Abtak Media Google News

Russells Viper.અલગ-અલગ ઝૂમાંથી લવાયેલા પ્રાણીઓનો ક્વોરેન્ટાઇન પિરીયડ પૂર્ણ થતાની સાથે જ ઝૂમાં ખૂલ્લા મૂકી દેવાયા

વન્ય પ્રાણી વિનિમય યોજના હેઠળ રાજકોટ ઝૂ ખાતે અલગ-અલગ ઝૂમાંથી પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. જેનો ક્વોરેન્ટાઇન પિરિયડ પૂર્ણ થતાંની સાથે જ તમામને સહેલાણીઓ માટે પ્રદર્શિત કરી દેવામાં આવ્યા હોવાની જાહેરાત આજે કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ.કમિશનર આનંદ પટેલ અને બાગ બગીચા સમિતિના ચેરમેન અનિતાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, ન્યુ દિલ્હી તથા રાજ્ય સરકાર દ્વારા રાજકોટ પ્રાણી ઉદ્યાન, રાજીવ ગાંધી ઝૂલોજીકલ પાર્ક, પુના તથા પીલીકુલા બાયોલોજીકલ પાર્ક, મેંગલોર વચ્ચે વન્યપ્રાણી વિનીમય કરવા મંજુરી આપવામાં આવેલ હતી. જે અંતર્ગત પીલીકુલા બાયોલોજીકલ પાર્ક, મેંગલોર તથા રાજીવ ગાંધી ઝૂલોજીકલ પાર્ક, પુના ખાતેથી મેળવવામાં આવેલ ભારતીય ઢોલ (જંગલી કૂતરા), દિપડા, ઝરખ, પામ સીવેટ કેટ, રેટીક્યુલેટેડ પાયથન (સાપ), રસલ્સ વાઇપર (સાપ), મોન્ટેન ટ્રીન્કેટ (સાપ), ગ્રીન વાઇન સ્નેક (સાપ), રેટ સ્નેક (સાપ), વ્હિટેકરસ બોઆ (સાપ) વગેરે પ્રાણીઓનો કવોરેન્ટાાઇન સમય પુર્ણ થતા મુલાકાતી માટે પ્રદર્શિભત કરવાનું શરૂ આવ્યા છે.

રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબ જ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવતા હોય છે. દર વર્ષે અંદાજિત 7.25 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે આવતા હોય છે. વન્ય પ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતિઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. ઉપરોક્ત પ્રાણીઓનો ઉમેરો થતા હવે રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતે જુદી જુદી 67 પ્રજાતિઓના કુલ 539 વન્યપ્રાણી-પક્ષીઓ થયેલ છે. હાલ સ્કુલ/કોલેજમાં ઉનાળુ વેકેશન ચાલતું હોઈ, ઝૂ ખાતે મુલાકાતીઓની વિશેષ ભીડ જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.