Abtak Media Google News

અબોલ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને કલ્યાણના હેતુસર જનજાગૃતિ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતમાં 31મી, જાન્યુઆરી-2024 સુધી પ્રાણી કલ્યાણ પખવાડીયાની ઉજવણી કરાશે. જે અંતર્ગત રાજ્યભરમાં અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તથા તેમના પ્રત્યે પ્રેમ વધે તે સંલગ્ન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડનો મુખ્ય હેતુ તમામ જીવોનું કલ્યાણ, પ્રાણી કલ્યાણની પ્રવૃત્તિઓ, પશુઓને બંધનમુક્ત કરવા તેમજ પ્રાણીઓના સંરક્ષણ કરવા સહિતના કાર્યો કરવાનો છે. જેમાં વિવિધ સંસ્થાઓ દ્વારા બીમાર અને ઘાયલ પશુઓ માટે સારવાર કેમ્પ, તથા તાલીમ શિબિર યોજવામાં આવશે.

અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તથા તેમના પ્રત્યે પ્રેમ વધે તે સંલગ્ન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે

ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ તરફથી કહેવાયું છે કે, સમગ્ર પખવાડિયા દરમિયાન જનજાગૃતિને લગતા કાર્યક્રમોનું આયોજન કરીને શાળા, કોલેજ, ક્ધયા કેળવણી મંડળો, ગ્રામ પંચાયતો અને નગરપંચાયતો તરફથી પ્રાણી કલ્યાણ અને પ્રાણી પ્રત્યે પ્રેમ, દયા વિશે ચર્ચાઓ, વક્તૃત્વ સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે. પશુઓને ખુલ્લામાં ટાઢ, તાપ અને વરસાદમાં લાંબા સમય સુધી બાંધી રાખવામાંથી મુક્તિ આપવા લોકોને સમજ અપાશે. ઇરાદાપૂર્વક ઘાતકીપણું અટકાવવા પગલાં લેવામાં આવશે. રખડતા પશુઓના આરોગ્યને પ્લાસ્ટીકની કોથળી ખાવાના કારણે નુકશાન થાય છે,

તો કેટલાક સંજોગોમાં પશુના મૃત્યુ થવાની સંભાવના પણ રહે છે. તે બાબતે વધુ ભાર આપી નાગરિકો ઘરનો કચરો, રસોડાનો વધેલો ખોરાક અથવા એઠવાડ, પ્લાસ્ટીકની કોથળી જાહેર રસ્તા પર ન ફેંકે તે અંગે નાગરિકોને યોગ્ય માર્ગદર્શન પણ અપાશે. રખડતાં કુતરાઓ પર ક્રુરતા ન આચરવામાં આવે તેની પણ ખાસ તકેદારી લેવામાં આવશે. પખવાડીયા દરમિયાન દરેક પશુચિકિત્સક અધિકારીઓ તથા પશુઘર નિરીક્ષક દ્વારા કોઇપણ બિમાર કે ઇજા પામેલા બિનવારસી પ્રાણીઓની સારવાર માટે જીવદયા સંસ્થા કે કોઇપણ વ્યક્તિ લાવે તો વિનામૂલ્યે સારવાર અપાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.