Abtak Media Google News

વિશ્વ માં દર 11 મિનિટે એક મહિલાની પરિવાર દ્વારા જ હત્યા!!

મહિલાની સુરક્ષાનો મુદ્દો માત્ર ભારતમાં જ નહીં વિશ્વના વિવિધ દેશોમાં હમેશા ઉઠતો રહે છે. વર્ષોથી સ્થિતિમાં થોડો ઘણો સુધાર આવ્યો છે પણ નિરાકરણ તો આવ્યું જ નથી. આજે પણ મહિલા ઉપરના અત્યાચાર મોટા પ્રમાણમાં થાય છે. ઘણા બનાવો તો જાહેર પણ થતા નથી.

Advertisement

દર 11 મિનિટે એક મહિલાની તેના જીવનસાથી અથવા પરિવારના સભ્યો દ્વારા હત્યા કરી નાખવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટારેસે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, મહિલાઓ અને છોકરીઓ સામેની હિંસા એ વિશ્વમાં સૌથી મોટા માનવાધિકાર ઉલ્લંઘનોમાંથી એક છે. મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 25 નવેમ્બરે ઉજવવામાં આવે છે. યુએન સેક્રેટરી જનરલે આ દિવસને લઈને પોતાના સંદેશમાં આ વાત કહી છે.

ગુટેરેસનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે ભારતમાં શ્રદ્ધા વોકરની બર્બર હત્યાથી લોકો ડરી ગયા છે. શ્રદ્ધાના લિવ-ઈન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ તેનું ગળું દબાવીને તેના શરીરના 35 ટુકડા કર્યા હતા તેને લઈને ફરી એકવાર મહિલાઓ વિરુદ્ધ હિંસાનો પ્રશ્ન સામે આવ્યો છે. યુએન મહાસચિવે વિશ્વભરની સરકારોને અપીલ કરી છે કે, મહિલા અધિકાર સાથે સબંધિત ઓર્ગેનાઈઝેશન અને આંદોલનોના ફંડિંગમાં 2026 સુધી 50% નો વધારો કરવામાં આવે.

એન્ટોનિયો ગુતારેસે ચેતવણી આપી કે, કોરોના મહામારીના કારણે બગડેલી આર્થિક સ્થિતિ અને બીજા તણાવોના કારણે શારીરિક અને મૌખિક હિંસામાં વધારો થયો છે. તેમણે મહિલાઓ અને છોકરીઓ વિરુદ્ધ થનારી નલાઈન હિંસાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, મહિલાઓ વિરુદ્ધ ઓનલાઈન પ્લેટફોર્મ પર હેટ સ્પીચ, જાતીય સતામણી, ઈમેજ એબ્યુઝ જેવી ફરિયાદો સામે આવી રહી છે. હવે તો સંયુક્ત રાષ્ટ્રએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. મહિલાની સુરક્ષાનો મુદ્દો હવે વૈશ્વિક બની ગયો છે. કોઈ દેશ ત્યાં મહિલા સુરક્ષાની સારી સારી વાતો ભલે કરે પણ ગુનાહિત આંકડા હકીકત વર્ણવી દયે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.