Abtak Media Google News
  • એક વર્ષમાં દેવામાં અધધધ રૂ.42904 કરોડનો વધારો
  • નવા નાણાકીય વર્ષમાં વધારો 45 હજાર કરોડે પહોંચશે: રાજ્ય પર હાલ રૂ.3,81,380 કરોડનું દેવું

Gujarat News

Advertisement

ગુજરાતના દેવામાં સતત વધારો થઇ રહ્યો છે. વર્ષ 2022-23માં રાજ્યનું રૂ.3,38,476 કરોડ દેવું હતું તે વધીને વર્ષ 2023-24માં રૂ.3,81,380 કરોડ થયું છે એટલે કે દેવામાં રૂ.42,904 કરોડનો વધારો થયેલ. વર્ષ 2024-25માં રાજ્યના દેવાનો અંદાજ રૂ.4,26,380 કરોડ છે એટલે કે તેમાં છેલ્લા વર્ષની સરખામણીએ રૂ.45,000 કરોડનો વધારો થશે.

વર્ષ 2022-23ના સરખામણીએ વર્ષ 2024-25માં રૂ.87,904 કરોડનો વધારો થયો. વર્ષ 2024-25માં દરેક ગુજરાતીના માથાદીઠ દેવું રૂ.65,597 થશે. રાજ્ય સરકાર વર્ષ 2024-25માં રૂ.77,500 કરોડનું દેવું લેશે એટલે કે દૈનિક અંદાજે રૂ. 212 કરોડનું દેવું કરવામાં આવશે. 2024-25માં રાજ્ય સરકાર રૂ.29,084 કરોડ જાહેર દેવાની ચૂકવણી કરશે એટલે કે દૈનિક રૂ.80 કરોડની રકમ દેવાની રકમ ચૂકવવામાં જશે. એટલે કે દૈનિક રૂ.212 કરોડ લેશે તેની સામે દૈનિક રૂ.80 કરોડ પરત કરશે તે રાજ્યના વહીવટનું ઉત્તમ ઉદાહરણ હોવાનું કટાક્ષ કરતાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષભાઈ પરમારે જણાવ્યું હતું કે, રાજ્યની કુલ આવક વર્ષ 2022-23માં રૂ.1,99,408 કરોડ એટલે કે દૈનિક રૂ.546 કરોડ અને વર્ષ 2024-25માં રૂ.2,29,653 કરોડ એટલે કે દૈનિક રૂ.629 કરોડ થશે. એટલે કે વર્ષ 2022-23ના પ્રમાણમાં વર્ષ 2024-25માં દૈનિક રૂ.82 કરોડની આવકનો વધારો થશે.

રાજ્યમાં વિકાસલક્ષી ખર્ચ પાછળ વર્ષ 2022-23માં રૂ.1,52,476 કરોડ એટલે કે દૈનિક રૂ.506 કરોડ અને વર્ષ 2024-25માં રૂ.2,12,202 કરોડ એટલે કે દૈનિક રૂ.581 કરોડ થશે. એટલે કે વર્ષ 2022-23ના પ્રમાણમાં વર્ષ 2024-25માં દૈનિક રૂ.75 કરોડની રકમનો ખર્ચ થશે.

રાજ્યમાં બિન વિકાસલક્ષી ખર્ચ વર્ષ 2022-23માં રૂ.85,713 કરોડ એટલે કે દૈનિક રૂ.234 કરોડ અને વર્ષ 2024-25માં રૂ.1,15,576 કરોડ એટલે કે દૈનિક રૂ.316 કરોડ થશે. બે વર્ષમાં બિનવિકાસલક્ષી ખર્ચમાં રૂ.29,863 કરોડનો વધારો થયો છે. એટલે કે વર્ષ 2022-23ના પ્રમાણમાં વર્ષ 2024-25માં દૈનિક રૂ.82 કરોડનો બિનવિકાસલક્ષી ખર્ચ થશે.

રાજ્ય સરકાર વર્ષ 2024-25માં વિકાસલક્ષી ખર્ચ પાછળ દૈનિક રૂ.75 કરોડનો ખર્ચ કરશે. જ્યારે બિનવિકાસલક્ષી ખર્ચ પાછળ દૈનિક રૂ. 82 કરોડનો ખર્ચ કરવામાં આવશે. વિકાસલક્ષી ખર્ચ કરતાં બિનવિકાસલક્ષી ખર્ચ પાછળ વધારે ખર્ચ કરશે.

રાજ્યમાં બિન વિવાદિત વેરાપેટે એક વર્ષથી બે વર્ષની રૂ.937 કરોડ, બે વર્ષથી પાંચ વર્ષ રૂ.7,455 કરોડ, પાંચ વર્ષ થી દસ વર્ષ રૂ.10,647 કરોડ અને દસ વર્ષથી વધુ સમયથી રૂ.10,984 કરોડ મળી કુલ રૂ.30,025 કરોડની રકમ અને વિવાદિત વેરા પેટે નીકળતી બાકી રકમ રૂ.26,584 કરોડની લેવાની નિકળે છે. આમ, રાજ્યમાં રૂ.56,609 કરોડની રકમ વિવાદિત અને બિનવિવાદિત વેરા પેટે બાકી નિકળે છે.

રાજ્યમાં ઘરગથ્થું ઉત્પાદન વર્ષ 2012-13માં 17.7% વર્ષ 2023-24માં 10.5% છે એટલે કે 10 વર્ષમાં ઘરગથ્થું ઉત્પાદનમાં 7.2%નો ઘટાડો થયો છે. રાજ્યમાં ઔદ્યોગિક જુથ વર્ષ 2011-12ની સરખામણીએ વર્ષ 2022-23માં પ્રાથમિકમાં 22.80% થી 20.10% થયો એટલે કે 2.70%નો ઘટાડો થયો છે, કૃષિમાં 17.80% થી 14.10% એટલે કે 3.70%નો ઘટાડો થયો છે અને તૃતીય 36.70% થી 35.30% થયું છે એટલે કે તેમાં પણ 1.40%નો ઘટાડો થયો છે.

રાજ્યની પોતાની મહેસુલી આવકમાં વૃધ્ધિ વર્ષ 2012-13માં 14.22% હતી તે વર્ષ 2023-24માં 12.39% થઈ છે એટલે કે આવક વૃધ્ધિમાં 2.63%નો ઘટાડો થયો છે. કેન્દ્રીય કરવેરામાં વર્ષ 2012-13માં વાર્ષિક વૃધ્ધિ 14.09% હતી તે વર્ષ 2023-24માં 11.48% થઈ છે, એટલે કે કેન્દ્રીય કરવેરામાં 2.61%નો ઘટાડો થયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.