Abtak Media Google News

ઉર્જા ખાતાનાં ૭ હજાર જેટલા વિદ્યુત સહાયકોને માસિક રૂ.૨૫૦૦થી ૧૦,૪૫૦ સુધીનાં પગાર વધારાનો લાભ મળશે

રેગ્યુલર કર્મચારીઓને સાતમાં વેતનની અમલવારી બાદ મળવાપાત્ર એરીયર્સ ટુંક સમયમાં જ ચુકવી આપવાની ઉર્જામંત્રીની બાંહેધરી

ગુજરાતનાં ઉર્જા ખાતાની કંપનીઓમાં ફરજ બજાવતા વિદ્યુત સહાયકોના પગાર વધારા અંગે વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ અને ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલને સંઘના પ્રમુખ ભરતભાઈ પંડયા અને કાર્યકારી પ્રમુખ વાસણભાઈ આહિર દ્વારા રજુઆત કરવામાં આવતા સરકાર દ્વારા વિદ્યુત સહાયકોના પગાર વધારાની મંજુરી લાંબા સમયથી અનિર્ણિત હતી તેને મંજુરી આપવામાં આવેલ છે જે માટે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે સરકાર અને જીયુવીએનએલ મેનેજમેન્ટનો આભાર માન્યો છે.

ગુજરાતના વિકાસમાં હંમેશા ઉત્કૃષ્ટ કામગીરી કરી પ્રજાની સેવા કરતા કર્મયોગીઓની કામગીરીની સરકાર દ્વારા કદર કરવામાં આવેલ છે. તાજેતરના વરસાદમાં પણ ટેકનીકલ કર્મચારીઓ પોતાના જીવની પરવા કર્યા વગર પાવર ચાલુ કરવા ચાલુ વરસાદે પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે તે બાબતની સરકાર દ્વારા ખુબ સકારાત્મક નોંધ લઈ ઉર્જા ખાતાના વિદ્યુત સહાયકોનો પગાર વધારાને મંજુરી આપી સાચા અર્થમાં કદર કરી છે તેવું સંઘના પ્રમુખ ભરતભાઈ પંડયા અને સંઘના સીનીયર સેક્રેટરી જનરલ બળદેવભાઈ પટેલ દ્વારા આભાર માનવામાં આવેલ છે.

તેમજ ઉર્જા ખાતાના તમામ કર્મચારીઓને સાતમાં વેતનની અમલવારી પછી મળવાપાત્ર ૧૯ મહિનાની એરિયર્સની રકમ ચુકવી આપવાની મંજુરી પણ સરકાર દ્વારા ખુબ ટુંક સમયમાં આપી દેવામાં આવશે જેના માટે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા ઘણા સમયથી દરેક સ્તરે રજુઆત કરવામાં આવેલ છે અને સંઘના પ્રમુખ ભરતભાઈ પંડયા દ્વારા સરકારમાં સંઘ દ્વારા જે રજુઆતો કરવામાં આવેલ છે તે વાસ્તવિક અને સાચી માંગણી હોય તાત્કાલિક મંજુરી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી તેમજ ઉર્જામંત્રીને કરવામાં આવેલ છે જે અન્વયે ટુંક સમયમાં પરીણામ મળશે અને ઉર્જા ખાતાના તમામ કર્મચારીઓને સાતમાં વેતનની એરિયર્સ ચુકવી આપવાની મંજુરી સંઘના પ્રમુખના પ્રયાસોથી સફળ થશે.

ઉર્જા ખાતાની વિવિધ કંપનીઓમાં ફરજ બજાવતા અને પોતાના વતન જવા માટે જે કર્મચારીઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે તેવા કર્મચારીઓને કંપની ચેન્જનો લાભ આપવા જે પરિપત્ર જારી કરવામાં આવેલ છે તેની વાસ્તવિક અમલવારી તાત્કાલિક કરવા પણ સંઘના પ્રમુખ ભરતભાઈ પંડયા દ્વારા ઉર્જા મંત્રીને કરવામાં આવેલ છે જે અંગે પણ ખુબ સકારાત્મક પ્રતિભાવ મળેલ છે અને ખુબ જલ્દી કંપની ચેન્જના પ્રશ્ર્ને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના પ્રમુખની રજુઆતને સફળતા મળશે તેમ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના એડી સેક્રેટરી જનરલ મહેશભાઈ દેસાણીની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.