Abtak Media Google News

પાંચેય જિલ્લામાં 300 લોક દરબાર યોજાયા: 132 ગુના નોંધાયા: 128ની ધરપકડ કરાઇ

સોનાના ઘરેણા અને વાહન મળી રૂા.26.11 લાખનો મુદ્ામાલ કબ્જે: વ્યાજખોરોની મિલકત ટાચમાં લેવાશે

સામાન્ય નાગરીકોને વ્યાજખોરીના ચુંગલમાંથી મુકિત અપાવવા તેમજ આવી અસમાજીક પ્રવૃતી કરતા વ્યકિતઓ પર કાયદાની લગામ કસવાના આશયથી રાજ્યકક્ષાના ગૃહ મંત્રી, ગેરકાયદે રીતે વ્યાજખોરી કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા માટે સમગ્ર રાજ્યમાં ઝુંબેશ શરૂ કરવા સુચના આપી હતી. તા.05/01/2023 થી તા.31/01/2023 સુધી સમગ્ર ગુજરાત રાજયમાં ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ડ્રાઇવ દરમ્યાન રાજકોટ રેન્જના તાબાના તમામ જીલ્લાઓમાં પોલીસ અધિક્ષક રેન્ક થી લઇ પોલીસ કોન્સટેબલ સુધીની રેન્કના પોલીસ અધિકારી/કર્મચારીઓને સેન્સેટાઇઝ કરવામાં આવેલ છે. સમગ્ર રેન્જના તાબાના જીલ્લાઓમાં લોકો કાયદાથી અવગત થાય અને તેઓમાં વ્યાજખોરી અંગે જાગૃતી કેળવાય તેમજ વ્યાજખોરી કરતા ઇસમોને કાયદાનો પાઠ ભણાવી શકાય તેવા હેતુને લક્ષ્યમાં રાખી અત્યાર સુધીમાં સમગ્ર રેન્જમાં કુલ – 300 થી વધુ સ્થળો ઉપર લોકદરબારનુ આયોજન કરવામાં આવ્યું હતું.

લોક દરબારના આયોજન અંગે મહતમ પ્રચાર પ્રસાર કરી વધુમાં વધુ લોકો હાજર રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતાં.

સ્થળ ઉપર રજુઆત કરવાથી માંડી ફરીયાદ લેવા સુધીની તમામ સુવિધા ઉભી કરવામાં આવી હતી.

ફીલ્ડ ટીમોને સ્ટેન્ડબાય રાખી જરૂર જણાયે ત્વરીત આરોપીની ધરપકડ તથા સર્ચ ઓપરેશનો ચલાવવામાં આવ્યું હતું.

લોક સંપર્ક અને જન જાગૃતી અત્રેની રેન્જના તાબાના જીલ્લાઓમાં હાલ સુધીમાં કુલ-329 લોક-દરબારનુ આયોજન કરવામાં આવ્યા છે. જે લોક દરબાર પોલીસ મહાનિરીક્ષક, પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક તથા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યા હતાં.

લોક દરબાર દરમ્યાન વ્યાજખોરીની ચુંગલમાં ફસાયેલ લોકોની કુલ-72 રજુઆતો મળેલ હતી. જે 72 રજુઆતો પૈકી 46 રજુઆતોમાં ત્વરીત ગુનાઓ રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે અને અન્ય 26 રજુઆતોની હાલ તપાસ ચાલુ છે. જેની કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી મારફતે કરવામાં આવી છે.

તેમજ છેલ્લા એક વર્ષમાં કુલ – 132 ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે.

