Abtak Media Google News

સુરતના સચિન વિસ્તારની ઘટના : રાજ્યમાં વારંવાર બનતી હાર્ટ એટેકથી મોતની ઘટનાથી તબીબી જગત પણ આશ્ચર્યમાં

આકરી ગરમી વચ્ચે પણ હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતના સચીન વિસ્તારમાં હાર્ટ એટેકથી એક યુવકનું મોત થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જમીને મોડી રાતે સૂઇ ગયા બાદ સવારે યુવક જાગ્યો જ નહી, યુવકને ઊંઘમાં જ હાર્ટ એટેક આવી ગયો.

Advertisement

મળતી માહિતી અનુસાર, મૂળ બિહારના મધુવનીનો વતની અને હાલ સુરત શહેરના સચીન વિસ્તારમાં આવેલા સુડા સેક્ટરમાં રહેતો વિજય રામાનંદ શર્મા (ઉં.વ 25) બુધવારે રાત્રે જમીને સૂઈ ગયો હતો. જોકે, બીજા દિવસે જ્યારે મિત્રએ તેને ઉઠાડ્યો તો તે ઉઠ્યો જ નહીં. જે બાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

સિવિલ હોસ્પિટલ ખાતે હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ સિવિલ હોસ્પિટલમાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેના રિપોર્ટમાં યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે.

રાજકોટમાં લગ્નપ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. મળતી માહિતી અનુસાર, રાજકોટના અમિત ચૌહાણ પિતરાઈ ભાઈને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યાં લગ્નના આગલે દિવસે રાત્રે ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા બાદ અમિત ચૌહાણ ઘરે આવ્યા હતા, જે બાદ તેઓ રાત્રિના સમયે તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા.

જેથી તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પર હાજર તબીબે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરે અમિતભાઈને હાર્ટ એટેક આવ્યો હોવાનું કહ્યું હતું. યુવકના અકાળે મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.