Abtak Media Google News

૧૭ દુકાનો અને બે બાઇક સળગાવી તોડફોડ કરતા વિફરેલા ટોળાને વિખેરવા પોલીસે બળ પ્રયોગ કરતા પોલીસ પર પથ્થરમારો થયો: યુવતીના મોબાઇલમાં પાડેલા ફોટા ડીલીટ કરવાના અને ચૂંટણીના

મનદુ:ખના કારણે તંગદીલી સર્જાય: રેન્જ આઇજી સહિતના પોલીસ અધિકારી દોડી ગયા: એસઆરપીનો બંદોબસ્ત ગોઠવાયો

હળવદ તાલુકાના માથક ગામની મુસ્લિમ યુવતીના ગરાસીયા શખ્સે મોબાઇલમાં ફોટા પાડતા બંને પરિવાર વચ્ચે અથડામણ થતા અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણીના કારણે કોળી અને ગરાસીયા પરિવાર વચ્ચે થયેલી માથાકૂટનો બદલો લેવા કોળી તેમજ ભરવાડ પરિવાર મુસ્લિમ સમાજની તરફેણમાં આવી જતા મોડીરાત સુધી સામસામે સશસ્ત્ર અથડામણ ચાલી હતી. અથડામણમાં છરીના ઘા લાગતા મુસ્લિમ યુવાનની હત્યા થઇ હતી અને ગરાસીયા યુવાન ગંભીર રીતે ઘવાતા પરિસ્થિતી બેકાબુ બની ગઇ હતી. વિફરેલા ટોળાએ એક સાથે ૧૭ જેટલી દુકાનો અને બે બાઇકને આગ ચાપી સળગાવી નાખ્યા હતા. ટોળાને વિખેરવા પોલીસે બળ પ્રયોગ કરતા ટોળાએ પોલીસ વાહન પર પથ્થરમારો કરી કાચ ફોડી નાખ્યા હતા. માથકમાં જૂથ અથડામણ હિંસક વળાંક લઇ રહ્યાની જાણ થતા રાજકોટ રેન્જ આઇજી પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને એસઆરપીનો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

આ અંગેની પોલીસસુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ માથક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અત્યાર સુધી ગરાસીયા પરિવારના સભ્ય જીતતા હતા પણ પ્રથમ વખત ભરવાડ, મુસ્મિલમ અને કોળી પરિવાર એક થઇ કોળી યુવાનને બીન હરિફ સરપંચ બનાવ્યો હોવાથી કોળી અને ગરાસીયા પરિવાર વચ્ચે માથાકૂટ થઇ હતી. દરમિયાન નોટબંધીના કારણે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો.

દરમિયાન બે દિવસ પહેલાં મુસ્લિમ પરિવારને ત્યાં પ્રસંગ હોવાથી ગરાસીયા શખ્સે યુવતીના ફોટા પાડતા મોબાઇલમાંથી ફોટા ડીલીટ કરવાના મુદે માથાકૂટ થતા સમીર નામનો યુવાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોચ્યો હતો.

પોલીસમાં ફરિયાદ નોંધાતી હોવાની જાણ થતા ગરાસીયા પરિવારના યોગરાજસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા, રાજદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા અને તેની માતા લીલાબા ઝાલા મુસ્લિમ પરિવારના ઘરે ઠપકો દેવા જતા ઉગ્ર બોલાચાલી થતા ત્રણેયે તૌસિફ હુસેન વડગામા, ફેઝલ હુસેન વડગામા અને અબ્બાસ રહેમાન વડગામા પર છરીથી હુમલો કર્યો હતો. મુસ્લિમ શખ્સોએ પણ છરીથી વળતો હુમલો કરતા યોગરાજસિંહ ઝાલા ઘવાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા તોસિફ વડગામાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘવાયેલા ફેઝલ અને અબ્બાસને સારવાર માટે મોરબી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે યોગરાજસિંહ ઝાલાને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.બીજી તરફ પોલીસમાં ફરિયાદ નોંધાવી પરત આવી રહેલા સમીર સાથે પોલીસની જીપ અથડાતા પોલીસ સ્ટાફ ગરાસીયા પરિવારને સમર્થન આપતા હોવાના આક્ષેપ થતા ઘટના સ્થળે ટોળે ટોળા એકઠાં થઇ ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ જીપ પર પથ્થરમારો કરી કાચ ફોડી નાખ્યા બાદ ગામમાં ૧૭ જેટલી દુકાનો અને બે બાઇક સળગાવી નાખતા તંગદીલી સર્જાય હતી.

પરિસ્થિતી બેકાબુ બનતા હળવદ પીએસઆઇ ઓડેદરાએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા રાજકોટ રેન્જ આઇજી ડી.એન.પટેલ અને મોરબી જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ માથક દોડી ગયા હતા અને એસઆરપીનો બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતી પર કાબુ મેળવ્યો છે.આમ છતાં માથક અને આજુબાજુના ગામોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.