Abtak Media Google News

રાજયમાં આવકવેરા વિભાગ દ્વારા ૨૯ ‘આસ્ક’ સેન્ટરોને ધમધમતા કરાયા

 

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ એટલે કે સીબીડીટી દ્વારા હરહંમેશ ગુજરાત રાજયને જે આવકવેરા વિભાગને લઈ ટાર્ગેટ આપવામાં આવતો હોય છે તેને રાજય પૂર્ણત: પૂર્ણ નિયત સમયમાં કરતું હોય છે ત્યારે સીબીડીટી દ્વારા રીટર્ન ફાઈલીંગની સર્વપ્રથમ તારીખ ૩૧ જુલાઈ નિર્ધારીત કરવામાં આવી હતી પરંતુ ટાર્ગેટને પહોંચી વળવા માટે સીબીડીટી દ્વારા આવકવેરા વિભાગને કરદાતા વિભાગને એક મહિનાની વધુ મોહલત આપવામાં આવી હતી એટલે કે હવે રીટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ ઓગસ્ટ આપવામાં આવી હતી જેને માત્ર હવે એક જ દિવસ બાકી રહ્યો છે.

આવકવેરા વિભાગ દ્વારા રીટર્ન ફાઈલીંગનાં ટાર્ગેટને પહોંચી વળવા માટે અનેકવિધ પ્રકારનાં નવતર ઉપાયો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં આવકવેરા વિભાગનાં અધિકારીઓ દ્વારા પબ્લીક અને પ્રાઈવેટ સ્થળો પર જાગૃતતા કેળવવા માટેનાં અભિયાન તથા સેમીનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાથો સાથ મોબાઈલ વેન પણ શહેરમાં ફરતી કરવામાં આવી છે જેથી કરદાતાઓને રીટર્ન ફાઈલીંગ અંગે જાગૃત કરી શકાય અને તેઓને પડતી મુશ્કેલીને સ્થળ પર જ નિવારી શકાય. સાથો સાથ આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત અન્ય શહેરોમાં કુલ ૨૯ જેટલા આસ્ક સેન્ટરોને ધમધમતા કર્યા છે જયાં કરદાતાઓ તેમનાં રીટર્ન ફાઈલ કરી શકશે. ગુજરાતનાં પ્રિન્સીપલ ચીફ કમિશનર ઓફ ઈન્કમ ટેકસ અજયદાસ મેલ્હોત્રાએ આવકવેરા વિભાગનાં અધિકારીઓને બીએસએફ, સીઆઈએસએફ, જીએસટી ઓફિસ, સિવિલ હોસ્પિટલ અને અન્ય ખાનગી કંપનીઓમાં અધિકારીઓને મોકલવામાં આવ્યા હતા અને તેઓને પડતી મુશ્કેલી અંગે જાણકારી મેળવી ત્વરીત નિરાકરણ પણ લાવવામાં આવ્યું હતું. અજયદાસ મેલ્હોત્રાએ જણાવ્યું હતું કે, આઉટ રીચ પ્રોગ્રામથી રીટર્ન ફાઈલીંગનાં આંકડામાં અનેકગણો વધારો થયો છે. માર્ચ-૨૦૧૪થી માર્ચ-૨૦૧૯માં આઈ.ટી. રીટર્ન ભરનારાઓની સંખ્યા બમણી થઈ છે. ૨૦૧૯ પહેલાનાં પાંચ વર્ષોની સરખામણી કરવામાં આવે તો ૩૩.૫૮ લાખ કરદાતાઓએ રીટર્ન ફાઈલ કર્યા હતા જે ૨૦૧૯માં વધી ૬૬.૦૪ લાખ કરદાતાઓએ રીટર્ન ફાઈલ કર્યા છે ત્યારે ૩૧મી ઓગસ્ટ જે રીટર્ન ફાઈલીંગ માટેની છેલ્લી તારીખ આપવામાં આવી છે તે જોતા લાગે છે કે, સંખ્યામાં અનેકગણો વધારો જોવા મળશે.

રિટર્ન ફાઈલ કરવા માટે કરદાતાઓને કરવામાં આવી રહ્યા છે જાગૃત: બી.વી.ગોપીનાથ

Are-You-Having-Trouble-Filing-A-Return-So-The-Income-Tax-Officer-Is-Here-To-Help
are-you-having-trouble-filing-a-return-so-the-income-tax-officer-is-here-to-help

રાજકોટ આવકવેરા વિભાગનાં પ્રિન્સીપલ કમિશનર તરીકે કાર્યરત બી.વી.ગોપીનાથે અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સર્વપ્રથમ જે ૩૧ જુલાઈની તારીખ નિર્ધારિત કરવામાં આવ્યા બાદ એક માસનો જે વધારો આપવામાં આવ્યો હતો તેનાં કારણે રીટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યા થોડી મંદ જોવા મળી હતી પરંતુ રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા વેન મારફત અધિકારીઓ મારફતે કરદાતાઓને જાગૃત કરવામાં આવી રહ્યા છે અને તેઓને પડતી મુશ્કેલીને પણ ત્વરીત નિવારવામાં આવી રહી છે. ગત ૧ માસથી શ‚ થયેલા આ અભિયાનને રાજકોટ કરદાતાઓ તરફથી જબ્બર પ્રતિસાદ મળ્યો છે અને દિન-પ્રતિદિન રીટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યામાં વધારો પણ જોવા મળી રહ્યો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટને જે ટાર્ગેટ આપવામાં આવતો હોય છે તેને રાજકોટ પરીપૂર્ણ કરવા માટે હરહંમેશ સજજ રહે છે ત્યારે રીટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યાનો આંકડો જયારે આવશે તો તે ઐતિહાસિક બની રહેશે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, કરદાતાઓને રીટર્ન ફાઈલ કરવા માટે અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આવકવેરા વિભાગનાં અધિકારીઓને તેમને રીટર્ન ફાઈલ કરવા માટે પણ મદદ કરતા હોય છે જે માટે તેઓ નહીવત ફી પણ વસુલે છે. રાજકોટ ખાતે આસ્ક સેન્ટરને ધમધમતું કરી દેવામાં આવ્યું છે જયાં કરદાતાઓનો ઘસારો પણ એટલો જ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.