લોકોમાં જાગૃતી કેળવાય, વ્યાજખોરીના ચુંગલમાં ફસાયેલા લોકો હિમ્મ્ત પુર્વક કાયદાનો આશરો લેવા માટે સામે આવે, સરળતાથી પોતાની મુશ્કેલીને સમજી તે અંગે ચોકકસ કયા અને કેવા પ્રકારે રજુઆત કરી શકાય? તેની જાગૃતી કેળવાય અને નિર્ભીક પણે પોતાની ફરીયાદ/રજુઆત કરી શકે તેવુ વાતાવરણ સર્જાય તેવા આશયથી સોશિયલ મીડીયાના અલગ-અલગ પ્લેટફોર્મ ઉપર 500 થી પણ વધુ પોસ્ટ કરવામાં આવી છે. પબ્લીક એનાઉન્સમેન્ટ સીસ્ટમનો ઉપયોગ કરી 400 થી પણ વધારે સ્થળો ઉપર લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યા છે.  સમગ્ર રેન્જમાં વ્યાજખોરીથી અસરગ્રસ્ત વિસ્તારો નકકી કરી, આ વિસ્તારોમાં 12000 થી વધુ પત્રિકાઓનુ વિતરણ કરાવવામાં આવ્યું છે. વ્યાજખોરી અંગે નિર્ભયપણે ફરીયાદ/રજુઆત કરવા રેન્જના તમામ 69 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પોલીસ દ્વારા ડોર ટુ ડોર લોકોને મળી સમજણ આપી પોલીસ વિભાગ વ્યાજખોરીને ડામવા માટે કટીબધ્ધ છે તેવો ભરોશો આપવામાં આવ્યો છે.

ખાસ ઝુંબેશમાં દરમ્યાન અત્રેની રેન્જના તાબાના જીલ્લાઓમાં વ્યાજખોરી કરતા વ્યકિતઓ વિરુધ્ધ કુલ-99 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જે ગુનાઓમાં સંડોવાયેલ – 128 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 34 આરોપીઓ હાલે જેલ હવાલે છે.

ઉપરોકત દાખલ થયેલ ગુન્હાઓમાં કુલ – 10 દસ્તાવેજો તથા 04 સ્ટેમ્પ પેપર પર કરવામાં આવેલ લખાણ તેમજ જુદી જુદી બેંકના કુલ – 76 ચેકો તથા 04 પાસબુક, મોબાઇલ ફોન – 05, મોટર સાઇકલ કુલ – 03 જેની કિં.રૂ.1,20,000/-, કુલ કાર – 05 જેની કિ.રૂ.19,50,000/-, 01 – અતુલ રીક્ષા તથા સોનાના દાગીના જેની કુલ કિં.રૂ.5,42,022/- મળી કુલ કિ.26,12,022 નો મુદામાલ ગુન્હાના કામે કબ્જે કરવામાં આવ્યા છે.

વ્યાજખોરોની ઓફીસો, ઘરો અને પુરાવાઓ મળી શકે તેવી બીજી જગ્યાઓ ઉપર સર્ચ ઓપરેશનો હાથ ધરી તેઓના દ્વારા લખાવી લીધેલ દસ્તાવેજો અને ચેકો રીકવર કરવામાં આવ્યા છે. ઉપરોકત દાખલ થયેલા ગુનાઓની તપાસનુ સીધુ સુપરવિઝન પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક જાતેથી કરી રહ્યા છે.

આગામી દિવસોમાં સમગ્ર રેન્જમાં હજુ પણ 200 થી વધુ લોકદરબાર યોજવાનુ લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.

સોશિયલ મીડીયા, પ્રેસ મીડીયા, ઇલેકટ્રોનીક મીડીયાના માધ્યમથી વધુને વધુ લોક જાગૃતી કેળવવામાં આવશે.

પબ્લીક એનાઉન્સમેન્ટ સીસ્ટમના ઉપયોગથી અને ડોર ટુ ડોર લોકોનો સંપર્ક કરી છેવાડાના ગામડા સુધી વ્યાજખોરી અંગે જાગૃતતા કેળવાય અને સમગ્ર રેન્જના 100 ટકા લોકો સુધી આ અભિયાનની માહીતી પહોચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

વ્યાજખોરો દ્વારા પચાવી પાડવામાં આવેલી મિલકતો 100 ટકા ભોગબનનારને પરત મળે તે રીતેની કાયદાકીય કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે. તેમજ જરુર જણાયે ઇન્કમ ટેક્સ, ઇડીઆઇ વિગેરે વિભાગોની મદદ મેળવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

વ્યાજખોરો દ્વારા વસાવવામાં આવેલી ગેરકાયદેસર મિલકતો જપ્ત કરવા તેમજ ગેરકાયદેસર રીતે બાંધેલ બાંધકામો તોડી પાડવા અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે.

લાયસન્સ ધરાવી વ્યાજ વટાવનો ધંધો કરનાર વ્યકિતઓ દ્વારા જો આવા પ્રકારના ગુનાઓ આચરવામાં આવશે તો તેઓના લાયસન્સ રદ કરાવવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. તેમ જણાવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.