Abtak Media Google News

દર્દીઓ 12થી 14 કલાક સુધી એડમિટ થવા જોઈ રહ્યા છે રાહ: કાળા બજારીયાઓ પૈસા લઇ તુરંત અપાવતા હતા બેડ

રાજકોટમાં કોરોના બેકાબુ બન્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીઓની લાંબી કતારો લાગી રહી છે. તો બીજી તરફ કૌભાંડિયાઓ પણ મજબુર અને લાચાર દર્દીઓની સ્થિતિનો ફાયદો ઉપાડી પૈસા બનાવી રહ્યા છે. શહેરમાં આજે ફરી એકવાર સિવિલ હોસ્પિટલમાંથી કોરોના સારવારમાં કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં એક શખ્સ માત્ર રૂ.9,000માં દર્દીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવી તાત્કાલિક સારવાર આપી કૌભાંડ આચરી રહ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

એક તરફ શહેરમાં અને તેમાં પણ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સ્થિતિ ભયજનક છે ત્યારે કોરોનાગ્રસ્ત દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં દાખલ થવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે. કોઈ પણ દર્દીને હાલ સિવિલમાં દાખલ થવા માટે ઓછામાં ઓછી 12 કલાક સુધી તો રાહ જોવી જ પડી રહી છે. તેવા કપરા સમયમાં સિવિલ હોસ્પિટલમાં કૌભાંડિયાઓ પણ મોટી સંખ્યામાં સક્રિય થયા હોય તેમ વધુ એક કૌભાંડ પરથી પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં માત્ર રૂ9,000માં કોરોનાના દર્દીઓને કતારમાં ઉભા રહેવાથી છુટકારો આપી તાત્કાલિક સારવાર આપવા સુધીની સવલતો આપવામાં આવી રહી હતી. જેમાં લાચાર અને રઝળતા દર્દીઓની મજબૂરીનો લાભ ઉઠાવી પૈસા ખંખેરવામાં આવતા હતા. જેમાં આંતરિક સ્ટાફની પણ સંડોવણી હોવાનો શખ્સ દ્વારા વાયરલ થયેલા વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રાજકોટમાં કોરોના કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ખાલી બેડ નથી. ત્યારે દર્દી દાખલ કરવા માટે સગાઓ રઝળી રહ્યા છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રૂપિયા પાડવાનો ધંધો ચાલુ થયો હોય તેવો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં યુવાન બોલે છે કે રૂ.9 હજાર આપો અને તુરંત બેડ સાથે ટ્રીટમેન્ટ ચાલુ થઇ જશે. યુવાન વીડિયોમાં કહેછે કે મારે ઉપર સુધી સેટિંગ હોવાથી રૂપિયા ઉપર સુધી દેવાના હોય છે. વીડિયોમાં યુવાન 9 હજાર રૂપિયા લેતો હોવાના દ્રશ્યો પણ કેદ થયા છે. સિવિલમાં લોકો દાખલ થવા માટે એમ્બ્યુલન્સ માં કલાકો વેઇટિંગમાં ઉભા રહે છે. ત્યારે આ યુવાન રૂ.9 હજારમાં માત્ર અડધી કલાકમાં જ દર્દીને દાખલ કરી આપે છે.

લાચાર અને રઝળતા દર્દીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવતા શખ્સનો વિડીયો થયો વાયરલ: આંતરિક સ્ટાફની સંડોવણી હોવાની આશંકા

વીડિયોમાં ખીચા ખંખેરતો યુવાન અને દર્દીના સગા વચ્ચે કંઈક આ રીતે વાતચીત થઈ હતી. વીડિયોમાં દર્દીના સગા પાસેથી રૂપિયા પડાવતો યુવાન કારમાં બેસી 9 હજારમાં બેડ સાથે ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરી આપે છે. દર્દીના સગા કહે છે કે, 9 હજાર નહીં પણ અમારી ઇચ્છા છે કે 5 હજારમાં કરી આપો. પરંતુ યુવાન કહે છે કે મારે પણ ઉપર સુધી રૂપિયા આપવાના હોય છે. દર્દીના સગા કહે છે કે, જુનાગઢથી પણ એક દર્દીને અહીં દાખલ કરવાના છે. આથી બે દર્દીને દાખલ કરવામાં કેટલા લઇશ. યુવાન કહે છે કે 8 હજાર આપજો. યુવાનને ફોન આવે છે અને સામેવાળા વ્યક્તિને કહે છે કે, ભાઇ તમે 9 હજાર આપો એટલે અડધી કલાકમાં દર્દીને દાખલ કરી દઉં.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. કોવિડ વિભાગમાં દાખલ થવા માટે લોકો લાંબી કતારોમાં રઝળી રહ્યા છે. ત્યારે દર્દીઓના પૈસા પડાવી લેભાગુ તત્વો બેડની સુવિધાઓ આપતા હોવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે. હજુ થોડા સમય પહેલા જ આવા જ લેભાગુ તત્વો દ્વારા ઇન્જેક્શનની કાળા બજારીનું કૌભાંડ ઝડપાયું હતું. જેમાં મુખ્ય સૂત્રધાર અને ભાજપ અગ્રણી સંજય ગોસ્વામી સુધી પોલીસ પહોંચી શકી નથી. ત્યારે વધુ એક કૌભાંડમાં પણ જો સચોટ તપાસ કરવામાં આવે તો હજુ પણ અનેક માથાઓના નામ ખુલી શકે છે.

કસુરવારો સામે કડક કાર્યવાહી થશે : કલેક્ટર

Acollector Shri Remya Mohan C

કૌભાંડ જાહેર થતા જિલ્લા કલેક્ટર દ્વારા એલસીબીને તપાસ સોપાઈ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રૂ. 9 હજારમાં બેડ આપવાનું કૌભાંડ સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. આ કૌભાંડ જાહેર થતા જિલ્લા કલેક્ટર દ્વારા એલસીબીને તપાસ સોંપવાના આદેશ આપ્યા છે. સાથે જિલ્લા કલેક્ટરે કસુરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે.

રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હદ બહાર વધી રહ્યું છે. જેના કારણે બેડ ખૂટી પડ્યા છે. આવા કપરા સમયે અમુક લેભાગુ તત્વો દર્દીઓની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને પૈસા કમાવવા કૌભાંડને અંજામ આપી રહ્યા છે. અગાઉ રેમડેસીવીરની અછતનો ફાયદો ઉઠાવીને તેની કાળાબજારી કરવામાં આવતી હતી. જે કૌભાંડ સામે આવ્યા બાદ સિવિલમાં ફરી બેડ કૌભાંડ સામે આવ્યું છે. એક વ્યક્તિ દ્વારા સિવિલમાં હાલ બેડ માટે વેઇટિંગ ચાલતું હોવા છતાં બેડની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. સામે દર્દી પાસેથી રૂ. 9 હજાર લેવામાં આવે છે. આ સમગ્ર કૌભાંડનો વીડિયો વાયરલ થયો હતો. જે ઘટના જિલ્લા કલેક્ટરના ધ્યાને આવતા જિલ્લા કલેક્ટર દ્વારા એલસીબીને તપાસ સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એવું પણ જણાવવામાં આવ્યું છે કે કસુરવારો સામે કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવામાં આવશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.