Abtak Media Google News

સ્કોટલેન્ડ-નેધરલેન્ડના મેચ બાદ ક્વોલીફાયિંગ થનારી બીજી ટિમ નક્કી થશે: સ્કોટલેન્ડ હોટ ફેવરિટ

સ્કોટલેન્ડે વધુ એક ઉલટફેર કર્યો છે. આજે વર્લ્ડકપ ક્વોલિફાયરમાં ઝિમ્બાબ્વે સામે સ્કોટલેન્ડનો પડકાર હતો. આ મેચમાં સ્કોટલેન્ડે યજમાન ઝિમ્બાબ્વેને હરાવ્યું હતું. આ હાર બાદ ઝિમ્બાબ્વેનું 2023માં વર્લ્ડકપ રમવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. સીન વિલિયમ્સની સુકાની ઝિમ્બાબ્વે વર્લ્ડકપ માટે ક્વોલિફાય થવાનું ચૂકી ગયું છે. હવે સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે મેચ રમાશે અને ત્યારબાદ વધુ એક ટિમ વર્લ્ડકપ માટે ક્વોલિફાય થશે. જો કે સ્કોટલેન્ડની એવરેજ વધુ હોય હાલ સ્કોટલેન્ડ ક્વોલિફાય થાય તેવા ઉજળા સંજોગો છે.

બીજી તરફ આ મેચની વાત કરીએ તો ઝિમ્બાબ્વેને જીતવા માટે 235 રનનો ટાર્ગેટ હતો, પરંતુ સીન વિલિયમ્સની ટીમ 41.1 ઓવરમાં માત્ર 203 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ રીતે સ્કોટલેન્ડે ઝિમ્બાબ્વેને 31 રનથી હરાવ્યું હતું. ઝિમ્બાબ્વે તરફથી રેયાન બર્લે શાનદાર ઇનિંગ રમી હતી. પરંતુ પોતાની ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો. રેયાન બર્લે 84 બોલમાં 83 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.

આ સિવાય સિકંદર રઝાએ 40 બોલમાં 34 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. પરંતુ યજમાન ટીમના બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. આ અગાઉ 2 વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ ભારતમાં યોજાનારા ODI વર્લ્ડકપમાં જગ્યા બનાવવાનું ચૂકી ગઈ છે. આ પ્રથમ વખત બનશે જ્યારે વર્લ્ડકપ વિન્ડીઝ વિના રમાશે. વેસ્ટ ઈન્ડિઝ એકદમ મામુલી ગણાતી સ્કોટલેન્ડની ટીમ સામે હારીને વર્લ્ડકપની રેસમાંથી જ બહાર ફેંકાઈ જતા ક્રિકેટ જગતમાં સનસનાટી મચી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.