Abtak Media Google News

ડિસેમ્બરમાં તત્કાલિન કુલપતિ ડો.નવીનચંદ્ર શેઠની મુદત પૂરી થયા બાદ છેલ્લા છ માસથી ઇન્ચાર્જ  કુલપતિથી કામગીરી ચલાવવામાં આવતી હતી

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના કુલપતિ તરીકે એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ ડો.રાજુલ ગજ્જરની નિયુક્તિ કરવામાં આવી છે. આગામી ત્રણ વર્ષ માટે તેઓ જીટીયુના કુલપતિ તરીકે કાર્યરત રહેશે. છેલ્લા છ માસથી યુનિવર્સિટીના કુલપતિ કોણ બનશે તે અંગેના સસ્પેન્સનો અંત આવી ગયો છે. અધ્યાપકોના માંગણી પ્રમાણે ઇજનેરી શાખામાંથી કુલપતિની નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યની સૌથી મોટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં કુલપતિ કોણ બનશે તે અંગે છેલ્લા છ માસથી શિક્ષણજગતમાં અટકળો ચાલતી હતી.

ગત ડિસેમ્બરમાં તત્કાલિન કુલપતિ ડો.નવીનચંદ્ર શેઠની મુદત પૂરી થયા બાદ છેલ્લા છ માસથી ઇન્ચાર્જ  કુલપતિથી કામગીરી ચલાવવામાં આવતી હતી. સર્ચ કમિટીની રચના બાદ લાંબા સમય સુધી કુલપતિના નામની જાહેરાત ન થતાં અનેક તર્કવિતર્ક ઊભા થયા હતા. આખરે આજે શિક્ષણ વિભાગ દ્વારા નવા કુલપતિ તરીકે એલ.ડી. ઇજનેરી કોલેજના પ્રિન્સિપાલ ડો.રાજુલ ગજ્જરના નામની જાહેરાત કરી દેવામાં આવી હતી. ડો.ગજ્જર છેલ્લા 38 વર્ષથી ટેકનિકલ શિક્ષણજગત સાથે સંકળાયેલા છે.

ડો.ગજ્જરે યુ.જી. અને પી.જી. બન્ને એલ.ડી. ઇજનેરી કોલેજમાંથી પૂરું કર્યા બાદ એમ.એસ. યુનિવર્સિટીમાંથી સ્ટ્રક્ચરલ ડિઝાસ્ટર વિષયમાં પીએચડી કર્યું છે. તેઓ ભૂતકાળમાં પણ જીટીયુના કુલપતિ તરીકે કાર્યભાર સંભાળી ચુક્યા છે. વર્ષ 2016માં કુલપતિ તરીકે ડો.નવીનચંદ્ર શેઠની નિયુક્તિ થઇ તે પહેલા ડો. રાજુલ ગજ્જરને ઇન્ચાર્જ કુલપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ટીચર્સ યુનિવર્સિટીનો હવાલો પણ સંભાળી ચુક્યા છે. નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલના સભ્ય તરીકે પણ તેઓ સેવા આપી ચુક્યા છે. નિયુક્તિ બાદ તેઓ આગામી ત્રણ વર્ષ માટે યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.