપાલ અને મુખ્યમંત્રી પરેડમાં અને ધ્વજવંદન સમારોહમાં સામેલ થશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી ગાંધીનગર ખાતે જ્યારે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ પંચમહાલ ખાતે ધ્વજવંદન કરાવશે.

કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇ નવસારી જિલ્લામાં, ઋષિકેશ પટેલ પાટણ જિલ્લામાં, રાઘવજીભાઇ પટેલ રાજકોટ જિલ્લામાં, બળવંતસિંહ રાજપુત અમદાવાદ જિલ્લામાં, કુંવરજીભાઇ બાવળીયા બોટાદ જિલ્લામાં, મુળુભાઇ બેરા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, ડો.કુબેરભાઇ ડીંડોર દાહોદ જિલ્લામાં, શ્રીમતી ભાનુબેન બાબરિયા સુરેન્દ્રનગર જિલ્લામાં, રાજ્યકક્ષાના મંત્રીઓ હર્ષ સંઘવી સુરત જિલ્લામાં, જગદીશ વિશ્ર્વકર્મા કચ્છ જિલ્લામાં, પરસોત્તમભાઇ સોલંકી અમરેલી જિલ્લામાં, બચુભાઇ ખાબડ મહિસાગર જિલ્લામાં, મુકેશભાઇ પટેલ વલસાડ જિલ્લામાં, પ્રફૂલભાઇ પાનશેરિયા મોરબી જિલ્લામાં, ભીખુસિંહજી પરમાર નર્મદા જિલ્લામાં અને કુંવરજીભાઇ હળપતિ ડાંગ જિલ્લામાં ધ્વજવંદન સમારોહમાં હાજરી આપશે.

પ્રજાસત્તાક પર્વની રાજ્યભરમાં શાનદાર ઉજવણી કરવામાં આવશે. અવધમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ દેશમાં રામ લહેર હતી. હવે પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઇ દેશભક્તિની લહેર જોવા મળી રહી છે. રાજકોટમાં કોર્પોરેશન દ્વારા આજે શ્રીશાન વાડેકરની સંગીત સંધ્યાનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. દેશના 75માં સ્થાપના દિન પ્રસંગે દેશવાસીઓને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત ગીર સોમનાથ, આણંદ, પોરબંદર, બનાસકાંઠા, જામનગર, તાપી, છોટા ઉદેપુર, ખેડા, વડોદરા, સાબરકાંઠા, ભરૂચ, ભાવનગર, મહેસાણા અને અરવલ્લી ખાતે સંબંધિત જિલ્લાના કલેક્ટરના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.